Madhya Gujarat

પેટલાદને માન્ચેસ્ટરનું બિરૂદ ફરી અપાવવા કવાયત

પેટલાદ : પેટલાદ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેટલાદમાં વેપાર રોજગાર વધારવા સંદર્ભે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ, જીઆઈડીસીના હોદ્દેદારો, બેંક મેનેજરો વગેરેએ ઉપસ્થિત રહી વેપારીઓ તથા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પેટલાદના ધારાસભ્યએ ખાસ જણાવ્યું હતું કે, ગુજરાતના ઉદ્યોગો વિશ્વને લીડ કરે છે. પેટલાદમાં પણ વેપાર રોજગાર વધે એ દિશામાં તમામ પ્રયત્નો ચાલુ છે.

પેટલાદના રેડક્રોસ હોલ ખાતે યોજાયેલી બેઠકમાં સ્વાગત પ્રવચન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિરંજનભાઈ શાહે કર્યું હતું અને ઉપસ્થિત નાના – મધ્યમ કદના વેપારીઓ અને ઉદ્યોગકારોને માહિતી આપતા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર આણંદના જનરલ મેનેજર આર.એસ. પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ વેપાર શરૂ કરવા અને વધારવા માટે કાર્યરત છે. આણંદ જીલ્લામાં 24 હજાર જેટલા એમએસએમઈ ઉદ્યોગો છે. જે પૈકી આણંદમાં એન્જીનિયરીંગ અને ખંભાતમાં ફાર્મા સેક્ટરના ઉદ્યોગો વધુ છે. હવે પેટલાદના વેપાર રોજગારને વધારવા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર તમામ યોજનાઓનો લાભ આપવા તૈયાર છે. નાના અને મધ્યમ કદના વેપાર માટે સરકાર દ્વારા અનેક સબસિડી લોનની વ્યવસ્થા છે. તેમાંય 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને ઉદ્યોગ સ્થાપવા પ્રોત્સાહન મળે તે માટે પણ સરકારની અનેક યોજનાઓ કાર્યરત છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, લોન, સબસિડી, વ્યાજ વગેરેની સંપૂર્ણ માહિતી પીપીટી દ્વારા રજૂ કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય કમલેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ચરોતરના માન્ચેસ્ટર ગણાતા પેટલાદના વેપાર રોજગાર છેલ્લા ઘણા વર્ષોથી પાછળ ધકેલાઈ ગયા છે. જે માટે અમોએ એનટીસી મિલની 16 એકર તથા ખાંડ ઉદ્યોગની 105 એકર પડતર જમીન ઉપર કોઈપણ ઉદ્યોગ સ્થાપી લોકોને રોજગારી મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. આ ઉપરાંત છેલ્લા સાત વર્ષથી જે બ્રિજનું કામ બંધ છે, તે માટે નવેસરથી બજેટમાં રૂ. 28.56 કરોડની જોગવાઈ કરાવી છે. જેથી આગામી સમયમાં બ્રિજનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સરળ બને તે માટે ધર્મજ ચોકડીથી નડીયાદ સુધીના રાજમાર્ગને ફોર લેન કરવા પણ સરકારમાં રજૂઆત કરી છે. પેટલાદમાં વેપાર રોજગાર વધારવાની દિશામાં પહેલ કરનારા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોને ધારાસભ્યએ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત બેંક ઓફ બરોડાના મેનેજર ધિરજ તિવારી, યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર ઉત્સવ પટેલ, આઈડીબીઆઈના મેનેજર ગૌરવ મહેતાએ સરકારની યોજનાઓ મુજબ લોન, સબસિડી, વ્યાજના દર, જીએસટી વગેરેની વિસ્તૃત માહિતી તથા માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમના અંતે આભારવિધી કરતા ચેમ્બરના મંત્રી જીગર જાનીએ જણાવ્યું હતું કે, અત્યારે ટેક્નોલોજી અને સોશ્યલ મિડીયાનો યુગ ચાલે છે. તમામ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ હોય છે. છતાં કોઈપણ વેપારી, ઉદ્યોગકાર કે સ્ટાર્ટઅપ કરનાર યુવાનને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની મદદ જોઈએ તો તેવા લોકો સંસ્થાના હોદ્દેદારોનો સંપર્ક કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પેટલાદ ખાતે વેપાર રોજગાર વધારવાની દિશામાં ચેમ્બર ઓફ કોમર્સની આ શરૂઆતને લોકોએ સરાહનીય ગણાવી છે.

જીઆઈડીસીમાં રોકાણ કરો
પેટલાદ ખાતે યોજાયેલા બેઠકમાં વિદ્યાનગર જીઆઇડીસીના રિજીયોનલ મેનેજર ગઢવીએ જણાવ્યું હતું કે, આણંદ જીલ્લામાં વધુ એક જીઆઈડીસી તારાપુર – વટામણ હાઈ – વે ઉપર ઈન્દ્રણજ ગામ પાસે શરૂ થઈ રહી છે. આ એકમાત્ર જીઆઈડીસી એવી છે કે જે સીકસ લેન હાઈ – વેની બંન્ને બાજુએ આવેલ છે. અહિયાં 250 ચોમીથી 3000 ચોમી સુધીના 268 પ્લોટ ઉપલબ્ધ રહેશે. જેનું બુકીંગ હાલ ચાલુ છે. આ પ્લોટ સુધી રસ્તા, પાણી, લાઈટની સુવિધાઓ પુરી પાડવામાં આવશે. ઉપરાંત માત્ર 30 ટકા ડાઉન પેમેન્ટ ભરવાથી પ્લોટનો કબ્જો આપવામાં આવશે. આ પ્લોટની બાકી રહેતી રકમ માટે આઠ વર્ષની સમય મર્યાદામાં 32 હપ્તે રકમ ભરવાની રહેશે. તેમાંય એમએસએમઈ માટે રાહતદરે પ્લોટ આપવામાં આવશે. તેઓએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પેટલાદ જીઆઈડીસી ખાતે પણ બહુમાળી શેડ તૈયાર છે. જેમાં 50 ચોમી અને 100 ચોમીના તૈયાર બાંધકામ છે. ચાર માળના આ કોમ્પલેક્ષમાં પાર્કિંગ, લાઈટ, પાણીની તમામ સુવિધા ઉપલબ્ધ છે.

Most Popular

To Top