સુરત : કતારગામમાં ઓવલી ચિંતન ઇમ્પેક્ષ નામની હીરા પેઢીના કર્મચારીએ કારખાનામાંથી જ રૂા. 2 લાખની કિંમતના હીરાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં પોલીસ ફરિયાદ થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ડભોલી સિંગણપોર ભ્રહ્મલોક એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ દેવકાજભાઈ વાઘાણી (ઉ.વ.૫૧) કતારગામ આશ્ર્મ અંબાવાડી પ્રિન્સ બિલ્ડિંગમાં આવેલી ચિંતન ઈમ્પેક્ષ નામની હીરા કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમને ત્યાં નાનપુરા ભીમકચ્છી શેરીમાં રહેતો મિશાલ સતીષ પટેલ હીરા ઘસવાનું કામ કરતો હતો. મિશાલે છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે રૂા. 2 લાખની કિંમતના 6 કેરેટ હીરાની ચોરી કરી લીધી હતી. દિવસ દિવસે હીરાની ગણતરી ઓછી થતી હતી, આ મામલે મહેશભાઇને શંકા ગઇ હતી અને તેઓએ કારખાનાની સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.
- મિશાલ પટેલ સવા વર્ષ પહેલાં કતારગામની ચિંતન ઈમ્પેક્ષમાં રત્નકલાકાર તરીકે નોકરીમાં જોડાયો હતો
- મિશાલ પટેલે છેલ્લાં એક મહિનામાં 2 લાખની કિંમતના 6 કેરેટ હીરા ચોરી લીધા હતા
- સીસીટીવી ફૂટેજ ચેક કરતા મિશાલ બે કેરેટનો એક હિરો ચોરી કરીને ખિસ્સામાં મૂકીને જતો દેખાયો હતો
જેમાં મિશાલ બે કેરેટના એક હિરો ચોરી કરીને ખિસ્સામાં મુકીને જતો હતો, પરંતુ આ પાકીટ નીચે પડી ગયું હતું. બીજા દિવસે આ પાકીટ મેનેજરને જ મળ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરમાં કેદ થઇ હતી. બનાવ અંગે મહેશભાઇએ મિશાલને પકડીને પુછપરછ કરતા તેને કહ્યું હતું કે, તે દરરોજ એક હીરો ચોરી કરી જતો હતો. પોલીસે મિશાલની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
નવસારીમાં ઠગે હીરાના વેપારીને ઉલ્લું બનાવ્યો, 28 લાખના હીરા લઈ રફૂચક્કર થયો
નવસારીમાં એક હીરાના વેપારીને ઠગ મૂર્ખ બનાવી ગયાનો કિસ્સો બન્યો છે. જયપુરમાં હીરાના દાગીનાની દુકાન છે તેવી મોટી મોટી વાતો કરીને દલાલ અને હીરા વેપારીએ નવસારીના હીરા વેપારી ભૂરા કાના દેસાઈના 28.34 લાખના હીરા લઈ ભાગી ગયો છે. મૂળ બનાસકાંઠા ધાનેરા તાલુકાના વાલેર ગામે અને હાલ નવસારી માણેકલાલ રોડ પ્રિયદર્શની પાર્ક સોસાયટી આનંદ એપાર્ટમેન્ટમાં ભુરાભાઈ કાનાભાઈ દેસાઈ હીરાનું કારખાનું ચલાવે છે. બે-ત્રણ દિવસ અગાઉ ભુરાભાઈના સગાં મહેન્દ્રભાઈએ ફોન કરી એક ભાઈને રોકડેથી હીરા વેચાતા લેવાના છે તેમ જણાવી તે ભાઈને તમારો મોબાઈલ નંબર આપ્યો છે, તે ભાઈ તમને સંપર્ક કરશે તો તેઓને હીરા બતાવજો તેમ જણાવ્યું હતું.
ગત 9મીએ આતીશભાઈ નામના ઇસમે ભુરાભાઈને ફોન કરી મારા પાસે એક પાર્ટી છે અને તે રોકડેથી હીરા ખરીદવા માંગે છે તેવી વાત કરતા ભુરાભાઈએ મારા પાસે હાલમાં હીરાનો માલ તૈયાર નથી, તૈયાર થઇ જાય તો હું તમને આવતીકાલે બતાવીશ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ભુરાભાઈ નવસારી ધોબીવાડ મહાકાલી બેંકની નજીક આવેલ મહાવીર ચેમ્બર્સની બાજુમાં આવેલી આતીશભાઈની ઓફીસે ગયા હતા. જ્યાં તેઓ હીરાના દલાલ આતીશભાઈ અને હીરા વેપારી નિખીલભાઈ પટેલને મળ્યા હતા. જ્યાં આતીશભાઈએ નિખીલભાઈને 70 થી 75 લાખના હીરા ખરીદ કરવા છે તેમ જણાવ્યું હતું.
