Sports

સતત હારથી ભારતનું ઓલિમ્પિક સપનું જોખમમાં! T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન ખતરામાં

ભારતીય ક્રિકેટ ટીમ માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મુશ્કેલીઓનો સમય ચાલી રહ્યો છે. માર્ચ 2026માં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમનું પ્રદર્શન સતત નબળું રહ્યું છે. વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ભારત હજુ સુધી એક પણ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી શક્યું નથી. સતત મળતી હારના કારણે હવે માત્ર ટીમના આત્મવિશ્વાસ પર જ નહીં, પરંતુ વર્ષ 2028માં અમેરિકાના લોસ એન્જલસમાં યોજાનારા ઓલિમ્પિકમાં સીધી એન્ટ્રી મેળવવાના સપના પર પણ સંકટ ઊભું થયું છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ શ્રેયસ અય્યરની આગેવાનીમાં ભારતીય ટીમ આયરલેન્ડના પ્રવાસે ગઈ હતી. ત્યાં ભારતને બે મેચની શ્રેણીમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં પણ ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી ચાર મેચમાંથી ત્રણમાં ભારતને હાર મળી છે, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી.

આ રીતે છેલ્લી છ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતે પાંચ મેચ ગુમાવી છે અને એક પણ જીત નોંધાવી શક્યું નથી. આ સતત નિષ્ફળતા હવે ટીમ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. આ વખતે ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી થઈ રહી છે. વર્ષ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં T20 ફોર્મેટમાં ક્રિકેટ રમાશે. પરંતુ તેમાં ભાગ લેવા માટે ICCએ ખાસ ક્વોલિફિકેશન પદ્ધતિ નક્કી કરી છે. નવા નિયમો મુજબ 31 ડિસેમ્બર 2026 સુધીની ICC ન આંતરરાષ્ટ્રીય રેન્કિંગના આધારે વિવિધ મહાદ્વીપની ટોચની ટીમોને સીધો પ્રવેશ આપવામાં આવશે. એશિયા, આફ્રિકા, યુરોપ અને ઓશિનિયામાંથી જે ટીમ પોતાના મહાદ્વીપમાં સૌથી ઉપર રહેશે તેને ઓલિમ્પિકમાં સીધી જગ્યા મળશે.

પુરુષોની સ્પર્ધામાં કુલ છ ટીમો રમશે. તેમાં ચાર ટીમો અલગ-અલગ મહાદ્વીપમાંથી સીધી ક્વોલિફાય થશે. એક સ્થાન યજમાન દેશ અમેરિકા માટે અનામત રહેશે, જ્યારે છેલ્લી ટીમ ICC ઓલિમ્પિક ક્વોલિફાયર ટુર્નામેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. હાલની સ્થિતિમાં ભારત ICC T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં નંબર-1 પર છે. તેથી એશિયામાં પણ ભારત પ્રથમ ક્રમે છે અને હાલમાં ઓલિમ્પિક માટે સીધી ટિકિટ મેળવવાની સ્થિતિમાં છે. પરંતુ ભારત માટે સૌથી મોટો પડકાર હવે આ સ્થાન જાળવી રાખવાનો છે. જો ઇંગ્લેન્ડ સામેની પાંચમી T20 મેચમાં પણ ભારતને હાર મળશે તો તેની નંબર-1 રેન્કિંગ જોખમમાં આવી શકે છે.

ભારતની આ નબળી સ્થિતિનો સૌથી મોટો ફાયદો પાકિસ્તાનને મળી શકે છે. હાલમાં પાકિસ્તાન એશિયાની બીજી સૌથી ઉચ્ચ ક્રમાંકિત T20 ટીમ છે. જો ભારત સતત મેચો હારતું રહેશે અને પાકિસ્તાન પોતાની મેચોમાં જીત નોંધાવતું રહેશે તો વર્ષના અંત સુધીમાં તે ભારતને પાછળ છોડી શકે છે. જો આવું થશે તો ઓલિમ્પિક માટે એશિયાની સીધી ટિકિટ પાકિસ્તાનને મળશે. બીજી તરફ ભારતને ઓલિમ્પિકમાં સ્થાન મેળવવા માટે વધારાની ક્વોલિફાયર ટુર્નામેન્ટ રમવી પડશે. આ માર્ગ વધુ મુશ્કેલ માનવામાં આવે છે, કારણ કે તેમાં અન્ય મજબૂત ટીમો સામે જીત મેળવવી જરૂરી બનશે. ભારતના ખરાબ પ્રદર્શનને કારણે કેપ્ટન શ્રેયસ અય્યર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર પણ દબાણ વધી રહ્યું છે. બંનેની જોડીએ અત્યાર સુધી એક પણ T20આંતરરાષ્ટ્રીય મેચ જીતી નથી.

આયરલેન્ડ સામેની બંને મેચમાં ભારતને હાર મળી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડ પ્રવાસમાં પણ ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં સતત ભૂલો જોવા મળી રહી છે. ખાસ કરીને નિર્ણાયક ક્ષણોમાં ટીમ મેચ પર પકડ જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે. ભારતીય ટીમ માટે હજુ પણ સ્થિતિ સંપૂર્ણપણે હાથમાંથી નીકળી નથી. વર્ષના અંત સુધીમાં અનેક T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાવાની બાકી છે. જો ટીમ પોતાની ભૂલોમાં સુધારો કરીને ફરી જીતના માર્ગ પર પરત ફરશે તો નંબર-1 સ્થાન જાળવી રાખી શકે છે અને ઓલિમ્પિક માટે સીધી ટિકિટ પણ મેળવી શકે છે. પરંતુ જો હાલનું ખરાબ પ્રદર્શન યથાવત રહેશે તો T20 વર્લ્ડ કપ ચેમ્પિયન હોવા છતાં ભારતને ઓલિમ્પિકમાં રમવા માટે વધારાનો ક્વોલિફિકેશન રાઉન્ડ રમવાનો વારો આવી શકે છે. તેથી હવે ભારતીય ટીમ માટે દરેક T20 મેચ માત્ર શ્રેણી જીતવા માટે જ નહીં, પરંતુ ઓલિમ્પિકનું સપનું જીવંત રાખવા માટે પણ અત્યંત મહત્વની બની ગઈ છે.

Most Popular

To Top