Business

‘તારા’ માટે બોલિવુડના આકાશમાં જગ્યા કેમ નથી

કોઇ માને ન માને પણ હિન્દી ફિલ્મોમાં અત્યારે ખાસ્સા પારસી અભિનેતા – અભિનેત્રી કામ કરી રહ્યા છે. એક બોમન ઇરાનીનું નામ જાણવું પૂરતું નથી. ફરહાન અખ્તરની મા હની ઇરાની પણ પારસી છે. જોહન અેબ્રાહમની મમ્મા પણ પારસી છે અને બીજા પારસીઓ યાદ કરો તો અમાયરા દસ્તૂર, પરીઝાદ ઝોરાબિયન, ફરાહ ખાન (તેના મમ્મીનું નામ માણેકા ઇરાની) ઉપરાંત ટી.વી. એકટ્રેસ સનાયા ઇરાની, ફ્રેડી દારુવાલા, જીમ સરબ અને હોમી અડાજણીયા, સાયરસ ભરૂચા, શામક દાવર, કૈઝાદ ગુસ્તાદ, કુરુશ દેબુ (મુન્નાભાઇ એમબીબીએસ) નૌહીદ સાયરુસી (આપણે સોહરાબ મોદી, શમ્મી, અરુણા ઇરાની જેવાને ય યાદ કરી શકીએ અને જે.બી.એચ. વાડિયા, પીલુ વાડિયાને પણ) પરંતુ હમણાં વાત કરીએ તારા સુતરીયાની. મુંબઇમાં જન્મેલી આ પારસી એકટ્રેસે વિડીયો જોકી તરીકે શરૂઆત કરેલી. કરણ જોહરે તેને ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર-2’ માં ટાઇગર શ્રોફ સાથે તક આપી. જોકે તેના નામે તે સફળ ફિલ્મો ચડાવી શકી નથી. ‘મરજાવાં’ અને ‘તડપ’ બન્ને નિષ્ફળ ગઇ. એક ફિલ્મમાં તેની સાથે સિધ્ધાર્થ મલ્હોત્રા હતો પણ ‘શેરશાહ’ પહેલાનો અને ગયા વર્ષે આવેલી ‘તડપ’ તો અહાન શેટ્ટી માટે બનાવાયેલ ફિલ્મ હતી. જો કે તે ફિલ્મ અહાનની પણ ન થઇ અને તારા સુતરીયાની પણ ન થઇ. તારા હજુ પોતાને યોગ્ય ફિલ્મ શોધી શકી નથી.

ટી.વી. સિરીયલોમાંથી આવનારી એકટ્રેસ તરત સફળતા મેળવી લે એવું તરત બનતું નથી. હકીકતે ટી.વી. શોમાં પણ તેણે ‘બેસ્ટ ઓફ લક નિકી’ અને ‘ઓયે જસ્સી’માં જ અભિનય કરવાનો આવેલો. છતાં ફિલ્મમાં તે વધુ સારુ કરી રહી છે. ‘તડપ’માં રમીસા તરીકે તેણે ગ્રે ભૂમિકા કરેલી અને તે પોતે પણ કહે છે કે આ પાત્રએ મને વધારે મજબૂત બનાવી છે. ફિલ્મ સફળ નથી ગઇ પણ લોકોને તારા ગમી છે. સંકુલ પાત્રો ભજવવા તેને ગમે છે. તે અત્યારે જે ફિલ્મમાં કામ કરી રહી છે તેમાંની એક ટાઇગર શ્રોફ સાથે છે જેની સાથે પહેલી ફિલ્મ કરી હતી અને બીજીમાં પારસી એકટર જહોન અબ્રાહ્મ જ છે. સમજો કે તે બે ગુજરાતી હીરો સાથેમ કામ કરી રહી છે. ‘હીરોપંતી-2’ તો સિકવલ છે. પહેલી ‘હીરોપંતી’માં ક્રિતી સેનોન હતી તેની જગ્યા હવે તારાને મળી છે. બીજી ‘એક વિલન રિટર્ન્સ’ પણ સિકવલ જ છે. પહેલી ‘એક વિલન’માં સિધ્ધાર્થ મલ્હોત્રા, શ્રધ્ધા કપૂર હતા. હવે. આખી જોડી જ બદલાઇ ગઇ છે. હા, અર્જૂન કપૂર અને દિશા પટની પણ છે. આ ફિલ્મનું શૂટિંગ હમણાં ૨૧મી માર્ચે જ પૂરું થયું છે. આ ફિલ્મની રિલીઝ માટે ઘણી તારીખો પડી છે પણ હવે ૮મી જુલાઇએ રજુ થશે પણ તેની નિર્માત્રી એકતા કપૂર અને ભુષણ કુમાર ખુશ છે. દિગ્દર્શક મોહિત સૂરી પણ કહે છે કે આ મારો ડ્રીમ પ્રોજેકટ છે.

તારા સુતરીયા અત્યારે તેની ફિલ્મો વિશે વધુ બોલવા નથી માંગતી કારણકે બન્નેમાં હીરોની જ ભૂમિકા કેન્દ્રમાં છે પણ તેને વિશ્વાસ છે કે પોતાની જગ્યા તે મેળવી લેશે. ‘તડપ’ પણ અહાન શેટ્ટીની જ હતી પણ ફાયદો તો તારાને જ થયો. ખેર! અંગત જીવનમાં તે આદર જૈન સાથે રોમેન્ટિકલી જોડાયેલી હોવાનું કહેવાય છે. જો આ રિલેશન આગળ વધશે તો તે રાજકપૂરની દિકરી રીમા કપૂરની પુત્રવધુ થશે. તારાને ગમતો હીરો આમ પણ રણબીર કપૂર છે એટલે તેને તો આદર સાથે રિલેશન આગળ વધે તે ગમશે. અત્યારે તો જોકે ફિલ્મમાં આગળ વધવાની ચિંતા વધારે છે. નિષ્ફળ અભિનેત્રી તરીકેની ઓળખ મેળવીને પરણવું કોઇને ન ગમે અને તારાની કારકિર્દીનો તો હજુ આરંભ છે. •

Most Popular

To Top