માતર: સુરતની (Surat) ગ્રીષ્માનું (GrishmaMurder) ગળું કાપીને હત્યા થઈ હતી તેવી જ અરેરાટીપૂર્ણ ઘટના ગુજરાતના ખેડા જિલ્લાના માતરના ત્રાજ ગામમાં બની છે. અહીં એક 46 વર્ષનો શખ્સ 16 વર્ષની કિશોરીના એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. કિશોરીએ દાદ નહીં દેતા જાહેરમાં ગળું કાપી તેને રહેંસી નાંખી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માતરના ત્રાજ ગામનો રાજુ ઉર્ફે રાજેશ પટેલે કાગળ કાપવાના કટરથી કૃપા નામની 16 વર્ષીય કિશોરીનું ગળું કાપી નિર્મમ હત્યા કરી છે. આરોપી રાજુની ભત્રીજી અને મૃતક કિશોરી બંને બહેનપણી હતી. તે અવારનવાર આરોપીના ઘરે જતી હતી. દરમિયાન સામાન્ય વાતચીત થતા રાજેશ કિશોરીના એકતરફી પ્રેમમાં પડ્યો હતો.
બુધવારની સાંજે કિશોરી તેની બહેનપણી સાથે મંદિરે દર્શન કરવા ગઈ હતી અને તે ઘરે પરત ફરી રહી હતી ત્યારે એક દુકાન પાસે કોલ્ડ્રીંક્સ લેવા ઉભી રહી હતી, ત્યારે આરોપી રાજુએ પાછળથી ત્યાં આવી કોઈ કંઈ સમજે તે પહેલાં જ કટર લઈ કિશોરી પર તૂટી પડ્યો હતો અને તેનું ગળું કાપ્યા બાદ હાથના ભાગે પણ ઘા ઝીંક્યા હતા. સારવાર મળે તે પહેલાં જ કિશોરીનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ આરોપી હત્યારાને જાહેરમાં સજા કરવાની માંગ કરી છે.
બાળપણથી આરોપી કિશોરીને જાણતો હતો
આરોપી રાજુની ભત્રીજી અને કિશોરી બાળપણથી સહેલીઓ હતી. તેઓ સાથે ભણતા હતા. તેથી આરોપીના ઘરે કિશોરીની અવરજવર રહેતી હતી. દરમિયાન બંને પરિચયમાં આવ્યા હતા. કિશોરીને આરોપી બાળપણથી ઓળખતો હતો. દરમિયાન કિશોરી મોટી થતાં આરોપીએ તેની પર દાનત બગાડી હતી. તેના બદઈરાદાની જાણ થઈ જતા કિશોરીએ સહેલીના ઘરે જવાનું બંધ કર્યું હતું. તે આરોપીને ઈગ્નોર કરતી હતી. તેથી ગુસ્સે ભરાઈને આરોપીએ હત્યા કરી છે. હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે.
થોડા સમય પહેલાં રાજેશના ડિવોર્સ થયા હતા
દરમિયાન એક માસૂમ કિશોરીની 46 વર્ષના આધેડ ઉંમરના શખ્સે પ્રેમમાં પાગલ થઈ હત્યા કરી હોવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. લોકો પોલીસ સ્ટેશન બહાર ભેગા થઈ ગયા હતા અને આરોપીને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવાની માંગણી કરી હતી. નોંધનીય છે કે, 46 વર્ષિય શખ્સ રાજુ ઉર્ફે રાજેશ મગનભાઈ પટેલ પોતે પોતાની માતા સાથે રહે છે. ઉપરના માળે તેનો મોટોભાઈ રહે છે. થોડા વર્ષો અગાઉ રાજુ ઉર્ફે રાજેશ પટેલના ડિવોર્સ થઈ ગયા હતા. તેને સંતાનમાં કોઈ નથી. રાજુ ઉર્ફે રાજેશ નજીક આવેલી ખાનગી કંપનીમાં નોકરી પણ કરે છે.