બે દાયકા પહેલા આપણે જ્યારે બોલિવૂડ વિશે વિચાર કરતા તો આપણા મનમાં મોટાભાગે ત્રણ નામ જ પહેલા આવતા આમિર ખાન, શાહરૂખ ખાન,અને સલમાન ખાન. આ ત્રણેય અભિનેતાઓએ બોલિવૂડ પર ઘણા વર્ષો સુધી રાજ કર્યું. કોઈ પણ ફિલ્મ હોય, જો તેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન કે આમિર ખાન હોય તો ફિલ્મ ચોક્કસ સફળ થશે એમ માનવામાં આવતું હતું. લોકો તેમની ફિલ્મોના, તેમની એક ઝલકના દીવાના હતા. તેમના અભિનય પાછળ લોકો ફિદા હતા અને એમના ભજવેલા પાત્રો તેમના ચાહકો માટે જીવંત હતા. પરંતુ, હવે સમય બદલાયો છે. શાહરૂખ, સલમાન અને આમિરના ચમકતા સિતારા હવે ધીરે ધીરે ઝાંખા થઇ ગયા છે.
કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાન તેણે કરેલી ફિલ્મ્સ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કભી ખુશી ક્ભી ગમ, મોહબ્બતે, કુછ કુછ હોતા હૈ ના રોમેન્ટિક પાત્રો માટે જાણીતો છે. તેની છેલ્લી ફિલ્મ ડંકી, પઠાન અને જવાન ૨૦૨૩ માં રીલીઝ થઇ હતી. બોલિવૂડના ‘ભાઈ’ તરીકે જાણીતા સલમાન ખાનનો ઘણો મોટો ચાહક વર્ગ છે. તે એક્શન મુવીઝ અને રોમેન્ટિક કોમેડી મુવી માટે જાણીતો છે. તેણે કરેલી બ્લોકબસ્ટર ફિલ્મોમાં બજરંગી ભાઈજાન, એક થા ટાઈગર, દબંગ, રેડી જેવી ફિલ્મોની ગણના થાય છે. હવે, આમીર ખાનની વાત કરીએ, તો તે બોલિવૂડના પર્ફેક્શનીસ્ટ તરીકે જાણીતો છે. તેણે કરેલી ફિદા, તારે ઝમીન પર, થ્રી ઈડિયટ્સ, લગાન, દંગલ સુપર હિટ રહી હતી. ૧૯૮૦ના દાયકાના અંત અને ૧૯૯૦ ના દાયકાની શરૂઆતમાં બોલિવૂડ પર આ ખાન ત્રિપુટીએ પોતાનું સમાન પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. એટલું જ નથી ત્યાર બાદ પણ ઘણા વર્ષો સુધી તેમની એક્ટિંગનો જાદુ ચાલતો રહ્યો અને ઘણા ડિરેક્ટર્સ માટે તેઓ સફળતાની ચાવી બની ગયા. પરંતુ હવે ધીરે ધીરે ખાનનો જાદુ ઓછો થયો છે. શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ ૨૦૨૩ માં આવી હતી અને ત્યાર પછી તેની એક પણ ફિલ્મ રીલીઝ થઇ નથી. સલમાન ખાનનું પણ કૈક એવું જ છે. તેની છેલ્લી રીલીઝ થયેલી ફિલ્મ સિકંદર હતી જે ૨૦૨૫ માં રીલીઝ થઇ હતી અને તે બોક્સ ઓફીસ પર સફળ રહી ન હતી. આમીર ખાનની છેલ્લી ફિલ્મ સિતારે ઝમીન પર ૨૦૨૫ માં આવી હતી, તે ઉપરાંત તેની ૨૦૨૨ માં આવેલી લાલસિંઘ ચડ્ડા પણ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી. આમ, ત્રણેય ખાન હવે ધીમે ધીમે બોલિવૂડના આકાશમાંથી ખોવાતા જાય છે અને નવી જનરેશન છવાય રહી છે. તેની પાછળનું કારણ એ છે કે હવે દર્શકોને ફક્ત સુપર સ્ટારને જોવામાં રસ નથી. તેમને મજબૂત વાર્તા, દમદાર પરફોર્મન્સ અને નવીનતા જોઈએ છે. એવી ઘણી ફિલ્મો છે જેમાં મોટી સ્ટાર કાસ્ટ ન હોવા છતાં ફિલ્મ ખુબ જ ચાલી હોય. આમ લોકો થીયેટરમાં જઈને પૈસા ખર્ચીને ફક્ત સ્ટારને જોઈને ખુશ થઇ જાય અને ફિલ્મ ને હીટ બનાવી દે એવું હવે રહ્યું નથી. આ પરિવર્તન આજના નવા એક્ટર્સ લાવી રહ્યા છે.
