Editorial

વધુ એક FTA: ન્યૂઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરાર

છેલ્લા કેટલાક સમયમાં અનેક દેશો સાથે ભારતના મુક્ત વેપાર કરાર(એફટીએ) થયા છે, જેમાં હવે ન્યૂઝીલેન્ડ સાથેનો આવો કરાર પણ ઉમેરાયો છે. આમ તો આ કરાર અંગે અગાઉ સમજૂતિ થઇ ગઇ હતી, સોમવારે તેના પર હસ્તાક્ષર થયા છે.  આ સમજૂતી હેઠળ ટેક્સટાઇલ,  ચામડાના ફૂટવેર, રત્નો અને આભૂષણો સહિત નિકાસ થતી ભારતની ૧૦૦ ટકા સ્થાનિક ચીજવસ્તુઓને ન્યુઝીલેન્ડમાં ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે. ન્યૂઝીલેન્ડની પણ અનેક વસ્તુઓને ભારત ઓછા આયાત વેરા સાથે ભારતીય બજારમાં પ્રવેશ આપશે.

આ પહેલા અનેક દેશો સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઇ ચુક્યા છે. ૨૦૨૬ની શરૂઆત સુધીમાં, ભારતે તેના વેપાર નેટવર્કનો આક્રમક રીતે વિસ્તાર કરીને ૩૮ દેશોને આવરી લેતા ૯ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTAs) કર્યા છે, જેમાં સેવાઓ, રોકાણ અને ડિજિટલ વેપાર પર ભાર મૂકતી નવી પેઢીના સોદાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તાજેતરની મહત્વની સફળતાઓમાં  યુકે CEPA (જુલાઈ ૨૦૨૫), ઓમાન CEPA (ડિસેમ્બર ૨૦૨૫) અને EFTA TEPA-યુરોપિયન યુનિયનના દેશોના એક જૂથ સાથે સાથે (ઓક્ટોબર ૨૦૨૫)નો સમાવેશ થાય છે. ઉપરાંત જાન્યુઆરી, ૨૦૨૬માં યુરોપિયન યુનિયન સાથે મહત્વનો એફટીએ થયો છે.

ન્યૂઝીલેન્ડ સાથેની સમજૂતી આ વર્ષના અંત સુધીમાં અમલી બનવાની ધારણા છે, કારણ કે તેને ન્યુઝીલેન્ડની સંસદની મંજૂરીની જરૂર છે. ભારતમાં, કેન્દ્રીય  કેબિનેટ વેપાર સમજૂતીને મંજૂરી આપે છે. જ્યારે ન્યૂઝીલેન્ડમાં વેપાર કરારને સંસદની મંજૂરીની જરૂર રહે છે. જો કે ન્યુઝીલેન્ડમાં ઘર આંગણે લક્ઝન સરકારના ગઠબંધન ભાગીદાર, ‘ન્યુઝીલેન્ડ ફર્સ્ટ’ એ આ સમજૂતીનો જાહેરમાં વિરોધ કર્યો છે. પરંતુ જાણવા મળે છે કે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્ઝને આ કરાર માટે મુખ્ય વિરોધ પક્ષ ‘લેબર પાર્ટી’નું સમર્થન મેળવી લીધું છે. આ કરારને સંસદમાં મંજૂર  કરાવવા માટે પુરતી બહુમતિ મળી રહેશે એવો વિશ્વાસ ન્યૂઝીલેન્ડના વેપાર મંત્રી ટોડ મેકલેએ વ્યક્ત કર્યો છે.

કોઈ વેપાર કરારમાં બીજી વખત એવું બન્યું છે કે ભારતને ૧૫ વર્ષમાં ૨૦ અબજ યુએસ ડોલરના  એફડીઆઈ (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)ની પ્રતિબદ્ધતા મળી છે. અગાઉ ચાર યુરોપિયન દેશોના બ્લોક ‘EFTA’ સાથેના કરારમાં ભારતને ૧૦૦  અબજ યુએસ ડોલરની આવી જ પ્રતિબદ્ધતા મળી હતી. ભારત-ન્યુઝીલેન્ડ સમજૂતી પર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને  ન્યુઝીલેન્ડના મુલાકાતી વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકલે દ્વારા અહીં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતીથી પાંચ વર્ષમાં વસ્તુઓ અને  સેવાઓના દ્વિપક્ષીય વેપારને બમણો કરીને ૫ અબજ યુએસ ડોલર સુધી પહોંચાડવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

આ સમજૂતી પર ટિપ્પણી  કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેનાથી ખેડૂતો, યુવાનો, મહિલાઓ, MSME, કારીગરો, સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ અને સંશોધકોને ઘણો  ફાયદો થશે.અગાઉ, ન્યુઝીલેન્ડ સિરામિક્સ, કાર્પેટ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ સહિતની મુખ્ય ભારતીય નિકાસ પર ૧૦ ટકા સુધીનો મહત્તમ ટેરિફ  રાખતું હતું. હવે ન્યુઝીલેન્ડના અન્ય વ્યાપારી ભાગીદારોની જેમ જ શૂન્ય-ડ્યુટી માર્કેટ એક્સેસ મળતા, ભારતીય ઉત્પાદનો તે દેશમાં સંપૂર્ણ  સ્પર્ધાત્મક બનશે અને સમાન તકોનો લાભ મેળવશે.

