Business

‘પંગા ગર્લ’ ને તાપસી નો ‘થપ્પડ’!

ગાડરિયા પ્રવાહમાંથી અલગ તરી આવવું મુશ્કેલ હોય છે, તેમાંય પરંપરાગતથી પોતાનો જુદો રસ્તો કંડારવો એ કઈ નાનીસુની વાત નથી. પરંતુ, બોલિવૂડમાં એવી કેટલીક એક્ટ્રેસ છે જેમણે સફળતા માટે અલગ રસ્તો પસંદ કર્યો અને એમ કરતા પોતાનું બધાથી જુદું વ્યક્તિત્વ અને જુદું સ્થાન ઊભું કરવામાં તેમને સફળતા મળી અને છતાં, બોલિવૂડમાં ઊભી થતા વિવાદો અને પબ્લિસીટીથી તેઓ હંમેશા દૂર જ રહે છે. આવી એક્ટ્રેસોમાં તાપસી પન્નુનો સમાવેશ થાય છે.


બોલિવૂડમાં તેણે ભલે ‘ચશ્મેબદ્દૂર’ જેવી કોમર્શીયલ ફિલ્મથી પ્રવેશ કર્યો પરંતુ, તેની ત્યાર પછીની સફર તદ્દન અલગ રહી. તેણે ‘રશ્મી રોકેટ’, ‘પિંક’, ‘થપ્પડ’, ‘બેબી’, ‘નામ શબાના’ અને ‘સાંઢ કી આંખ’ જેવી નોન-કોમર્શીયલ ફિલ્મો કરી. તેણે કરેલી મિનીંગફૂલ ફિલ્મોને કારણે તેની ગણના શબાના આઝમી અને સ્મિતા પાટીલ સાથે થાય છે. ફિલ્મ બેબી અને નામ શબાનામાં તેણે એક જાસૂસની ભૂમિકા ભજવી હતી, તો સાંઢ કી આંખ ફિલ્મમાં એક વૃદ્ધ શાર્પ શુટરની ભૂમિકા કરી હતી. સાંઢ કી આંખ માટે ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો ક્રિટિક એવોર્ડ અને થપ્પડ માટે ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ પણ મેળવ્યો છે. તાપસી માટે એક ખાસ વાત એ છે કે તે ભાગ્યે જ કોઈ વિવાદો માં આવે છે. તેણે લગ્ન પણ તેના બોયફ્રેન્ડ સાથે ક્યારે કર્યા તેની જાણ ઘણા ઓછાને થઇ હશે. આમ, તાપસી ફક્ત અને ફક્ત પોતાના કામ દ્વારા જ લાઈમલાઈટમાં રહેવાનું પસંદ કરે છે. પરંતુ, હાલમાં તાપસી એ કંગનાની કોમેન્ટ્સનો જે જવાબ આપ્યો તે જોતા તે તેની ફિલ્મોના મજબુત કેરેક્ટર્સ જેવી જ રીયલ લાઈફમાં પણ દેખાય આવે છે. તેના પ્રતિભાવથી સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને કંગનાના જીવનમાં ખળભળાટ મચી ગયો છે. તાપસીએ પંગા ફિલ્મની એક્ટ્રેસ કંગનાના ઊછેર પર સવાલ ઊભો કરી દીધો અને તેની છેલ્લી પોસ્ટમાં કંગનાનું નામ લીધા વિના ‘હેન્સ પ્રૂવ્ડ’ એટલું લખીને તેમના ફોલોઅર્સને વિચારતા કરી દીધાં.
ખરેખર વાત એમ બની છે કે તાપસી હાલમાં તેની આગામી ફિલ્મ ‘ગાંધારી’ ના પ્રમોશનમાં વ્યસ્ત હતી ત્યારે એક ઇન્ટરવ્યુમાં તેના અને કંગના વચ્ચે કૉલ્ડ વૉર ચાલે છે તેના વિશે પુછવામાં આવ્યું. આ વિશે તાપસી એ જવાબ આપ્યો કે,’ હું ક્યારેય પણ કંગનાને મળી નથી, જ્યારે આ મુદ્દો ઊભો થયો હતો ત્યારે પણ હું તેને મળી નથી કે તેની સાથે મારી કોઈ વાત થઇ નથી. મારા જવાબો, મારી વાત કરવાની રીત, લોકોને જોવાનો મારો દ્રષ્ટિકોણ આ બધું મારા ઊછેરને પ્રતિબિંબિત કરે છે….અને તેની વાત, તેનો દ્રષ્ટિકોણ તેના ઊછેરને પ્રતિબિંબિત કરે છે. કોઈ પણ વ્યક્તિનો ઊછેર કેવો થયો છે અને તે ક્યાંથી આવે છે તે જાણવા માટે આટલું પુરતું છે.’ તાપસીની આ વાતનો વળતો જવાબ આપવા કંગના જાણે મેદાન માં ઊતરી ગઈ અને તેણે ઈન્સ્ટાગ્રામ પર બે પોસ્ટ મૂકી અને પછી તરત તે ડીલીટ પણ કરી દીધી. તે પોસ્ટમાં કંગના એ લખ્યું હતું કે, ‘એક સસ્તી કોપી તેની આગામી બી ગ્રેડની ફિલ્મ લઈને આવી રહી છે. પરંતુ, હંમેશની જેમ કંગના જ હેડલાઈનમાં આવે છે.
