Madhya Gujarat

દેશમાં પશુઓનું સરેરાશ દૂધ ઉત્પાદન ખૂબ ઓછું છે

આણંદ : આણંદ ખાતે અમૂલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે તમામ દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકો હાજર રહી ધંધાકીય તેમજ આરડાને લગતા બધા જ એજન્ડાનો શાંતિપૂર્વક નિકાલ કર્યો હતો. આણંદ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદન કરતા દેશોમાં ભારતનું સ્થાન પ્રથમ છે. તેમ છતાં આપણા પશુઓનું સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન ઘણું ઓછું છે. પશુપાલનના ધંધાને આર્થિક રીતે ફાયદાકારક બનાવવા માટે પશુઓનું સરેરાશ દૂધ ઉત્પાદન વધારવું ખૂબ જ જરૂરી છે. આથી, ટેકનોલોજી થકી તેમાં સફળતા પણ મળી છે.

રામસિંહ પરમારે અહેવાલ અંગે ઉમેર્યું હતું કે, આ વર્ષે 14 વેટરનરી સેન્ટર થકી કુલ 9 લાખ બિમાર પશુઓને સારવાર આપવામાં આવી હતી. હાલમાં પશુ સારવાર માટે ચાલતી વિઝીટ પાવતીની પધ્ધતિમાં ફેરફાર કરી પ્રારંભિક તબક્કે આણંદ, બોરસદ અને પેટલાદ વેટરનરી સેન્ટરની 350 દૂધ મંડળીઓમાં ડીજીટલ પાવતીનો સફળ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના હકારાત્મક પ્રતિભાવને ધ્યાને લઇ ટુંકા સમયગાળામાં કાર્યક્ષેત્રની સઘળી દૂધ મંડળીઓમાં ડીજીટલ પાવતીનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ દરમિયાન ઓડના વિર્યગ્રહણ કેન્દ્ર પર ગાય, ભેંસ કુલ મળી 71 લાખથી વધુ ડોઝનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જે આરડાના ઇતિહાસમાં સર્વાધિક છે. જે પૈકી 20 લાખથી વધુ દૂધ મંળીઓને તેમજ 63 લાખથી વધુ ડોઝનું અન્ય સંસ્થાઓને વેચાણ કરવામાં આવ્યું છે. સેકસ્ડ સિમેન થકી 90 ટકાથી વધુ પાડી, વાછરડીનો જન્મ થાય છે. જેનાથી સભાસદોને પાડા, વાછરડાના જન્મથી થતું આર્થિક નુકશાન થતું અટકાવી શકાય છે. સેકસ્ડ સીમેન ડોઝના ઉત્પાદન માટે ઓડ ખાતે ડિસેમ્બર-2021થી મોબાઇલ સેકસ્ડ સિમેન લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે. સેકસ્ડ સિમેનના પ્રતિ ડોઝની કિંમત રૂ.750 છે.

જે સભાસદોને ફક્ત રૂ.50 જેવી નજીવી કિંમતે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં એક લાખથી વદારે ડોઝનું મંડળીઓને વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં 87 ટકા પાડી, વાછરડીનો જન્મ થયો છે. ભવિષ્યમાં પણ વધુમાં વધુ પાડી, વાછરડીનો જન્મ થાય તે માટે સેકસ્ડ સિમેનનો વધુ ઉપયોગ થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
રામસિંહ પરમારે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આરડાના કૃ.વિ. તાલીમ કેન્દ્રને કેન્દ્ર સરકારની માન્યતા પ્રાપ્ત થઇ છે. અદ્યતન કૃ.વી. તાલીમ કેન્દ્ર દ્વારા આ વર્ષે 115 તાલીમાર્થીઓને કૃત્રિમ વિર્યદાન, પશુપાલન અને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી હતી.આ ઉપરાંત 318 કૃત્રિમ વિર્યદાન કર્મચારીને બે દિવસની રિફ્રેશર તાલીમ આપવામાં આવી છે.

