Columns

અમેરિકા, રશિયા અને બ્રિટનના જાસૂસી વડાઓ ભારતમાં શું કરી રહ્યા છે?

તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જમાવ્યો તે પછી અચાનક અમેરિકા, રશિયા અને બ્રિટનના જાસૂસી વડાઓને ભારતનું મહત્ત્વ સમજાયું છે. ઇતિહાસમાં અલભ્ય કહી શકાય તેવી ઘટનામાં અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના વડા વિલિયમ બર્ન્સ, બ્રિટનની જાસૂસી સંસ્થા એમઆઈ-૬ ના વડા રિચાર્ડ મુરે અને રશિયાના નેશનલ સિક્યુરિટી સલાહકાર નિકોલય પિત્રુશેવ ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ત્રણેય દેશોનો પોતપોતાનો સ્વાર્થ છે. દિલ્હીમાં તેમની મુલાકાત પહેલાં ભારતના નેશનલ સિક્યુરિટી સલાહકાર અજિત દોવલ સાથે થશે; પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ અન્ય નેતાઓ સાથે થશે. આ ત્રણેય દેશોના ટોચના ગુપ્તચર અધિકારીઓ સાથેની મુલાકાત પછી ભારતની તાલિબાન બાબતની લાંબા ગાળાની નીતિ નક્કી થશે.

જ્યાં સુધી જાગતિક રાજકીય સમીકરણોનો સંબંધ છે ત્યાં સુધી આપણે બ્રિટન અને અમેરિકાને એક બ્રેકેટમાં મૂકી શકીએ. અફઘાનિસ્તાનમાં પણ અમેરિકાનાં અને બ્રિટનનાં સહિયારાં હિતો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાનું લશ્કર પાછું ખેંચી લીધું ત્યારે બ્રિટન તેને અનુસર્યું હતું. અમેરિકાએ તાલિબાન સાથે પડદા પાછળ ફિક્સિંગ કરી લીધું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ કારણે જ સીઆઈએના વડા વિલિયમ બર્ન્સ નવી દિલ્હીની મુલાકાતે આવતાં પહેલાં કાબુલ જઈને તાલિબાનને પણ મળી આવ્યા હતા. અમેરિકા હવે પ્રોક્સિથી અફઘાનિસ્તાનમાં રાજ કરવા માગે છે અને તેમાં ભારતને પણ સામેલ કરવા માગે છે. જો કે અફઘાનિસ્તાનમાં ભારતનાં અને અમેરિકાનાં હિતો ટકરાઈ રહ્યાં છે. તાલિબાને ભારતના શત્રુ પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં સત્તા હસ્તગત કરી છે. તાલિબાન સરકારની રચના પણ પાકિસ્તાનના દોરીસંચાર હેઠળ કરવામાં આવી છે. વળી અમેરિકાનો પાકિસ્તાનને મજબૂત ટેકો છે. આ સંયોગોમાં ભારતની અફઘાન નીતિ પર અમેરિકાનો કેટલો પ્રભાવ પડશે, તે હાલના સંયોગોમાં કહી શકાય તેમ નથી.

તાલિબાન પ્રત્યેની નીતિની બાબતમાં ભારત જો કોઈ મહાસત્તાની સૌથી વધુ નજીક હોય તો તે રશિયા છે. ૧૯૯૦ ના દાયકામાં તાલિબાને રશિયાને અફઘાનિસ્તાન છોડવા મજબૂર કર્યું તેમાં અમેરિકાનો હાથ હતો. આ કારણે તાલિબાન પ્રારંભથી જ રશિયાનું દુશ્મન રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર રચાઈ તેને કારણે ભારતની જેમ રશિયા પણ ચિંતિત બન્યું છે. અફઘાનિસ્તાન પણ રશિયાનું પડોશી છે. આ સંયોગોમાં રશિયાને ડર છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર આવી તે પછી રશિયાના મુસ્લિમ પ્રદેશોમાં આતંકવાદનો ખતરો વધી જશે. અફઘાનિસ્તાન અફીણની ખેતીનું પણ આંતરરાષ્ટ્રીય મથક છે. તાલિબાને અમેરિકા સામેનો જંગ જીતવા ડ્રગ્સના ધંધાની મદદ પણ લીધી હતી. હવે તાલિબાનના હાથમાં સમગ્ર અફઘાનિસ્તાન આવતાં જો ગેરકાયદે ડ્રગ્સનો કારોબાર વધી જાય તો ભારતની જેમ રશિયાના યુવાનો પણ તેના શિકાર બની શકે છે.

અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો જમાવી દીધો અને પોતાની સરકાર રચી દીધી તો પણ તાલિબાન બાબતની ભારતની નીતિ હજુ સ્પષ્ટ થતી નથી. ભારતે તાલિબાનનો વિરોધ નથી કર્યો તેમ તેનું સમર્થન પણ કર્યું નથી. તાલિબાન બાબતમાં ભારતની નીતિ થોભો અને રાહ જુઓની છે. કદાચ આ બાબતમાં તે રશિયાના સંકેતની રાહ જોઈ રહ્યું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૨૪ ઓગસ્ટે તાલિબાન બાબતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે ફોન પર વાત કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેના અનુસંધાનમાં પુતિને તેમનો જમણો હાથ ગણાતા નિકોલય પિત્રુશેવને દિલ્હી મોકલી આપ્યા છે. અફઘાનિસ્તાન બાબતમાં ભારતે તંગ દોર પર નર્તન કરવાનું છે. એક તરફ રશિયા છે તો બીજી તરફ અમેરિકા અને બ્રિટન છે. ભારતે પોતાનો માર્ગ નક્કી કરવાનો છે.

