નિતિન નવીને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીઓ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષોને એક મંચ પર લાવી એકતાનો સંદેશ આપ્યો.
2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત બનાવવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનનો લખનૌ પ્રવાસ ચર્ચાનું કેન્દ્ર બન્યો. સંગઠન અને સરકાર વચ્ચે સુમેળ વધારવા સાથે કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો.ઉત્તર પ્રદેશની રાજનીતિમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ વધુ તેજ કરી દીધી છે. આ દિશામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનનો બે દિવસીય લખનૌ પ્રવાસ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. તેમના પ્રવાસ દરમિયાન સરકાર અને સંગઠનના તમામ મહત્વના નેતાઓને એકસાથે લાવી ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો કે પાર્ટી સંપૂર્ણપણે એકજૂટ છે અને આગામી ચૂંટણી માટે સંકલિત રીતે કામ કરશે.
લખનૌ પહોંચતા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.ઉપમુખ્યમંત્રીઓ,પ્રદેશ સંગઠનના વરિષ્ઠ નેતાઓ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષો અને અન્ય અગ્રણીઓ સાથે સતત બેઠકઓ યોજાઈ. રાજકીય વર્તુળોમાં આ મુલાકાતને માત્ર ઔપચારિક કાર્યક્રમ નહીં પરંતુ સંગઠનની આંતરિક એકતા અને ચૂંટણી પૂર્વેની વ્યૂહરચનાના ભાગરૂપે જોવામાં આવી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારો તાલમેલ કેવી રીતે જાળવવો, બૂથ સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવું, નવા મતદારો સુધી પહોંચવું અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે પ્રાથમિક આયોજન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. કાર્યકરોને જનસંપર્ક અભિયાન વધુ તેજ કરવા પણ સૂચના આપવામાં આવી હોવાનું કહેવાય છે.
નિતિન નવીને પોતાના પ્રવાસ દરમિયાન સામાન્ય લોકો વચ્ચે પણ પહોંચવાનો પ્રયાસ કર્યો. તેઓ લખનૌની જાણીતી ચાની દુકાને પહોંચ્યા અને લોકો સાથે અનૌપચારિક ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે ભાજપ હંમેશા સામાન્ય કાર્યકર,સામાન્ય નાગરિક સાથે જોડાયેલી પાર્ટી રહી છે,વિકાસના મુદ્દે લોકોનો વિશ્વાસ જાળવી રાખવા સતત પ્રયત્નશીલ છે.ચર્ચા દરમિયાન તેમણે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતાં દાવો કર્યો કે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાયદો-વ્યવસ્થા, રોકાણ, રોજગાર અને ધાર્મિક પર્યટન ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ડબલ એન્જિન સરકારના કારણે વિકાસને નવી ગતિ મળી હોવાનું પણ તેમણે જણાવ્યું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે આગામી ચૂંટણીમાં દરેક બૂથને જીતવાનો સંકલ્પ લેવો જરૂરી છે. સંગઠનની સૌથી મોટી તાકાત કાર્યકરો છે અને તેમના પરિશ્રમના આધારે જ ભાજપ સતત જનસમર્થન મેળવી રહી છે. તેમણે કાર્યકરોને લોકો વચ્ચે વધુ સમય પસાર કરવા અને સરકારની યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સક્રિય રહેવાની અપીલ કરી.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે લખનૌ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી, બંને ઉપમુખ્યમંત્રીઓ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષોને એકસાથે લાવવાનો પ્રયાસ પક્ષની અંદર કોઈ મતભેદ નથી તેવો સ્પષ્ટ સંદેશ આપવાનો હતો. આગામી ચૂંટણી પહેલાં સંગઠન અને સરકાર વચ્ચે સંકલન મજબૂત રહે તે ભાજપની પ્રથમ પ્રાથમિકતા હોવાનું આ મુલાકાતથી સ્પષ્ટ થયું છે.
પ્રવાસ દરમિયાન કોર કમિટીની બેઠકમાં સંગઠનના વિસ્તરણ, વિવિધ મોરચાઓની કામગીરી, યુવાનો અને મહિલાઓ સુધી પહોંચ વધારવા, સોશિયલ મીડિયા અભિયાન અને જનઆંદોલન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. ચૂંટણી પૂર્વે દરેક જિલ્લામાં સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે.
ઉત્તર પ્રદેશ ભાજપ માટે 2027ની ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો લક્ષ્યાંક હાંસલ કરવા પાર્ટી અત્યારથી જ સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરી ચૂકી છે. તે જ કારણસર રાષ્ટ્રીય અધ્યક્ષનો આ પ્રવાસ માત્ર ઔપચારિક મુલાકાત નહીં પરંતુ ચૂંટણી અભિયાનની પ્રારંભિક કવાયત તરીકે જોવામાં આવી રહ્યો છે.રાજકીય નિરીક્ષકોના મતે, ભાજપ આગામી સમયમાં રાજ્યભરમાં સંગઠનાત્મક કાર્યક્રમો, જનસંપર્ક અભિયાન અને કાર્યકર સંમેલનો વધુ ગતિથી યોજી શકે છે.તેનો મુખ્ય હેતુ કાર્યકરોમાં ઉત્સાહ વધારવાનો, સરકારની કામગીરીને લોકો સુધી પહોંચાડવાનો રહેશે. સાથે જ વિપક્ષના આક્ષેપોનો જવાબ પણ સંગઠિત રીતે આપવાની વ્યૂહરચના પર ભાર મૂકાઈ રહ્યો છે.
એકંદરે નિતિન નવીનનો લખનૌ પ્રવાસ ભાજપ માટે સંગઠનાત્મક દૃષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થયો છે. સરકાર અને સંગઠન વચ્ચે મજબૂત સમન્વય, વરિષ્ઠ નેતાઓની હાજરી, કાર્યકરો સાથેનો સીધો સંવાદ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલા સંદેશે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ ઉત્તર પ્રદેશમાં પોતાની રાજકીય પકડ વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરી ગઈ છે.