National

‘ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ…’, પિત્રોડા બાદ કોંગ્રેસના વધુ એક નેતાનો બફાટ

નવી દિલ્હી: વારસાગત કર અને ભારતીયો વિશે જાતિવાદી ટીપ્પણી કરનારા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડા પછી હવે કોંગ્રેસના વધુ એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) વચ્ચે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે (ManiShankar Iyer) ફરી એકવાર પાકિસ્તાન (Pakistan) પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મણિશંકર ઐયરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે ભારતે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ અને તેમનું સન્માન કરવું જોઈએ કારણ કે તેમની પાસે એટમ બોમ્બ છે. અય્યરે કહ્યું હતું કે જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે.

અય્યરે કહ્યું કે ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ બોમ્બ છે. મને સમજાતું નથી કે હાલની સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે. એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે ચર્ચા ખૂબ જ જરૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત અહંકારથી આપણને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો કોઈપણ પાગલ નેતા ભારત વિરુદ્ધ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.

પાકિસ્તાન એક સંપ્રભુ દેશ છે – મણિશંકર ઐયર
કોંગ્રેસ નેતા કહ્યુ હતું કે, હું એમ નથી કહેતો કે આપણે વિચારવું જોઈએ કે આપણી સમસ્યાઓ કેવી રીતે હલ થશે? આ નિષ્ણાતોનું કામ છે. હું ફક્ત એટલું જ કહું છું કે તમે નફરત દર્શાવીને કે બંદૂક બતાવીને પરિસ્થિતિને સુધારી શકશો નહી. આપણે સમજવું પડશે કે પાકિસ્તાન પણ એક સાર્વભૌમ એટલેકે સંપ્રભુ રાષ્ટ્ર છે, તેમનું સન્માન પણ છે. તેમનું માન જાળવીને આપણે તેમની સાથે કડકાઈથી વાત ન કરવી જોઈએ. હવે શું થાય છે? કે ભારત વાત નથી કરી રહ્યુ, જેનાથી તણાવ વધી રહ્યો છે.

ભારત મુશ્કેલીમાં પડી શકે છે – મણિશંકર ઐયર
મણિશંકર અય્યરે કહ્યું હતુ કે આપણે સમજવું જોઈએ કે જો આપણે વિશ્વના વિશ્વગુરુ બનવું હોય તો આ જરૂરી છે કે પાકિસ્તાન સાથે સમસ્યા ગમે તેટલી મોટી હોય, અમે સમસ્યાનું સમાધાન શોધવા માટે સખત મહેનત કરી રહ્યા હતા. પરંતુ આ સમગ્ર કામ છેલ્લા 10 વર્ષથી બંધ છે. જો કોઈ ગેરસમજ ફેલાશે તો આપણે બધા મુશ્કેલીમાં મુકાઈ જઈશું.

Most Popular

To Top