રશિયા પરંપરાગત રીતે ભારતનું મિત્ર રહ્યું છે તે વાતમાં કોઈ શંકા નથી. ૧૯૭૧ માં ભારતનું પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે તત્કાલીન વડાં પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બાંગ્લા દેશને આઝાદ કરવા લશ્કર મોકલ્યું ત્યારે અમેરિકાએ તેનો વિરોધ કર્યો હતો. ભારતને ધમકાવવા અમેરિકાએ પોતાનો સાતમો નૌકા કાફલો બંગાળના ઉપસાગરમાં મોકલી દીધો હતો. તે વખતે ભારતે રશિયા સાથે મૈત્રીકરાર કર્યા હોવાથી ઇન્દિરા ગાંધીએ સાતમા કાફલાથી ડર્યા વિના બાંગ્લા દેશને આઝાદ કર્યું હતું. ડો. મનમોહન સિંહના શાસનકાળમાં ભારત અમેરિકાની નજીક સરક્યું તેને કારણે તેના રશિયા સાથેના સંબંધોમાં મોટી તિરાડો પડી હતી. અફઘાનિસ્તાનના વિકાસ બાબતમાં ભારતે અમેરિકાનો સાથ આપ્યો તેને કારણે પણ રશિયાના નેતાઓ નારાજ થઈ ગયા હતા.

અફઘાનિસ્તાન બાબતમાં અમેરિકાએ ભારતનો વિશ્વાસઘાત કર્યો છે. ૨૦૦૧ માં તેણે અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારે તેના પર પોતાનું નિયંત્રણ ટકાવી રાખવા તેને ભારતની જરૂર હોવાથી તેણે ભારત સાથે ભાગીદારી કરી હતી. અમેરિકાના ઈશારાથી ભારતે અફઘાનિસ્તાનમાં અનેક મોટા પ્રોજેક્ટો હાથ ધર્યા હતા, જેમાં અબજો ડોલરનું આંધણ પણ કરવામાં આવ્યું હતું. અમેરિકા સાથેની દોસ્તી નિભાવવા ભારતે તાલિબાન સાથે દુશ્મની વહોરી લીધી હતી. તેને કારણે કાબુલમાં ભારતની એલચી કચેરી પર આતંકવાદી હુમલાઓ પણ થયા હતા.

આ બધું ભૂલીને ભારતને અંધારામાં રાખીને અમેરિકાએ તાલિબાન સાથે ગુપ્ત સમજૂતી કરી લીધી ત્યારે ભારતનાં હિતોનો બિલકુલ વિચાર જ કર્યો નહોતો. તેમાં અમેરિકાએ ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાનની મદદ લીધી હતી. હવે પાકિસ્તાન, તાલિબાન અને અમેરિકા એક જ વેવલેન્થ પર આવી ગયા છે ત્યારે ભારત જગતના ચોકમાં એકલું પડી ગયું છે. સીઆઈએના વડા કદાચ અફઘાનિસ્તાનની તેમની આગામી યોજનામાં ભારતનો સહકાર માગવા આવ્યા છે. જો કે આ યોજના શું છે? તેઓ તેમાં ભારતનો કઈ રીતે સરકાર ચાહે છે? તેનાથી ભારતને શું ફાયદો થશે? તેની કોઈ રૂપરેખા આપણી સામે નથી.

તાલિબાન બાબતમાં ભારત અમેરિકાથી એક વાર દાઝ્યું છે, માટે ભવિષ્યમાં અમેરિકાને સાથ આપતાં પહેલાં ભારતે સો વખત વિચાર કરવો પડશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં ચીનનું પરિબળ પણ બહુ મહત્ત્વનું છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી તેને કારણે જે શૂન્યાવકાશ પેદા થયો છે તે ભરી દેવા ચીન તલપાપડ છે. ચીને અફઘાનિસ્તાનમાં મોટું રોકાણ કરવાનો પોતાનો ઇરાદો જાહેર કરી દીધો છે અને તાલિબાને તેને આવકાર પણ આપ્યો છે. જો ભારતની સરહદે પાકિસ્તાન, તાલિબાન અને ચીનની ધરી રચાઈ જાય તો ભારતને ભારે પડી શકે તેમ છે. વળી અમેરિકા પડદા પાછળ રહીને આ ત્રેખડને ટેકો આપી રહ્યું છે.

ભારતના અત્યાર સુધી બે દુશ્મનો હતા. હવે જો ત્રણ થાય તો ભારતની ચિંતા વધી શકે છે. જો ભારત રશિયા સાથે જાય તો તાલિબાન સાથેની દુશ્મની વધી જાય તે સંભવિત છે. ભારત જો અમેરિકાની સાથે જાય તો અમેરિકા પોતાનો સ્વાર્થ સાધવા ભારતનો ઉપયોગ કરીને તેને ફેંકી શકે છે. વળી અમેરિકા સાથે સંબંધ રાખવામાં પાકિસ્તાનનું પરિબળ પણ મહત્ત્વનું છે. અમેરિકા એક બાજુ આતંકવાદનો વિરોધ કરે છે, તો બીજી બાજુ પાકિસ્તાન અને તાલિબાનને હાથમાં રાખે છે. આ બધા વચ્ચે ભારત માટે તાલિબાન નીતિ મોટો પડકાર બની રહેશે.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top