હોમીયોપેથીક દવાઓથી પશુઓને થતી 20 જેટલી બિમારીથી બચાવી શકાયા
ચરોતરમાં પશુઓની થતી બિમારીમાં પરંપરાગત પશુચિકિત્સા (ઇથ્નોવેટ વેટરનરી મેડીસીન) ઈવીએમનું કેટલ ફિડ ફેક્ટરી – કંજરી ખાતે ઉત્પાદન કરી ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. હોમીયોપેથી દવાઓથી પશુઓને થતી સામાન્ય બિમારીઓમાં અસરકારક રીતે સારવાર કરી શકાય છે. જેનો 20 જેટલી બિમારીઓમાં અજમાઇશી ધોરણે ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના પણ ઘણા સારા પરિણામ મળતાં કેટલ ફિડ ફેક્ટરી ખાતે વેટરનરી હોમીયોપેથી દવાઓનું ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે આ વરસે બે તબક્કામાં 20.63 લાખ પશુઓને ખરવા – મેવાસા, 33 હજાર સંકર ગાયમાં કથીરીયા તાવ વિરોધી રસીકરણ કરવામાં આવ્યું છે. બ્રુસેલોસીસ રોગના અટકાવ માટે 1037 મંડળીમાં 1.17 લાખ પાડી, વાછરડીને આ રોગ વિરોધી રસીકરણ કરી ઓળખ માટે કાને કડી લગાવી નોંધણી કરી છે. સામુહિક ચરમનાબુદી અભિયાન અંતર્ગત 6 માસથી વધુ ઉંમરના પશુઓની ચરમનાબુદી માટે 16.10 લાખ ચરમની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોગર ફાર્મ ખાતે આઈવીએફ લેબોરેટરીની સ્થાપનાની કામગીરી શરૂ
મનુષ્યમાં આઈવીએફ (ઇનવીટ્રો ફર્ટીલાઇઝેશન) અને ભ્રુણ પ્રત્યારોપણ (એમ્બ્રીઓ ટ્રાન્સફર) ઘણી પ્રચલિત પધ્ધતિ છે. જે હવે પશુઓમાં પણ શકાય છે. અત્યાર સુધીમાં કુલ 1050 ભૃણ પ્રત્યારોપણ કરવામાં આવ્યાં હતાં. જે પૈકી અત્યાર સુધીમાં 283 પશુઓ ગાભણ થયાં છે અને 143 પશુઓનું વિયાણ થયું છે. જે પૈકી 76 નર અને 67 માદા વાછરડાનો જન્મ થયો છે. જેનો બુલ મધર ફાર્મ – મોગર ખાતે વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવામાં આવી રહ્યો છે. સભાસદોને આ યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે હેતુથી મોગર ફાર્મ ખાતે આઈવીએફ લેબોરેટરીની સ્થાપવાની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત પશુઓમાં વંધ્યત્વ નિવારણ માટે એફઆઈપી યોજના અંતર્ગત 560 મંડળીઓમાં 3239 કેમ્પમાં 1.45 લાખ જેટલા પશુઓની સારવાર કરવામાં આવી હતી. આ યોજના સિવાયના અન્ય ગામોમાં ગત વર્ષે 279 કેમ્પ દ્વારા 13,615 પશુઓને વંધ્યત્વની સારવાર આપવામાં આવી હતી.

દૂધ મંડળીઓમાં પાડી અને વાછરડી ઉછેર યોજના શરૂ કરાઇ
આણંદ – ખેડા જિલ્લામાં પશુ દૂધ ઉત્પાદકતા વૃદ્ધિ યોજના અંતર્ગત કાર્યક્ષેત્રની સઘળી દૂધ મંડળીઓમાં પાડી – વાછરડી ઉછેર યોજના શરૂ કરવામાં આવી છે. યોજના અંતર્ગત એક પાડી, વાછરડીને 15 કિલોગ્રામ મિલ્ક રીપ્લેસર પાવડર અને 50 કિલોગ્રામ વરદાન દાણ કુલ કિંમતના 75 ટકા સહાયથી આપવામાં આવે છે. આ વરસે 75 હજારથી વધુ પાડી, વાછરડીની નોંધણી કરી આ યોજનાને આવરી લેવામાં આવી છે. તેવી જ રીતે ડેરી ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના અંતર્ગત સભાસદોમાં પશુપોષણ, પશુસંવર્ધન, પશુ માવજત અને પશુ આરોગ્ય અંગેની જાગૃતતા લાવવા માટે તથા આધુનિક પધ્ધતિથી પશુપાલન અંગે જીસીએમએમએફ સંચાલિત યોજના અંતર્ગત 6 દિવસ માટે 10થી વધુ પશુ ધરાવતા સભાસદોને તાલીમ આપવામાં આવી છે. આ વર્ષે 300થી વધુ સભાસદોને સદર યોજનાનો લાભ આપી તાલીમ આપવામાં આવી છે.

ચાર હજાર ગાયને રાહત દરે ડીજીટલ પટ્ટા લગાવવામાં આવ્યાં
ડીજીટલ પટ્ટાના ઉપયોગ થકી ગાય, ભેંસમાં વેતર, બિમારી અને સ્વાસ્થ્યની માહિતી ચોકસાઇપૂર્વક મેળવી શકાય છે, જેના થકી સમયસર કૃત્રિમ વિર્યદાન અને બિમારીનું સચોટ નિદાન થઇ શકે છે. જેથી સભાસદોને પશુપાલનમાં થતુ આર્થિક નુકશાન અટકી શકે તે હેતુથી પ્રથમ તબક્કે 10 હજાર પશુઓને ડીજીટલ પટ્ટા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ચાર હજારથી વધુ ગાયોને રાહતદરે ડીજીટલ પટ્ટાથી ઓળખ આપવામાં આવી છે.

Most Popular

To Top