અમદાવાદમાં આગામી 16 જુલાઈએ અષાઢી બીજના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા ભવ્ય રીતે નીકળવાની છે. આ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી યાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રએ અત્યારથી જ વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રથયાત્રાની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, ફાયર સેફ્ટી તેમજ અન્ય તમામ જરૂરી વ્યવસ્થાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની બેદરકારી કે અનિચ્છનીય ઘટના બનવી જોઈએ નહીં અને તમામ વિભાગો વચ્ચે સતત સંકલન જાળવવું જોઈએ.
આ વર્ષે માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અષાઢી બીજના દિવસે કુલ 230 રથયાત્રાઓ યોજાનાર છે. ઉપરાંત અમદાવાદ શહેરમાં મુખ્ય રથયાત્રા સિવાય 6 મિની રથયાત્રાઓ પણ નીકળશે. આ તમામ કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન કર્યું છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે આ વખતે સુરક્ષા વ્યવસ્થા અત્યંત આધુનિક બનાવવામાં આવી છે. પોલીસ તંત્રે ‘ઝીરો રિસ્ક’ પોલિસી અપનાવી છે. શહેરમાં 31 હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત રહેશે. સમગ્ર 16 કિલોમીટર લાંબા રથયાત્રા માર્ગ પર 240થી વધુ ધાબા પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાંથી સુરક્ષા દળો સતત નજર રાખશે. આ ઉપરાંત આકાશમાંથી દેખરેખ રાખવા માટે 65 ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. પોલીસ જવાનોને 2800થી વધુ બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે, જેથી સમગ્ર યાત્રા દરમિયાન દરેક હિલચાલનું રેકોર્ડિંગ થઈ શકે અને કોઈપણ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી શક્ય બને. મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પ્રેઝન્ટેશન દ્વારા સુરક્ષા આયોજનની વિગતવાર માહિતી રજૂ કરી હતી. તેમાં ટ્રાફિક મેનેજમેન્ટ, ભીડ નિયંત્રણ, સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની સુરક્ષા, સીસીટીવી મોનિટરિંગ અને ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અંગેની માહિતી પણ આપવામાં આવી હતી.
આ વર્ષે રથયાત્રામાં ભક્તિ અને સાંસ્કૃતિક રંગ વધુ જોવા મળશે. યાત્રામાં 101 શણગારેલા ટ્રકો, 30 અખાડા અને 18 ભજન મંડળીઓ જોડાશે. વિવિધ અખાડાઓ દ્વારા પરંપરાગત કસરત, શસ્ત્ર પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે, જ્યારે ભજન મંડળીઓ ભગવાન જગન્નાથના ભજનો દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવશે. ભીડવાળા વિસ્તારોમાં સલામતી જળવાઈ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી છે કે રથયાત્રાના માર્ગ પર આવેલા જર્જરિત મકાનો અને જોખમી સ્થળોએ લોકો ભેગા ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે. જરૂર પડે ત્યાં બેરિકેડિંગ અને પોલીસ તૈનાત રાખવામાં આવશે.
આરોગ્ય સેવાઓને પણ વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. રથયાત્રા દરમિયાન કોઈપણ મેડિકલ ઈમરજન્સી સર્જાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 15 મેડિકલ ઓફિસરો, 100થી વધુ હેલ્થ વર્કરો, એમ્બ્યુલન્સ સહિતની ટીમો માર્ગ પર તૈનાત રહેશે. ઉપરાંત આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા માટે 31 ફાયર વ્હીકલ અને 237 ફાયર બ્રિગેડના જવાનો પણ સતત સ્ટેન્ડબાય રહેશે. રથયાત્રા સામાજિક સમરસતા અને ભાઈચારાનું પ્રતિક પણ માનવામાં આવે છે. આ કારણે પોલીસે અગાઉથી જ વિવિધ સમાજો અને ધાર્મિક આગેવાનો સાથે સતત સંવાદ શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં શાંતિ સમિતિની 69 બેઠકો અને મહોલ્લા સમિતિની 79 બેઠકો યોજાઈ ચૂકી છે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને સમાજના આગેવાનો સાથે કુલ 178 બેઠકો યોજીને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી છે.
લોકોમાં પરસ્પર વિશ્વાસ અને એકતા વધે તે માટે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા અનેક સામાજિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમાં બ્લડ ડોનેશન કેમ્પ, રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ, વોલીબોલ સ્પર્ધા, લોકડાયરા તેમજ યુવાનો સાથે સંવાદ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આવા કાર્યક્રમો દ્વારા સમાજના વિવિધ વર્ગો વચ્ચે સકારાત્મક વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક દરમિયાન સ્પષ્ટ જણાવ્યું હતું કે રથયાત્રા ગુજરાતની આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. તેથી સુરક્ષા, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સુવિધાઓમાં કોઈપણ પ્રકારની ખામી ન રહેવી જોઈએ. તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાથે કામગીરી કરીને ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ.
આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, ડીજીપી જી.એસ. મલિક, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ સહિત રાજ્ય સરકાર અને પોલીસ વિભાગના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ વ્યાપક તૈયારીઓને જોતા આ વર્ષે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ભવ્ય રીતે સંપન્ન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.