Charchapatra

હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા

આપણા હાલના વડા પ્રધાન લોકોને લીંબુ પકડાવવામાં ભારે માહિર છે. ‘કોરોના’માં મૃત્યુ પામનાર વાલીઓનાં સંતાનોને માસિક રૂા. આટલા મળશે અને તેટલા મળશે. ખરેખર કેટલાને મળતા થયા? સર્વે કરાવો. જાહેરાત કર્યા પછી આવા વાલીઓ ફોર્મ લેવા પહોંચ્યા. તાલુકા મામલતદાર કચેરીએ તો વારંવાર ધકકા ખાવા પડયા. જાહેરાત કરો તેની સાથે જરૂરી ફોર્મનું વિતરણ થાય એવું સરકાર ગોઠવી શકી નથી. વડા પ્રધાનની નીતિ ‘બોર આપીને કલ્લી કઢાવવાની છે.’ વર્ષ ૨૦૦૫ પહેલાંનાં વાહનોને ભંગારમાં કાઢવાં. નવાં વાહનોનું રજીસ્ટ્રેશન ફી, રોડ ટેક્ષમાં ૨૫ ટકા રાહત. આ બધું છેતરામણું છે.

એટલા માટે કે ડિઝલ, પેટ્રોલ તેમજ નવાં વાહનો ઉપરનો GST અને CGST ટેક્ષ અનેકઘણો વધારે છે. જેથી સરકાર જરૂરિયાતમંદોને ‘પીંઢારા’ની જેમ લૂંટવા માંગે છે. ટુ વ્હીલરોનો પાંચ વર્ષમાં અસહ્ય ભાવવધારો સામાન્ય આમજનતાને પરવડતો નથી તો નવા ફોર વ્હીલનો GST, CGST ટેક્ષ કયાં જઇને ઊભો રહેશે? મોટે ઉપાડે જાહેરાત કરી દીધી, પરંતુ એની કિંમત જાણીને સ્વસ્થ વ્યકિતને પણ ‘ભૂકંપ’નો આંચકો આપી જાય એવી છે. પ્રજાને ઉલ્લુ બનાવવામાં માહિર આવો વડા પ્રધાન જયારથી સમજ આવી ત્યારથી ચાર દાયકામાં પહેલી વાર જોવા મળેલ છે.

‘ખાતો નથી અને ખાવા દેતો નથી’ પરંતુ મારી નીચેના બીજાને જેટલું ખાવું હોય એટલું ખાવ, આવો મોકો ફરીને મળવાનો નથી. ચીખલી પોલીસ સ્ટેશનમાં બે નિર્દોષ આદિવાસીઓને ખોટા ગુનાની કબુલાત કરી હશે એટલે મારી – મારીને ‘મોત’ને ઘાટ ઉતારી પંખા ઉપર લટકાવી આપઘાતનું હીનકૃત્ય કર્યું અને આજે ૨૦ દિવસમાં ગુનો કરનારા સામે ‘તપાસ સમિતિ’નું તરકટ ભજવાઈ રહ્યું છે. ‘ગુજરાત મોડેલ’ – મેરા ભારત મહાન પેટ્રોલ, ડિઝલ ઉપર ટેક્ષ ઘટશે નહિ કેમકે ‘કોરોના’ ધીમો પડતાં દેશ-દેશાવરની સહેલગાહ કરવાની છે. અને આગામી ચૂંટણી માટે મતદારોને લોભાવવા માટે ‘લહેણી’ કરવાની છે.
ચીખલી- કિરીટ સોલંકી-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top