Charchapatra

થોભો, આત્મહત્યા યોગ્ય નથી

હાલમાં આત્મહત્યાના બનાવો રોજના બનતા રહે છે. ત્યારે વિચાર માંગી લે છે કે આત્મહત્યા એ આવેગમાં આવી ભરેલું ખોટું પગલું છે. આવો વિચાર આવે ત્યારે ત્વરિત કાર્યવાહી ન કરતાં થોડો સમય વિચાર કરવામાં કે બહાર ફરવા નીકળી જઇ બે મિત્રો સાથે થોડી વાર બેસવાથી અથવા ‘મારા પછી મારા ફેમિલીનું શું થશે? એમની દશા કેવી થશે કે  જેમનો મારા પર આધાર છે?’ ‘સુખ-દુ:ખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયાં… ટાળ્યાં તે કોઇનાં નવ ટળે રઘુનાથનાં જડીયાં… સુખ અને દુ:ખ કર્મને આધિન આવતાં-જતાં રહે છે.

સત્કર્મના ફળનું સુખ ભગવાને આપ્યું તો ખોટા કર્મનું ફળ પણ ભોગવવું જ પડે ત્યારે દુ:ખ થવા કરતાં હવે પછી સુખ આવશે જ એવી ભાવના સાથે સત્કર્મ સાથે સંઘર્ષ કરતાં રહેવાથી જીવન જીવી જવાય. આપણે ચાલીએ ત્યારે એક પગ આગળ, ત્યારે પાછળનો પગ ખોટું વિચારે તો આગળ વધાય જ નહીં. પરંતુ ક્ષણ માત્રમાં આગળના પગે પણ પાછળ જશે જ ત્યારે પાછળનાં પગ આગળ આવી જશે.

જ્યારે ભગવાને સામાન્ય સુખ પણ આપ્યું હોય ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિઓને  મદદ કરતાં રહેવું અનિવાર્ય છે. જે કંઇ છે એ તમારું નથી. પ્રભુકૃપાથી પ્રાપ્ત થયેલ છે. ત્યારે કોઇક ગરીબ વિદ્યાર્થીની ફી ભરવી, કોઇના મકાન માટે જરૂરી રૂપિયા ઉછીના (વગર વ્યાજે) આપી. તેને ઘરમાં રહેતો કરવો. મઝદૂરનાં નાનાં-નાનાં બાળકો સાથે ભેગાં મળી ચોકલેટ, બીસ્કુટ ખાઇને આનંદ મેળવો. ભગવાન શંકર પર દૂધનો અભિષેક ન કરતાં, આવાં-નાનાં બાળકોને સાથે બેસાડી દૂધની નાની કોથળી આપી દૂધ પીવાનો આનંદ લૂંટી જુઓ. આવાં સત્કર્મ કરતાં રહો તો દુ:ખમાં પણ આનંદ દેખાશે કે આ બાળકો, તાપ-તડકામાં કેવા આનંદથી રમે છે અને પોતાનાથી નાના-ભાઈ બહેનને સાચવે છે.
અમરોલી  – બળવંત ટેલર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top