જેથી ભુરાભાઈએ તેમના કારખાને ચા પીવા બોલાવી નિખીલભાઈ પાસે ફોન નંબર માંગ્યો હતો. ત્યારે નિખીલભાઈએ તેમનો વિઝિટિંગ કાર્ડ આપતા તેમાં દુકાન નંબર 341-342, શરાફા ગલી, મહેંદી ચોક, બડી ચોપડ, જયપુર, રાજસ્થાન લખ્યું હતું. જે બાબતે ભુરાભાઈએ પૂછતાં નિખીલભાઈએ જણાવ્યું હતું કે, જયપુર ખાતે મારી હીરાના દાગીનાની દુકાન છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ આતીશભાઈ અને નિખીલભાઈ ભુરાભાઈની ઓફિસે ગયા હતા. જ્યાં તેઓએ હીરાનો માલ માંગતા ભુરાભાઈએ આવતીકાલ સુધીમાં માલ તૈયાર થઇ જશે, માલ તૈયાર થઇ જશે તેટલો માલ આપીશ તેવી કરતા તેઓ જતા રહ્યા હતા.
ગત 10મીએ સવારે ભુરાભાઈ 12.52 લાખના 50.08 કેરેટના પોલીશ્ડ હીરા, 6,89,920 રૂપિયાના 21.56 કેરેટના પોલીશ્ડ હીરા અને 8,92,160 રૂપિયાના 27.88 કેરેટના પોલીશ્ડ હીરાના એમ ત્રણ પેકેટ મળી કુલ 28,34,080 રૂપિયાના પોલીશ્ડ હીરા લઈ આતીશભાઈની ઓફિસે ગયા હતા. જ્યાં નિખીલભાઈએ ભુરાભાઈ પાસે હીરા જોવા માટે માંગતા ભુરાભાઈએ પોલીશ્ડ હીરાના ત્રણ પેકેટ આપ્યા હતા. જેથી નિખીલભાઈ હીરાના પેકેટ ખોલી હીરા ચેક કરતા હતા અને હીરાના ભાવ બાબતે વાતચીત કરતા હતા.
દરમિયાન ‘નિખીલભાઈ બરાબર હીરા દેખાતા નથી, જેથી હું અજવાળામાં જઈ હીરા ચેક કરી લઉં’ તેવું જણાવી નિખીલભાઈ ઓફિસમાં લગાવેલા કાપડના પડદા પાછળ ગયા હતા. પરંતુ થોડી વાર સુધી નિખીલભાઈ ન આવતા ભુરાભાઈએ પડદો ખસેડી જોયો હતો. પરંતુ ત્યાં નિખીલભાઈ ન દેખાતા તેઓ પાછળનો દરવાજો ખોલી હીરા લઇ નાસી ગયા હતા. જેથી ભુરાભાઈએ આજુબાજુમાં તપાસ કરી હતી. પરંતુ નિખીલભાઈ મળ્યા ન હતા. ત્યારે આતીશભાઈએ જણાવ્યું હતું કે, નિખીલભાઈ તેમના માણસને લેવા માટે અમારી ઓફિસમાં કામ કરતા દીપચંદ સાહેબલાલ સોનકરની બાઈક (નં. જીજે-21-બીપી-4964) લઈને ગયા હશે તેમ જણાવ્યું હતું. પરંતુ ઘણો સમય વીતી ગયા છતાં નિખીલભાઈ પરત ન આવતા ભુરાભાઈએ તેમના સગાં-સબંધીઓને બોલાવી લીધા હતા. આ બાબતે ભુરાભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે નિખીલભાઈ પટેલ, આતિશભાઈ શાહ અને દિનેશ પલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આતીશભાઈ શાહ અને દિનેશ પાલની ધરપકડ કરી આગળની તજવીજ પી.એસ.આઈ. એમ.આર. વાળાએ હાથ ધરી છે.