સુરત : અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં સાડી અને ડ્રેસ મટીરીયલ્સ ઉપર સ્ટોન લગાડવાની દુકાન (Shop) ધરાવતા દુકાનદારે ઝેરી પાઉડર પી આપઘાત (Suiside) કરી લીધો હતો. લગ્નને (Marriage) લઇ દુકાનદાર હતાશામાં રહેતો હતો. જેને કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું હોવાનું પોલીસ (Police) સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર અમરોલી છાપરાભાઠા રોડ આમ્રકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા નીતિનભાઈ ભાનુભાઈ તળસરીયા (ઉ.વ.27) છાપરાભાઠા વિસ્તારમાં આવેલી હેપ્પી રેસીડેન્સીની દુકાન નંબર-9માં સાડી અને ડ્રેસ મટીરીયલ્સ ઉપર સ્ટોન લગાડવાની દુકાન ધરાવે છે. પિતા પણ નીતિનને દુકાનનાં કામકાજમાં મદદ કરતા હતા. દરમિયાન મંગળવારે રાત્રે નીતિન તળસરીયા દુકાનેથી ઘરે ગયા બાદ ફરી વખત દુકાને કામ અર્થે પહોંચ્યા હતા અને ત્યાં ઝેરી સેલફોસ પાઉડર પી લીધો હતો.
તેમણે ઝેરી પાઉડર પી લીધા બાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તેમજ મિત્રોને પણ આ અંગે જાણ કરી હતી. મિત્રો દુકાને પહોંચ્યા હતા અને 108 મારફતે નીતિન તળસરીયાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, નીતિને તેના પિતાને મોટાભાઇના લગ્ન થઇ ગયા છે ત્યારે તેના લગ્નની વાત કરી હતી. લગ્ન નહીં થયા હોવાને કારણે હતાશ થઇ નીતિને આત્યાંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ છે.
ઉધનાના રેડીમેઇડ કપડાના દુકાનદારની પત્નીનો ચોથા માળેથી કુદી આપઘાત
સુરત : ઉધના અંબાનગર કોલોનીમાં રહેતી મહિલાએ ચોથા માળેથી કુદી જઇ આપઘાત કરી લીધો હતો. જોકે તેણીએ ક્યા કારણોસર પગલું ભર્યું તે જાણવા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રો પાસેથી મળથી વિગતો અનુસાર ઉધના અંબર કોલોનીમાં આવેલા બાજી મેન્શનમાં રહેતી સાહાબાદ ખાન તેના ઘર નજીક રેડીમેઇડ કપડાની દુકાન ધરાવે છે. દરમિયાન તેની પત્ની અલ્ફિના ગઇકાલે મોડી સાંજે ચોથા માળેથી કુદી ગઇ હતી. ગંભીર હાલતમાં તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટી હતી. અલ્ફિનાએ ક્યા કારણોસર પગલું ભર્યું તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ અંગે વધુ તપાસ ઉધના પોલીસ કરી રહી છે. વધુમાં સાહબાદના પાંચ વર્ષ પહેલા જ અલ્ફિના સાથે લગ્ન થયા હતા. તેમને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.