Charchapatra

કેન્દ્ર સરકાર શું વિપક્ષી રાજ્ય સરકારોને ગુનાઇત રીતે દબાવે છે?

સુપ્રિમ કોર્ટે હવે વારંવાર સરકારને અદાલતી પ્રક્રિયામાં રહી સૂચનો કરવાં પડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કાયદાને પણ બાજુ પર રાખી અનેક વાર વર્તન કરે છે. અનેક રાજ્યોના રાજ્યપાલો પોતે જે રાજ્યના રાજ્યપાલ હોય એ રાજ્યની સરકારના નિર્ણયોને પાછા ઠેલવાનું કામ કરે છે. કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય અને રાજ્યમાં તેમની નહીં અને વિપક્ષની સરકાર હોય તો રાજ્યપાલોનું કામ જ એ વિપક્ષની સરકારના પગલાંઓને નિષ્ફળ કરવાનું બની જાય છે. આ રાજ્યપાલો એ સરકારોના દરેક હિસાબો પર પણ નજર રાખે છે કે જેથી તે સરકારને કાયદાકીય રીતે ફસાવી શકાય. દિલ્હીની કેજરીવાલ સરકારના મહત્ત્વના મંત્રીઓ અત્યારે જેલમાં છે. શું કેન્દ્ર સરકારની આ નીતિ યોગ્ય ગણાય? જો સ્વયં કેન્દ્ર સરકાર આ બધું કરે તો તે લોકોને દબંગાઇથી ગુનો કરતા કઇ રીતે રોકે?
સુરત     – નગીન વનમાળી            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

લાપરવાહી
ગુજરાત સરકારનો હવામાન વિભાગ તા. 23/24 નવેમ્બરથી ગાઈ વગાડીને કહેતો હતો કે રાજ્યમાં 3 દિવસ ધૂમધડાકા સાથે માવઠું અને ભારે વરસાદ થશે એ આગાહીના અનુસંધાનમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓએ આગોતરાં પગલાં ભરવાં જોઇએ પરંતુ 26મીએ ભારે વરસાદ થયો અને સ્વચ્છતાના ઢોલ વગાડતી સુ.મ.પા.ની પોલ ખૂલી ગઈ. ઠેરઠેર રસ્તાઓ ઉપર ગોઠણ સુધીનાં પાણી ભરાયાં. રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ સર્જાયો કેમ તો કે વરસાદી ગટરોનાં જાળિયાંઓમાં પ્લાસ્ટીકની ગુણો દબાવી પેક કરી ફેલાયેલા તે ભારે વરસાદની આગાહી છતાં ખોલાયા ન હતાં.

ઉપરાંત ફૂટપાથો અને ખૂણાઓ ઉપરનો કચરો જેવો કે તૂટેલાં ચપ્પલો, પ્લા. થેલીઓ, લોકોએ નાંખેલાં પૂંઠા-પાટિયાં, ખાલી તરોફા, પ્લા. બોટલો વગેરે વરસાદી ડ્રેનેજો ઉપર પાણીમાં તણાઇને જમા થતાં પાણીનો નિકાલ અવરોધાયો. જો શહેરમાં યોગ્ય સફાઇ થતી હોય તો આ કચરો આવ્યો ક્યાંથી? સફાઇના નામે શહેરમાં પોલમપોલ ચાલે છે. ફૂટપાથો ઉપરથી ગાર્ડન વેસ્ટ 10-10 દિવસે ઉંચકાય છે જે તણાઇને વરસાદી ડ્રેનેજો ચોકઅપ કરે છે. રોડની સાઇડો સાફ કરાતી નથી. આ બધું ભારે વરસાદની આગાહી થતાં જ સાફ થવું જોઇએ, ઉંચકાવું જોઇએ, જેને બદલે પાણીનિકાલનાં જાળિયાંઓ ખોલાતાં નથી! સફાઇના નામે નૌટંકી ચાલે છે. અધિકારીઓ માત્ર ફોટો સેશન ચલાવે છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા           -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top