સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં વહીવટી મથક આહવાનાં (Aahva) મિશનપાડામાં રહેતા દંપતી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા પત્નીએ (Wife) આવેશમાં આવી જઈ પતિનાં (Husband) ગળાનાં ભાગે બ્લેડનાં (Blade) ઘા કરતા આહવા પોલીસ મથકમાં (Police Station) ફરિયાદ (Complaint) નોંધાઈ હતી.
આહવાનાં મિશનપાડામાં રહેતા ગુલાબભાઈ જ્યંવતભાઈ પવાર અને પત્ની સુમિત્રાબેન પવાર બે બાળકો સાથે જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. ગતરોજ પત્ની સુમિત્રાબેન મોડે સુધી ઊંઘતી હોવાના પગલે પતિ ગુલાબભાઈ પવારે તેણીને છેલ્લા એકાદ વર્ષથી ઘરનાં કામકાજ બાબતે ધ્યાન આપતી નથી. અને ઘરની સાફસફાઈ પણ થતી નથી કે સમયસર જમવાનું પણ બનાવતી ન હોવાનું જણાવી ટોકી હતી. જે બાબતે પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં પતિ ગુલાબભાઈ ઓટલા પર સુઈ ગયા હતા. તે વેળાએ પત્ની સુમિત્રા પવારે આવેશમાં આવી જઈ તેના માથાનાં વાળ પકડી ગળાનાં જમણી ભાગે બ્લેડથી ઘા કરતા બુમાબુમ મચી જવા પામી હતી. પતિ ગુલાબભાઈનાં ગળામાંથી લોહી નીકળતા રૂમાલ બાંધી આહવા પોલીસ મથકે દોડી ગયો હતો. જ્યાંથી ઇજાગ્રસ્ત ઈસમને આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હાલમાં પતિ ગુલાબભાઈએ પત્ની સુમિત્રા પવાર વિરુદ્ધ આહવા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા આહવા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમિકા સાથે લગ્નમાંથી પરત ફરતો યુવક લઘુશંકા કરવા ઊભો રહેતાં જ ઢળી પડ્યો
બારડોલી: બારડોલી તાલુકાના ઓરગામનો યુવક બાજુના સિંગોદ ગામની પ્રેમિકા સાથે મોટરસાઇકલ પર મોરી ગામે લગ્નમાં ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે સમથાણ ગામની સીમમાં લઘુશંકા માટે મોટરસાઇકલ ઊભી રાખી ખેતરમાં ગયો હતો. ત્યાં અચાનક નીચે પડી ગયા બાદ બેભાન થઈ ગયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના ઓરગામના ભીલ ફળિયામાં રહેતો કૌશિક કિરણ રાઠોડ મંગળવારે ઘરેથી મોટરસાઇકલ લઈને નીકળ્યા બાદ બાજુના સિંગોદ ગામે રહેતી તેની પ્રેમિકા સાથે મોરી ગામે લગ્નપ્રસંગમાં ગયો હતો. સાંજના સમયે લગ્નમાં હાજરી આપી બંને પરત ફરી રહ્યાં હતાં. એ સમયે કૌશિકને લઘુશંકા લગતાં સમથાણ ગામની સીમમાં નહેર પાસે મોટરસાઇકલ ઊભી રાખી હતી અને તે પ્રેમિકાને મોટરસાઇકલ પાસે ઊભી રાખીને ખેતરાડી વિસ્તારમાં લઘુશંકા કરવા ગયો હતો. થોડીવાર રાહ જોયા બાદ પણ તે પરત નહીં ફરતાં પ્રેમિકાએ સ્થળ પર પહોંચીને જોતાં કૌશિક ઊંધો પડેલો હતો અને તેના બંને પગ પાણીની નીકમાં હતા. તેને ઉઠાડવાનો પ્રયત્ન કરતાં તે ન ઊઠતાં ગભરાઈ ગયેલી પ્રેમિકાએ કૌશિકના બનેવી કિશનને ફોન કરી જાણ કરતાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.