Business

કડાણા ડેમમાં એક લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી

સંતરામપુર : આણંદ – ખેડા જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમમાં પાણીની સપાટી વધી રહી છે. કડાણા ડેમમાં પાણીની સપાટી બુધવારના રોજ 413 ફુટ 4 ઇંચ ઇંચ નોંધાઇ છે. કડાણા બંધમાં પાણીની સપાટી મહત્તમ લેવલ 419 ફુટનું છે. હાલ કડાણા ડેમમાં પાણીની આવક 46,909 ક્યુસેક છે. જેથી ડાબા કાંઠા કેનાલમાં 100 ક્યુસેક પાણીને સુજલામ સુફલામ કેનાલ છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં પાણીની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થતાં ડેમમાં પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

કડાણા જળાશયના ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસના મહીબજાજ સાગર બંધમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે તથા અનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. મહીબજાજ ડેમમાંથી હાલમાં 3415 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કડાણા બંધની સુરક્ષા તથા ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા હાલમાં કડાણા ડેમમાંથી બુધવારની બપોરે 5300 કયુસેક પાણી મહી નદીમાં છોડવા આવ્યું છે. આ અંગે કાર્યપાલક ઈજનેર કડાણા જળાશયના જણાવ્યા અનુસાર, ડેમમાં પાણીની આવકને જોતા વધુ એક લાખ ક્યુસેક કે તેથી વધુ પાણી મહી નદીમાં છોડાવાની સંભાવના છે.

આ અંગે કલેકટર ડો.મનીષ કુમાર બંસલના જણાવ્યું કે, કડાણા ડેમમાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ખાનપુર, કડાણા અને લુણાવાડા તાલુકાના ગામડાઓને સાવચેત અને સતર્ક કરવામાં આવ્યા છે. કડાણા બંધમાંથી પાણીની આવકના પગલે જળ સ્તર વધ્યું છે. તેને અનુલક્ષીને અને તકેદારીના ભાગ રૂપે મહી નદી કાંઠાના સંબંધિત તાલુકાઓના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ કાંઠાના ગામોની નિરીક્ષણ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરીને તકેદારીના યોગ્ય ઉપાયોની સૂચનાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષકના દિશા નિર્દેશો અનુસાર નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ અમલદારો પણ કાંઠાની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે. નદી કાંઠાના ગામોમાં કોઈ અઘટિત બનાવો ટાળવા પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને સાવધાન કરવામાં આવી રહ્યાં છે. કાંઠાના ગામોના લોકોને બે કાંઠે વહેતી મહી નદીના પટમાં જવા, રોકાવા, પશુઓ ચારવા કે સ્નાન કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

કડાણા ડેમમાં 55 હજાર કયુસેક પાણીની આવક
કડાણા બંધના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે અને મહીબજાજ સાગર બંધમાંથી પાણી છોડાતાં કડાણા બંધમાં પાણીની સપાટીમાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. બપોરના સાડાત્રણ કલાકના અરસામાં કડાણા બંધમાં પાણીની સપાટી 413 ફુટ 04 ઈંચ પહોંચી હતી. જે કડાણા બંધની પાણીની મહત્તમ સપાટીથી માત્ર 6 ફુટ દુર છે. ડેમમાં હાલ પાણીની આવક હોવાથી ડેમમાં પાણીની સપાટીમાં ઉતરોતર વધારો જોવા મળતો હોય અને હાલ ડેમમાંથી કડાણા હાઈડ્રો પાવર પ્રોજેકટના વિજ ઉત્પાદન માટેની પાણીની ડીમાન્ડ મુજબનું પાણી 5500 કયુસેક વીજઉત્પાદન માટે છોડાઈ રહ્યું છે. તેનાથી હાલ એક વીજ યુનિટ વીજળી પેદા કરવાનું કામ કરી રહ્યું છે. જો કડાણા બંધમાંથી કડાણા હાઈડ્રો પાવર પ્રોજેકટના વિજ ઉત્પાદન માટેની પાણીની ડિમાન્ડ વધુ આવે તો વધુ પાણી પાણી અપાય તો આ પ્રોજેક્ટના વધુ બે વીજ યુનિટો પણ વીજ ઉત્પાદન કરી શકે તેમ જોવા મળે છે.

હાડોડ બ્રિજ (જુનો પુલ) બંધ કરવામાં આવ્યો
મહીનદી પર આવેલા હાડોડ બ્રિજ (જુનો પુલ) બંઘ કરવામાં આવનાર હોઈ પુલના બન્ને છેડે વાહન ચાલકો કે જનતા અવર જવર ના કરે તે માટે પોલીસ બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જયારે વાહનચાલકો અને નાગરીકોને આ બ્રિઝ પરથી પસાર ન થવા પણ અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top