SURAT

સુરતમાં દારૂ પીને ગાળાગાળી કરતા પિતા-પુત્રનું હાથ જોડાવી પોલીસે સરઘસ કાઢ્યું

સુરતઃ પાલ ખાતે આવેલી સોસાયટીમાં દારૂના નશામાં ગાળાગાળી કરનાર વ્યક્તિને સમજાવવા ગયેલી પોલીસને પણ ગાળો પડી હતી. અને પોતે કોર્ટમાં નોકરી કરતો હોવાનું કહીને પોલીસને વરદી ઉતારી સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. આથી પાલ પોલીસે દારૂના નશામાં સોસાયટીમાં હોબાળો કરતા પિતા અને બંને પુત્રોની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો. તથા સિક્યોરિટી ગાર્ડ દ્વારા પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સિવાય પાલ પોલીસે પિતા પુત્રોને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.

અડાજણ પોલીસ સ્ટેશનમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ બળવંતભાઈ સ્થાનિક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે પાલ આરટીઓની સામે સંસ્કૃતિ ટાઉનશીપ સોસાયટીમાં એક દારૂ પીધેલો વ્યક્તિ ઘુસી ગયાનો પોલીસ કંટ્રોલરૂમમાંથી ફોન આવ્યો હતો. જેથી પીસીઆર વાનમાં દિલીપભાઈ ડ્રાઈવર અને પોલીસ કર્મી સાથે પહોંચી ગયા હતા.

જ્યાં દારૂ પીધેલી હાલતમાં એક વ્યક્તિ બબાલ કરતો હતો. અને સોસાયટીના માણસો સાથે ઝપાઝપી કરી ગાળાગાળી કરતો હતો. પોલીસે આ વ્યક્તિને સમજાવવા જતા પોલીસ સાથે પણ બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. પીસીઆર સ્ટાફને તથા દિલીપભાઈને ‘તારી વરદી ઉતારી દઈશ અને તું મને ઓળખતો નથી અને હું ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં નોકરી કરૂં છું. તમને લોકોને સસ્પેન્ડ કરાવી દઈશ’ તેવી ધમકી આપી હતી.

આ વખતે એક દાઢીવાળો વ્યક્તિ આવીને પિતાજી, કોણે તમારી સાથે ઝઘડો કર્યો? તેમ કહીને પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. તેના ભાઈએ પણ આવીને પોલીસ સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો. જેથી ત્રણેયને પકડીને પાલ પોલીસ સ્ટેશન લવાયા હતા. તેમનું નામ પુછતા કિશોરભાઈ દાનજીભાઈ સુમેસરા (ઉ.વ.46) અને તેનો પુત્ર મીહીર અને મોહીત (તમામ રહે. ગાર્ડન વેલી, અડાજણ) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ત્રણેય પિતા-પુત્રોની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. કિશોરભાઈ કોર્ટમાં આઉટસોર્સ કોન્ટ્રાક્ટર છે. અને તેમને સોસાયટીમાં મકાન લેવાનું હોવાથી તે રાત્રે જોવા ગયા હતા. સિક્યોરિટી કાર્ડે રોકતા તેની સાથે ગાળાગાળી કરી અને બાદમાં હોબાળો થયો હતો. તેની દારૂની પરમિટ રદ્દ કરવા માટે પણ પોલીસે કાર્યવાહી કરી છે.

સિક્યોરિટી ગાર્ડે પણ ત્રણેય પિતા-પુત્રો સામે ફરિયાદ દાખલ કરી
સંસ્કૃતિ ટાઉનશીપના સિકયુરીટી ગાર્ડ શીવપ્રકાશ ચંદ્રીકાપ્રસાદ દુબેજી (ઉ.વ.૫૪) એ પણ પાલ પોલીસ સ્ટેશનમાં કિશોરભાઇ દાનજીભાઇ સુમેસરા, મિહિર કિશોરભાઇ સુમેસરા અને મોહિત કિશોરભાઇ સુમેશરાની સામે ફરિયાદ નોંધાવી છે. આ ત્રણેય આરોપીઓએ સિક્યોરીટી ગાર્ડને ધક્કો મારી નીચે પાડી દીધો હતો. તથા સોસાયટીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સોસાયટીના કેટલાક લોકો સાથે ઝપાઝપી અને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

Most Popular

To Top