બોલિવૂડના આકાશમાં ત્રણ નવા અભિનેતાઓ પોતાનો દબદબો બનાવી રહ્યા છે. તે છે રણવીર સિંઘ, રણબીર કપૂર અને વિકી કૌશલ. નોન ફિલ્મી બેકગ્રાઉન્ડ માંથી આવેલા રણવીર સિંઘની પહેલી ફિલ્મ બેન્ડ બાજા બારાત હતી અને ત્યાર પછી લુટેરે અને ગુંડે જેવી ફિલ્મો મેળવીને તેણે તેની સફળતાની ગાડી શરૂ કરી. એક તરફ બાજીરાવ મસ્તાનીમાં શૌર્ય અને પ્રેમથી ભરપુર બજીરાવનું પાત્ર, તો બીજી બાજુ પદમાવતમાં નિષ્ઠુર અને જંગલી ખીલજીનું પાત્ર બંનેને રણવીરે ઘણી સહજતાથી નિભાવ્યું છે. બાજીરાવ માટે આપણને કરુણા જગાડવામાં અને ખીલજી માટે તિરસ્કાર ઉભો કરવામાં તે સફળ થાય છે તે એક અનપ્રીડીકટેબલ એકટર છે જે કોઈ પણ પાત્રમાં ઢળી જાય છે. રણવીર સિંઘએ ગોલિયોં કી રાસલીલા: રામલીલા, રોકી ઓર રાની કી પ્રેમ કહાની, ગલી બોય અને ૮૩ જેવી ઘણી સફળ ફિલ્મો આપી છે. રણબીર કપૂરની વાત કરીએ તો તેણે અભિનયમાં કારકિર્દીની શરૂઆત સંજય લીલા ભણસાળીની ફિલ્મ સાંવરિયાથી કરી હતી. તે એવી ફિલ્મો પસંદ કરે છે જે કોમર્શીયલ હોય અને મજબૂત પાત્રો ધરાવતી હોય જેમકે સંજુ, બ્રહ્માસ્ત્ર, યે જવાની હે દીવાની, એનિમલ અને રોકસ્ટાર. દરેક ફિલ્મમાં તેનું પાત્ર એકદમ અલગ અને સશક્ત. તેનો મજબૂત અભિનય રોમેન્ટિક અને લાગણીશીલ પાત્રોને સ્ક્રીન પર જીવંત બનાવે છે. કોણ વિચારી શકે કે જે પાત્ર પાસે આખી ફિલ્મ બરફીમાં બોલવા માટે એક પણ ડાયલોગ નથી તે ફક્ત અભિનયના જોરે ફિલ્મને સફળતા અપાવશે! વિકી કૌશલે એકદમ નવો જ રસ્તો કંડાર્યો છે. બોલિવૂડમાં સૌથી વધારે ગ્રાઉન્ડેડ અને રીલાયેબલ એક્ટર હોય તો તે વિકી કૌશલ છે. પહેલી જ ફિલ્મ મસાનમાં અભિનય માટે તેને IIFA એવોર્ડ મળ્યો હતો . ત્યાર બાદ રાઝી અને સંજુમાં પણ તેના અભિનયની પ્રસંશા થઇ હતી. મનમરઝીયાં અને સેમ બહાદુરથી તેને લીડ રોલ મળવા લાગ્યા અને ઉરી અને છાવા ફિલ્મથી તો તે બોલિવૂડમાં છવાઈ ગયો. વિક્કી સીરીયસ અને કોમેડી એમ બંને પ્રકારની ફિલ્મમાં સુટ કરે છે અને ડિરેક્ટર્સ માટે તે એક રીલાયેબલ એક્ટર છે કે જેના અભિનયના દમ પર તે પોતાની આખી ફિલ્મનો દારોમદાર મૂકી શકે.

ખાન ત્રિપુટીને ‘લાર્જર ધેન લાઈફ’ પાત્રો ભજવવાને કારણે સ્ટારડમ મળી ગયું હતું. પરંતુ હવે દર્શકો ફિલ્મમાં અભિનય અને મજબૂત સ્ક્રીપ્ટને વધારે પ્રાધાન્ય આપે છે અને એટલે જ સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમીર ખાન હવે સફળ થતા નથી. આ ઉપરાંત, ખાન ત્રિપુટીની નેક્સ્ટ જનરેશન પણ હજી એટલી સફળ થઇ નથી. શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાને ડીરેક્શનમાં ઝંપલાવ્યું છે, તો આમીર ખાન ના દીકરા જુનેદ ખાનને પણ એક્ટીંગમાં હજી કોઈ સફળતા મળી નથી. સલમાન ખાન પછી તેના પરિવારમાંથી હજી સુધી કોઈ પ્રોમિસિંગ એક્ટર આવ્યો નથી. આમ, જોઈએ તો બોલિવૂડમાં ખાન યુગ મહદઅંશે રહ્યો નથી અને તેમની જગ્યા નવા ચેહરાઓ એ લઇ લીધી છે. •