Vadodara

ખાખીની રહેમનજર કે ચાલકની હિંમત ? વારંવાર થતા થાર અકસ્માતોથી વડોદરા થથર્યુ

નશામાં ધૂત થાર ચાલકનો આતંક, ગાડી ડિવાઈડર પર ચઢાવી, લોકોમાં ફફડાટ

(પ્રતિનિધિ), વડોદરા. તા.17

વડોદરાના માર્ગો પર ફરી એકવાર બેફામ ગતિ અને નશાના કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ગોત્રી હોસ્પિટલથી નટુભાઈ સર્કલ તરફ જવાના મુખ્ય માર્ગ પર બ્રીજ ઉતરતા નશામાં ધૂત થાર ગાડીના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી ગાડી સીધી ડિવાઈડર પર ચઢાવી દીધી હતી. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે નગરજનોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે એક થાર ગાડીના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને પૂરઝડપે આવતી ગાડી ડિવાઈડર સાથે અથડાઈને તેના પર ચઢી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ચાલક નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ડિવાઇડર તોડી નાખ્યું હતું અને ગાડીને પણ નુકશાન થયું હતું. વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ‘થાર’ ગાડીના ચાલકો દ્વારા જોખમી ડ્રાઈવિંગ અને સ્ટંટના કિસ્સાઓ વધી રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, રાત્રિના સમયે વૈભવી ગાડીઓના ચાલકો રસ્તાઓને રેસિંગ ટ્રેક સમજી બેસે છે. પોલીસના પેટ્રોલિંગ છતાં આવા તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. માસૂમ રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું પોલીસ આ મામલે કડક વલણ અપનાવશે ? અગાઉના કિસ્સાઓમાં પણ પકડાયેલા ચાલકો સામે ટૂંકા ગાળાની કાર્યવાહી બાદ મામલો શાંત પડી જતો હોય છે. શું આ વખતે પોલીસ દાખલો બેસાડતી કાર્યવાહી કરીને ચાલકનું લાયસન્સ રદ કરશે કે કેમ, તે જોવું રહ્યું.

Most Popular

To Top