National

ઈતિહાસનો હ્રાસ

તાજેતરમાં કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગની સહાયથી ચાલતી, સ્વાયત્ત કહેવાતી અને ઐતિહાસિક સંશોધનને પ્રોત્સાહન આપતી સંસ્થા નામે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ એ “આઝાદી કા અમૃત મહોત્સવ” માટેની ઉજવણીના બનાવેલ પોસ્ટરમાં પ્રકાશિત સ્વાતંત્ર્ય સેનાનીઓનાં ચિત્રોમાં, નહેરુજીના ચિત્રની બાદબાકી કરી, આશ્ચર્યજનક રીતે વિનાયક દામોદર સાવરકરનું ચિત્ર સામેલ કર્યું છે. એ હકીકત છે અને સ્વીકાર્ય પણ છે કે વીર સાવરકર દેશની સ્વતંત્રતા ખાતર એક ક્રાંતિકારી તરીકે લંડનના ઇન્ડિયા હાઉસમાં રહીને, બ્રિટિશ સરકાર સામે જાનના જોખમે લડ્યા હતા અને પોતાની ધરપકડને ટાળવા તેઓ ઠેર ઠેર ભમતા પણ રહ્યા હતા. પરંતુ ૨૮ વર્ષના સાવરકરને ૫૦ વર્ષની કાળા પાણીની સજા ફટકારી, પોર્ટ બ્લેયર-દક્ષિણ આંદામાનની કુખ્યાત સેલ્યુલર જેલમાં ધકેલી દીધા હતા. ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે સાવરકરનો અહીં સુધીનો ઇતિહાસ ભવ્ય અને પ્રશંસાને પાત્ર છે, પણ પછીનો ઇતિહાસ વખાણવાને લાયક જ નથી. વિગતે વાત કરીએ તો જેલમાંથી છૂટવા ‘વીર સાવરકરે બ્રિટિશ સરકારને ડિસેમ્બર, ૨૦૧૧, ૧૪ નવેમ્બર, ૧૯૧૩, ૧૯૧૪. ૧૯૧૫, ૧૯૧૭ અને ૧૯૨૦ નાં વર્ષોમાં કુલ મળીને ૦૬ વાર ‘દયાની અરજી કરેલી. જેમાં અંગ્રેજ સરકારના ગુણગાન પણ ગવાયાં હતાં.
પરિણામે બ્રિટિશ સરકાર વિરુદ્ધ કોઈ રાજકીય પ્રવૃત્તિ ન કરવાની આકરી શરતે તેમને મે, ૧૯૨૧ ના રોજ સેલ્યુલર જેલમાંથી છોડી, હિંદુસ્તાનની રત્નાગિરિ જેલમાં અને ત્યાંથી ૦૬ જાન્યુઆરી, ૧૯૨૪ ના રોજ તેમને સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે બ્રિટિશ સરકાર વિરુદ્ધ કોઈ રાજકીય પ્રવૃત્તિ ન કરવાની શરતનું અક્ષરશ: પાલન કર્યું અને ફક્ત હિંદુત્વને લગતી જ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. વિશેષ, આ એ જ સાવરકર છે, જેમણે હિંદુ મહાસભાના પ્રમુખ (૧૯૩૭-૧૯૪ર) તરીકે મુસ્લિમ લીગ કે જેમણે અલગ પાકિસ્તાનની માંગ કરી હતી. તેની સાથે ૧૯૩૯ માં જોડાણ કરીને સિંધ, બંગાળ અને પશ્ચિમોત્તર સીમાંત પ્રાંત (હાલમાં પાકિસ્તાનમાં સરકાર રચી હતી અને ઉપરામણમાં મહાત્મા ગાંધીની બ્રિટિશ સરકાર સામેની ‘હિંદ છોડો’ ચળવળ (૧૯૪૨) નો પ્રખર વિરોધ કરી તેનો બહિષ્કાર કર્યો હતો.
સુરત     – પ્રો.જે.આર. વધાશિયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top