Gujarat

ગુજરાતમાં કોંગ્રેસનાં વળતા પાણી, એક સાથે ત્રણ મોટા નેતાઓએ રાજીનામાં ધરી દીધા

રાજકોટ: ગુજરાત(Gujarat)માં ચુંટણી(Election) પહેલા જ કોંગ્રેસ(Congress)માં મોટા ભંગાણ થયા છે. એક બાદ એક મોટા નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે. આજે કોંગ્રેસનાં વધુ બે નેતાએ પંજો છોડીને ઝાડું પકડી લીધું છે. ગુજરાતના સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટ(Rajkot)ના મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠિયા આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટી(AAP)માં જોડાયા છે. આ ઉપરાંત પાર્ટીથી નારાજ કોંગ્રેસના પૂર્વ MLA કામિનીબા રાઠોડે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરી નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે.

આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે જ ઈન્દ્રનીલ અને વશરામ ભાઈ બંને AAPમાં જોડાશે તેવા સમાચાર વહેતા થયા હતા જોકે તે સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસ દ્વારા બન્ને નેતાનો સંપર્ક કરીને તેમને સમજાવવામાં આવ્યા હતા અને હોઈ શકે તે નેતાઓનું માન રાખીને જ ઈન્દ્રનીલ રાજગુરુએ તે સમયે AAPમાં જોડાવવાનું સ્થગિત કર્યું હતું. જોકે કોઈ પ્રયાસોમાં કોંગ્રેસ સફળ રહી હોય તેવું લાગી રહ્યું નથી. આપ પાર્ટીમાં પ્રવેશ પહેલા ગતરોજ ઈન્દ્રનીલે દિલ્હીમાં કેજરીવાલ સાથે મીટિંગ કરી હતી. ત્યારબાદ આપ પાર્ટીમાં જોડાયાની જાહેરાત કરી હતી.

ભાજપ કરતાં કોંગ્રેસ સારો અને હવે આપ પાર્ટી સારી લાગે છે: ઇન્દ્રનીલ
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે હું કોંગ્રેસમાં હતો, ભાજપ સત્તા પર હોય અને લોકોને મૂર્ખ બનાવવાની અને પક્ષ બની રહે એ મારી દૃષ્ટિએ લાંછન છે. ભાજપ કરતાં કોંગ્રેસ સારો પક્ષ છે અને આજે આમ આદમી પાર્ટી સારી લાગે છે, એટલે AAPમાં જોડાયો છું. પંજાબમાં જીત બાદ ગણતરીના દિવસોમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો એક મેસેજ કરો એવું અભિયાન શરૂ કર્યું છે, જે ગુજરાતમાં દેખાતું નથી. હું એવું માનું છું કે અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં, AAP માટે લડે છે. આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી. એવું દિલ્હી અને પંજાબમાં જીત મેળવી પુરવાર કર્યું છે. આમ આદમીનો પક્ષ અને સરકાર બને એનાથી પ્રભાવિત થયો હતો. આગામી દિવસો આમ આદમી પાર્ટીના છે. ભાજપ ગુજરાતને ગમતો નથી. કોંગ્રેસ દમ દેખાડતું નથી. આપ સૌને ગમે છે. મને વિચાર આવ્યો એટલે હું જોડાયો છું. ભ્રષ્ટાચારનો ભરડો લઈ ચૂકેલા ભાજપને 2022માં જ દૂર કરીએ એવી ગુજરાતની જનતાને મારી અપીલ છે.

નરેશ પટેલ હોય ત્યાં મારું કદ વધે, પણ ઘટે નહિ: ઇન્દ્રનીલ
નરેશ પટેલ મારા મિત્ર છે. કોંગ્રેસમાં જોડાવાના છે એ મને ખબર નથી. નરેશ પટેલ હોય ત્યાં મારું કદ વધે, પણ ઘટે નહિ. કોઈપણ સમાજની સારું ઈચ્છતી વ્યક્તિ જોડાતી હોય અને તેમને લાગે તો જોડાય જાય.

તમામ દલિતોને આમ આદમી પાર્ટીમાં જોડાવા વશરામ સાગઠિયાની અપીલ
વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે રાજકોટમાં અમારાં કામને જોઈ બેવાર જિતાડયા છે. રાજકોટમાં પહેલીવાર AAP લડી અને બીજા નંબરે રહી છે. કેજરીવાલજીને મળ્યા અને AAPમાં અમે જોડાવવા નિર્ણય કર્યો. શિક્ષણનીતિ અને આરોગ્ય અંગેની માહિતી મેળવી. ગામડાંની સ્કૂલો પણ જોઈ છે. તેમના વિચારો રાષ્ટ્રવાદી છે, પંજાબમાં જે ઠરાવ તેમણે કરાવ્યો છે. ડો. બાબાસાહેબ અને ભગત સિંહની તસવીર જોઈને આનંદ થયો છે. બંધારણ સાચવવું હોય તો ગુજરાતના તમામ દલિતોને જણાવું છું કે આમ આદમી પાર્ટીમાં જોડાવો.

રજૂઆતો પર પાર્ટી ધ્યાન નહી આપે તો રાજીનામાની આપી હતી ચિમકી
કામિનીબા રાઠોડ કોંગ્રેસ પક્ષ સામે આક્ષેપ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે પાર્ટીમાં નિર્ણયો તેઓને પૂછ્યા વિના લેવાય છે. આથી પક્ષથી નારાજ કામિનીબાએ રઘુ શર્મા અને સી. જે. ચાવડા સાથે બેઠક કરી હતી. કોંગ્રેસ જીલ્લા કાર્યાલય ખાતે તેમના મનામણાં એક કલાક કરતાં વધુ સમય સુધી ચાલ્યા હતા. બેઠકમાં પાર્ટીમાં અને સંગઠનમાં થતી અવગણનાને લઈ બળાપો ઠાલવ્યા હતો. જેમાં કમીનીબાએ કોંગ્રેસને 24 કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે રજૂઆતો પર પાર્ટી ધ્યાન નહી આપે રાજીનામું આપી દઈશ. નારાજગી મામલે કોંગ્રેસ અગ્રણી સી.જે ચાવડા સાથે ચર્ચા સકારાત્મક કરી હોવાની વાત કરતાં કહ્યું હતું કે સી જે ચાવડાએ ઉચ્ચ સ્તરે રજૂઆત પહોંચાડવાની બાંહેધરી આપી છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ હવે કોંગ્રેસનો સાથ છોડીને કેસરિયો ધારણ કરશે તેમ ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top