Gujarat

એસટીમાં કોઈ સમસ્યા છે?, QR કોડ સ્કેન કરો અને રેટિંગ આપો

ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને સેવાઓમાં સુધારો લાવવા માટે શરૂ કરાયેલી ‘પેસેન્જર ફીડબેક અને પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ’ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. હવે એસ.ટી. બસમાં મુસાફરી કરતા મુસાફરો પોતાની બેઠક પાસે લગાવેલા QR કોડને સ્કેન કરીને સીધો પ્રતિભાવ આપી શકશે, જેના પર તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. માર્ચ 2026 માં શરૂ થયેલી આ સિસ્ટમમાં માત્ર એક મહિનામાં જ 1,702 મુસાફરોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. એસટી નિગમની વિવિધ સેવાઓ માટે મુસાફરોએ 5 માંથી 4.5 નું સરેરાશ રેટિંગ આપીને સંતોષ વ્યક્ત કર્યો છે.

આ સિસ્ટમની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તાજેતરમાં પ્રીમિયમ એસટી બસોમાં દુર્ગંધ અંગે મળેલી ફરિયાદો બાદ એસટી નિગમે તાત્કાલિક રાજ્યની તમામ AC અને Volvo બસોમાં એર ફ્રેશનર લગાવવાની કામગીરી પૂર્ણ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “આ ફીડબેક સિસ્ટમથી અમને ખ્યાલ આવે છે કે કઈ સેવાઓમાં સુધારાની જરૂર છે. મુસાફરોનો વિશ્વાસ અકબંધ છે અને દૈનિક મુસાફરોની સંખ્યા 25 લાખથી વધીને 27 લાખ થઈ છે.”

પ્રવાસીઓ QR કોડ સ્કેન કરીને ફરિયાદની સાથે ફોટા પણ મોકલી શકશે, એસટી ડેપો માટે પણ રેટિંગ આપી શકાશે

પ્રવાસીઓ બસમાં રહેલા QR કોડને સ્કેન કરી પોતાનું નામ, મોબાઈલ નંબર અને ટિકિટ નંબર જેવી વિગતો ભરીને રેટિંગ આપી શકશે. આ સુવિધામાં મુસાફરો ફરિયાદ સંબંધિત ફોટા પણ અપલોડ કરી શકે છે, જે સીધા સંબંધિત અધિકારી સુધી પહોંચે છે. બસો બાદ હવે એસટી નિગમ રાજ્યભરના 400 થી વધુ બસ ડેપો પર વિશેષ QR કોડ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. દરેક એસટી ડેપો માટે અલગ કોડ હશે, જેથી મુસાફરો જે-તે ડેપોની સ્વચ્છતા અંગે પોતાનો અભિપ્રાય આપી શકશે.રોજની 8,000 થી વધુ બસો અને 27 લાખ મુસાફરો સાથે GSRTC હવે ટેકનોલોજીના માધ્યમથી પારદર્શક અને ઝડપી સેવા પૂરી પાડવા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે.

Most Popular

To Top