Gujarat

ગુજરાતમાં શિક્ષણ કથળ્યું, આદિવાસી વિસ્તારોમાં ગુણવત્તા તળીયે : કોંગ્રેસ

રાજ્યમાં દિવસે દિવસે શિક્ષણ કથળતું જાય છે. રાજ્યની ૩૦૬૮૧ પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવના પરિણામો ચિંતાજનક આવ્યા છે. શિક્ષણ વિભાગના સર્વેમાં સરેરાશ પરિણામ ૫૭.૮૪ ટકા આવતા બી ગ્રેડ મળ્યો છે. સાથે જ રાજ્યના આદિવાસી વિસ્તારો નર્મદા, તાપી, કચ્છ, ભરૂચ, ડાંગ, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, સરેરાશ કરતા પણ ખરાબ પરિણામ જોવા મળ્યાં છે.

રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા ચિંતાજનક છે. રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુણોત્સવ ૨.૦માં ગુજરાતની સરકારી સ્કૂલોની ગુણવત્તાની પોલ ખુલી, A+ ગ્રેડની માત્ર ૧૪ શાળાઓ જ આવી. રાજ્યની સરકારી સ્કૂલોને ખુદ શિક્ષણ વિભાગના જ સર્વેમાં B-ગ્રેડ મળ્યો છે.

સરેરાશ પરિણામ ૫૭.૮૪ ટકા જ આવતા B-ગ્રેડ, ૭૬ ટકા શાળાઓમાં ઉપચારત્વક શિક્ષણ ન થયું. એકમ કસોટી બાદ નબળા વિદ્યાર્થીઓની ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરવાનું હોય છે. જ્યારે ૮૦ ટકા મુલ્યાંકન કસોટી બાદ સુધારા માટે કાર્ય જ ન થયું. ૨૦૦૯થી દાખલ ગુણોત્સવનું પ્રથમ પરિણામ ૨૦૧૦માં અમલવારી, અધ્યયન, અધ્યાપનમાં ૫૭.૨૯ ટકા, સંશાધનો ૫૬.૫૫ ટકા. ગુણોત્સવમાં રાજ્યની કુલ ૩૦૬૮૧ પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે.

જેમાં ૫૩ ટકા શાળામાં હાજરી જ જણાતી નથી. ૫૭ ટકા શિક્ષકો પુસ્તક અને ટેકનોલોજીનો ઉપયોગ કરતાં નથી. સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં શિક્ષણની સ્થિતિ અતિ ખરાબ છે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC) કાગળ પર, ૪૮ ટકા વાલીઓને જાણ જ નથી. ૯૩ ટકા શાળામાં શિક્ષકોના ફોટા સહિતની માહિતી દર્શાવતું બોર્ડ શાળામાં નથી.

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે પ્રથમ ગુણોત્સવમાં A+ ગ્રેડમાં માત્ર ૫ શાળાઓ હતી. જ્યારે A ગ્રેડમાં ૨૬૨ શાળાઓ હતી. B ગ્રેડમાં ૩,૮૨૩ તેમજ C ગ્રેડમાં ૧૨,૮૮૭ શાળાઓ અને D ગ્રેડમાં ૧૪,૫૮૨ હતી. આમ રાજ્યની કુલ ૩૧,૫૬૨ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી A+, A અને B ગ્રેડની મળીને માત્ર ૪,૦૯૩ શાળાઓ હતી જ્યારે C અને D ગ્રેડમાં જ ૨૭,૪૬૯ શાળાઓનો સમાવેશ થયો હતો.

A+ ગ્રેડ વાળી સ્કૂલોમાં મોટો ઘટાડો, B, C અને D ગ્રેડ વાળી નબળી સ્કૂલો વધી
છેલ્લે વર્ષ ૨૦૧૮માં ગુણોત્સવ-૮ના પરિણામમાં રાજ્યની ૩,૨૦૭ સરકારી સ્કૂલો A+ ગ્રેડમાં આવી હતી જે ગુણોત્સવ ૨.૦માં ઘટીને ૧૪ થઈ ગઈ છે. આ સિવાય A ગ્રેડમાં ૨૨,૪૩૭ સ્કૂલો આવી હતી જે પણ ઘટીને ૨,૨૮૨ એ આવી ગઈ છે. A+ ગ્રેડ વાળી સ્કૂલોમાં મોટો ઘટાડો થયો છે જ્યારે B, C અને D ગ્રેડ વાળી નબળી સ્કૂલોમાં મોટો ઉછાળો આવ્યો છે. જેમ કે, ગુણોત્સવ ૮માં B ગ્રેડમાં ૭,૬૨૯, C ગ્રેડની સ્કૂલોની સંખ્યા ૭૮૪ હતી અને D ગ્રેડની સ્કૂલોની સંખ્યા માત્ર ૩૯૧ હતી, જે વધીને ગુણોત્સવ ૨.૦માં B ગ્રેડની સ્કૂલોની સંખ્યા વધીને ૨૦,૬૫૯, C ગ્રેડની સ્કૂલોની સંખ્યા ૭,૩૩૫, D ગ્રેડની સ્કૂલોની સંખ્યા ૩૯૧ થઈ ગઈ છે.

Most Popular

To Top