Dakshin Gujarat

નર્મદા ડેમના વીજ મથકના ખાનગી કંપનીના કર્મચારીઓએ કરી હડતાળ, છેલ્લાં કેટલાય દિવસોથી નથી જતાં નોકરીએ

રાજપીપળા: સરદાર સરોવર નર્મદા ડેમના વીજમથકમાં ફરજ બજાવતા ખાનગી કંપનીના (Company) 280 જેટલા કર્મચારીઓ (Employee) વેતન વધારાની માંગણીને લઇ હડતાળ (Strike) પર ઊતરી ગયા હતા અને કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સરદાર સરોવર નર્મદા ડેમના કેનાલ હેડ પાવર હાઉસ અને રિવર બેડ પાવર હાઉસમાં વર્ષોથી 280 જેટલા ખાનગી કંપનીના કર્મચારીઓ ફરજ બજાવે છે. તેઓ ટેક્નિકલથી લઈ અન્ય કામગીરી કરે છે. વીજ મથકોમાં ઓપરેશન અને મેઇન્ટેનન્સનું કામ કરતા કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી નોકરી પર જતા નથી. તેઓએ પોતાની માંગણીઓ મુદ્દે જીસેકના ઉચ્ચ અધિકારી અને ફિટવેલ ખાનગી કંપનીને લેખિતમાં રજૂઆત કરી છે. પરંતુ કંપની તરફથી કોઈ પણ પ્રતિભાવ ન મળતાં આખરે કામદારોએ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. તેઓ પગારવધારાની માંગ કરી રહ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમના મથકમાં ઓપરેશન અને મેઇન્ટેનન્સમાં કર્મચારીઓ અલગ અલગ પોસ્ટ પર ફરજ બજાવે છે. એમના આગેવાન શૈલેષ ડામોરે જણાવ્યું હતું કે, અમે 10થી 15 વર્ષથી નોકરી કરીએ છીએ. આઇ.ટી.આઈ., ડિપ્લોમા, ઇલેટ્રોનિક એપ્રેન્ટિસ કરી અમે ટેક્નિકલ કામ કરીએ છીએ. અંડર ગ્રાઉન્ડ પાવર હાઉસમાં નોકરી કરીએ છીએ. પગારધોરણ ઓછું આપી અમારું શોષણ કરવામાં આવે છે. આ અંગે અમે જિલ્લા કલેક્ટરથી લઈ જીસેકના અધિકારીઓને રજૂઆત કરી છે. જો અમારી માંગોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો અમારી હડતાળ ચાલુ જ રહેશે. હડતાળ પર ઊતરેલા કર્મચારીઓ સાથે નર્મદા જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ, ઉપ પ્રમુખ રણજિત.ડી.તડવી, ગરુડેશ્વર તાલૂકા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ તડવી વગેરે જીસેક અને ફીટવેલ કર્મચારીઓ સાથે મીટિંગ કરી કર્મચારીઓની માંગ સ્વીકારી નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.

તાપી-પાર રિવર લિંક યોજનાના વિરોધમાં માંગરોળ-ઉમરપાડામાં લડત આંદોલનનાં મંડાણ
વાંકલ: માંગરોળ તાલુકાના વાંકલ ગામે ટ્રાયબલ બચાવો અભિયાન સમિતિ દ્વારા તાપી-પાર રિવર લિંક યોજનાના વિરોધમાં યોજાયેલી બેઠકમાં આગેવાનોએ લોક સહયોગથી લડતને મક્કમતાપૂર્વક આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા તાપી-પાર રિવર લિંક યોજનાને મંજૂરી આપવામાં આવતાં ડાંગ જિલ્લાથી આ મુદ્દે આદિવાસી વિસ્તારમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના પ્રભાવિત થતાં વિસ્તારોમાં આંદોલન વિસ્તરી રહ્યું છે. ત્યારે આ યોજનાથી વિસ્થાપિત થઈ રહેલા માંગરોળ તાલુકાનાં 14 ગામના લોકો હવે આંદોલનમાં જોડાયા છે. ટ્રાયબલ બચાવો અભિયાન સમિતિના નેજા હેઠળ રમણ ચૌધરી અને સુરેશ વસાવાની આગેવાની હેઠળ માંગરોળ ઉમરપાડામાં આંદોલનની શરૂઆત થઈ છે. જેના ભાગરૂપે વાંકલ ખાતે યોજાયેલી બેઠકમાં માંગરોળ તાલુકા અને ઉમરપાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખો તેમજ અન્ય આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની તાપી-પાર રિવર લિંક યોજનાનો વિરોધ શરૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાંથી ભૂતકાળમાં સરકારે લાકડું લઈ લીધું છે.

ખાણ-ખનીજ સંપત્તિ લઇ લીધી છે. ભૂતકાળમાં ડેમો બનાવી લોકોને વિસ્થાપિત કર્યા છે અને હવે ફરી આદિવાસી વિસ્તારમાં તાપી-પાર રિવર લિંક યોજનાને મંજૂરી આપી આદિવાસીઓને બરબાદ કરવાનું ષડયંત્ર રચાયું છે. જેનો ભોગ આદિવાસીઓ ન બને એ માટે ટ્રાયબલ બચાવો સમિતિએ તકેદારી રાખી ડાંગથી આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનને તોડી પાડવાના પ્રયાસો સરકાર દ્વારા થઇ રહ્યા છે, પરંતુ જ્યારે સરકાર શ્વેતપત્ર બહાર પાડી આ યોજનાની મંજૂરીને નકારે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો અમે નિર્ણય કર્યો છે. આવનારા સમયમાં વાંકલ ગામે તાપી-પાર રિવર લિંક યોજનાના વિરોધમાં મોટી સભાનું આયોજન કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં આગેવાનોએ લડત આંદોલનની વેગ આપવા અંગેનાં પોતાનાં સૂચનો રજૂ કર્યાં હતાં અને વિસ્થાપિત થતાં તમામ ગામોમાં આ મુદ્દે લોક જાગૃતિ કેળવવા નાની-નાની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top