(પ્રતિનિધિ), વડોદરા
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા શહેર પોલીસ દળમાં વહીવટી હિતમાં મહત્વપૂર્ણ બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરની કચેરીમાંથી તા. 12/02/2026ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ વિવિધ પોલીસ સ્ટેશનો, બ્રાન્ચો અને યુનિટોમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી તથા નિમણૂક કરવામાં આવી છે.

જાહેર થયેલ આદેશ અનુસાર પી.એસ.આઈ., એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કેડરના કર્મચારીઓને તેમની હાલની ફરજસ્થળેથી અન્ય પોલીસ સ્ટેશન અથવા વિશેષ યુનિટોમાં બદલી કરવામાં આવી છે. કેટલાક કર્મચારીઓને પી.સી.બી., એ.એચ.ટી.યુ., ટ્રાફિક શાખા, મહિલા પોલીસ સ્ટેશન, જેલ સેલ, સીટી ઝોન તથા અન્ય મહત્વના વિભાગોમાં મુકવામાં આવ્યા છે.

આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બદલી પામનાર તમામ પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે તેમની નવી ફરજસ્થળે હાજરી આપવી પડશે. ફરજમાં મોડું કે બેદરકારી દાખવનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત, હવાલા સોંપવાની અને સ્વીકારવાની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.
પોલીસ તંત્રના આંતરિક વર્તુળોમાં આ બદલીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે લેવાયેલ પગલું ગણાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારોમાં અનુભવી કર્મચારીઓની નિમણૂક કરાઈ હોવાની ચર્ચા છે.
આ બદલી આદેશથી વડોદરા શહેર પોલીસમાં નવી કામગીરી ગતિ પકડે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.