નોંધપાત્ર રીતે, ભારતે તેના ઉત્પાદન ક્ષેત્ર માટે લાકડાના લોગ્સ, કોકિંગ કોલસો અને  ધાતુઓના સ્ક્રેપ સહિતના ડ્યુટી-ફ્રી ઇનપુટ્સ પણ સુરક્ષિત કર્યા છે, જે ઉત્પાદન ખર્ચ ઘટાડશે અને ભારતીય ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં  વધારો કરશે. ભારતે ૯૫ ટકા દ્વિપક્ષીય વ્યાપાર મૂલ્યને આવરી લેતી ૭૦.૦૩ ટકા ટેરિફ લાઇન પર ટેરિફ ઉદારીકરણની ઓફર કરી છે, જ્યારે  ભારતના સંવેદનશીલ ક્ષેત્રોના રક્ષણ માટે ૨૯.૯૭ ટકા ટેરિફ લાઇનને બાકાત રાખી છે. ન્યુઝીલેન્ડની ૩૦ ટકા ટેરિફ લાઇન પર ભારત લાકડું, ઉન,  ઘેટાનું માંસ અને કાચું ચામડું જેવી વસ્તુઓ પર ડ્યુટી નાબૂદ કરશે. તેવી જ રીતે, ૩૫.૬૦ ટકા ટેરિફ લાઇન પર ૩, ૫, ૭ અને ૧૦ વર્ષ દરમિયાન  તબક્કાવાર નાબૂદી કરવામાં આવશે, જેમાં પેટ્રોલિયમ તેલ, માલ્ટ એક્સટ્રેક્ટ, વનસ્પતિ તેલ, પસંદગીની ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ મશીનરી અને  પેપ્ટોન્સનો સમાવેશ થાય છે.

ન્યુઝીલેન્ડના ઉત્પાદનો કે જેને ટેરિફમાં ઘટાડો મળશે તેમાં વાઇન, ફાર્માસ્યુટિકલ દવાઓ, પોલિમર, આયર્ન અને  સ્ટીલની વસ્તુઓનો સમાવેશ થાય છે, જ્યારે માત્ર ૦.૦૬ ટકા વસ્તુઓ ટેરિફ રેટ ક્વોટા હેઠળ આવશે, જેમાં માનુકા હની, સફરજન, કીવી ફ્રૂટ અને  આલ્બ્યુમિનનો સમાવેશ થાય છે. આ એફટીએમાં ભારતમાં ૨૦ અબજ ડોલરના રોકાણને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા પણ સામેલ છે.  રોકાણના લક્ષ્યાંકમાં કોઈ પણ અછતને દૂર કરવા માટે કરારમાં ‘રીબેલેન્સિંગ ક્લોઝ’નો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી મજબૂત અને નક્કર  આર્થિક પરિણામો સુનિશ્ચિત કરી શકાય.

ન્યૂઝિલેન્ડને ડ્યુટી છૂટછાટ આપવામાંથી ભારતના અમુક સંવેદનશીલ ક્ષેત્રોના રક્ષણ માટે અમુક ઉત્પાદનોને બાકાત રાખવામાં આવ્યા છે.  સંવેદનશીલ ક્ષેત્રોના રક્ષણ માટે ૨૯.૯૭ ટકા ટેરિફ લાઇનને બાકાત રાખવામાં આવી છે. જે ઉત્પાદનોને બાકાત રાખવામાં આવ્યા છે તેમાં મુખ્યત્વે  ડેરી (દૂધ, ક્રીમ, દહીં, ચીઝ વગેરે), પ્રાણીજ ઉત્પાદનો (ઘેટાના માંસ સિવાય), કૃષિ ઉત્પાદનો (ડુંગળી, ચણા, વટાણા, મકાઈ, બદામ), ખાંડ, કૃત્રિમ  મધ, પ્રાણીજ કે વનસ્પતિ તેલ, શસ્ત્રો અને દારૂગોળો, જેમ્સ એન્ડ જ્વેલરી, તાંબુ અને તેની વસ્તુઓ તેમજ એલ્યુમિનિયમ અને તેની વસ્તુઓનો  સમાવેશ થાય છે. જો ભારતમાં ન્યૂઝીલેન્ડના કૃષિ ઉત્પાદનો બેરોકટોક ઠલવાય તો ભારતના ખેડૂતોના હિતો જોખમાય તેમ છે તેથી તેમના રક્ષણ માટે વ્યવસ્થા થઇ તે સારું થયું છે. આશા રાખીએ આ કરાર બંને દેશો માટે લાભકારી નિવડે.

Most Popular

To Top