કંગનાએ ઉમેર્યું હતું કેમને લાગે છે કે બધા માતા પિતા પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો કરે છે અને હું ક્યારેય કોઈના માતાપિતાને વિવાદમાં ઘસેડતી નથી. પરંતુ, આજે હું તેમના માતાપિતાને પૂછવા માંગું છું કે તેઓ મારા માતાપિતાની જેમ કોઈ ઓરીજીનલ કેમ ન જન્માવી શક્યા? આવી સસ્તી કોપીને કેમ જન્મ આપ્યો? તમારા પ્રયત્નો માટે હું દિલગીર છું.’ કંગના એ આટલું પોસ્ટ કરીને બીજી પણ એક પોસ્ટ મૂકી કે જેમાં લખ્યું હતું કે,’ આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ વાત છે, અને તે કેટલી ખોટી વાત છે, પરંતુ તે એકલી નથી.
કેટલાક લોકો શહેરોની ગંદી ગલીઓમાં, ભાડાના નાનકડા ઘરોમાં કે એપાર્ટમેન્ટમાં, શંકાસ્પદ બેકગ્રાઉન્ડમાં ઉછર્યા હોય છે, તેઓ ક્યારેક મારા ઉછેર અને મારા માતા પિતા કે જેમણે રાજપૂત જમીનદાર પરિવારને પ્રખ્યાત બનાવ્યો છે, કે જેઓ શિક્ષિત અને પ્રતિષ્ઠિત બેકગ્રાઉન્ડમાંથી આવે છે તેમના વિશે સવાલ ઊભા કરે છે.
શૂન્યથી શરૂઆત કરવી એ મારી પસંદગી હતી, તો તેમાં મારા માતાપિતાને શા માટે વચ્ચે લાવવા હોઈએ? ‘આમ, કંગનાએ તાપસીને પહેલી પોસ્ટમાં પોતાની ‘સસ્તી કોપી’ કહી અને બીજી પોસ્ટમાં તેના માતાપિતાના ઉછેર પર સવાલ કર્યો. કંગનાની બે પોસ્ટની સામે તાપસીએ ફક્ત એક જ પોસ્ટ મૂકીને તે પણ ફક્ત ફે શબ્દોની. તેણે ફક્ત એટલુ જ લખ્યું, ‘હેન્સ પ્રૂવ્ડ’, જેનો મતલબ થાય છે, ‘લો, સાબિત થાય છે’. આમ, તાપસી એ કંગનાનું નામ લીધા વિના તેને બરાબર વળતો જવાબ આપી દીધો.
તાપસી અને કંગના વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલુ થવા પાછળનું મૂળ કારણ કંગનાની બહેન રંગોલી ચંદેલએ તાપસી વિશે કરેલી કમેન્ટ છે. વર્ષ ૨૦૧૯માં તેણે તાપસીને કંગનાની સસ્તી કોપી કહ્યું હતું. ત્યાર બાદ કંગનાએ પણ વર્ષ ૨૦૨૦માં બોલિવૂડમાં નેપોટીઝમનો વિવાદ ચાલતો હતો ત્યારે તાપસી અને બોલિવૂડની અન્ય એક્ટ્રેસોને ‘બી ગ્રેડ એક્ટ્રેસ’ અને ‘નીડી આઉટસાઈડર્સ ‘કહીને સંબોધ્યા હતા. આમ, ત્યારથી લઈને તેમની વચ્ચે હંમેશા ઠંડુ યુદ્ધ ચાલતું રહ્યું છે.
જોકે, પહેલા તાપસી એ કંગનાને કોઈ જવાબ આપ્યો ન હતો અને આ વખતે પણ, કંગનાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટનો પણ પહેલા જવાબ ન આપ્યો પરંતુ, ત્યાર બાદ તાપસી એ કંગનાને જે જવાબ આપ્યો તેનાથી સીધી રીતે જ સમજ પડી જાય છે કે તાપસીએ પોતાનું સ્થાન કેટલા ગૌરવપૂર્ણ રીતે જાળવી રાખ્યું છે અને તે કંગનાની જેમ કારણ વગર કોઈ વિવાદો ઊભા કરવામાં માનતી નથી. પરંતુ, જો તેના અને તેના માતાપિતા વિશે જો કોઈ આંગળી ચીંધે તો તે ચુપ રહેવાવાળી વ્યક્તિઓમાંની નથી. તેણે કંગનાને મુહતોડ જવાબ આપ્યો તે પણ તેનું નામ લીધા વિના!
આમ જોવા જઈએ તો તાપસી એ આમાં કોઈ વિવાદ ઊભો કર્યો નથી. તો બીજી બાજુ કંગના એવી એક્ટ્રેસોમાની એક છે કે જે હંમેશા કોઈ ને કોઈ વિવાદ ઊભો કરતી જ રહે છે અને, આ બાબતમાં પણ કંગનાએ તાપસીને કારણ વગર વિવાદમાં ઘસેડી લીધી છે. એક રીતે જોઈએ તો કંગના ભલે તાપસીને પોતાની સસ્તી કોપી કહેતી હોય પરંતુ, તાપસી સાથેનો તેનો વિવાદ તેને કદાચ મોંઘો પડી શકે તેમ છે કારણકે, તાપસી એ કઈ પણ વધારે કહ્યા વિના કે તેનું નામ લીધા વિના પોતાનો મુદ્દો સાબિત કરી દીધો. જે બતાવે છે કે તાપસી તેને પર્સનલ લેવલ પર અટેક કોઈ કરે તો તે ચુપ રહેશે નહીં અને તેનો વળતો જવાબ તેની ફિલ્મો જેવો મજબૂત અને સફળ રહેશે તે તો નિશ્ચિત છે! •

Most Popular

To Top