Charchapatra

આ દિવસો પણ ચાલ્યા જશે…

સોમવારીય સત્સંગ પૂર્તિમાં વી.એન.ગોધાણી હાઈસ્કૂલના કર્તવ્ય-ધર્મનિષ્ઠ સંગીત વિશારદ સંગીત ટીચર જાગૃતિબેન જાનીએ ‘મારો ઈશ્વર – મારો ધર્મ’લોકપ્રિય કટારમાં ‘આ દિવસો પણ ચાલ્યા જશે’એ ઉક્તિ વિશે ખૂબ જ મૂલ્યવાન રજૂઆત કરી છે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે માનવ જાત જો આવા હકારાત્મક, આશાવાદી, શુભ, માંગલ્યમય ઉચ્ચ મનોવલણો કેળવે તો અડધા દુ:ખ તો તરત જ ચાલ્યા જાય. આ પાંચ શબ્દોને રોજીંદા જીવનમાં સાચા દિલથી અમલમાં મૂકીએ તો મઝા જ મઝા. જીવન એટલે જ સંઘર્ષ, મુશ્કેલી, માંદગી, ખુશી, સફળતાનો સમન્વય. સુખ પછી દુ:ખ, રાત્રિ પછી દિવસ, જન્મ-મૃત્યુ એ દ્વન્દ્વ રહેવાના જ. એ કુદરતી ક્રમ છે. આપણે સુખી થવું કે દુ:ખી એ કુદરતે આપણા હાથમાં જ મન-હૃદય-વિચારમાં – માસ્તર કી મૂકી દીધી છે. બંધન અને મુક્તિ આપણા જ હાથમાં. આ બ્રહ્માંડનું સર્જન ઈશ્વરે આપણા ભલા, હિત કલ્યાણ માટે જ કર્યું છે. કુદરત આપણી વિરોધી નથી જ નથી. ઘણીવાર આપણે દૈવ, ગ્રહોને ભાંડીએ છીએ. પ્રિયભાઈ, બહેન, આપણા જ કર્મનું ફળ આપણે ભોગવીએ છીએ સદ્ કર્મ કરવા એ આપણા હાથમાં જ છે.કોઈ અદૃશ્ય શક્તિ સમગ્ર બ્રહ્માંડમાં કામ કરે છે જે આપણે જેવા વિચારો કરીએ તેને તથાસ્તુ! તથાસ્તુ! તેમ થાઓ એવા આશીષ આપ્યા કરે છે. તો આપણે સર્વનું શુભ, મંગળ, કલ્યાણ, શ્રેય ભલું કેમ ન ઈચ્છીએ. જેવા વિચારો કરીએ તેવું ભાવાવરણ આપણી આસપાસ જન્મે છે.આપણા જ વિચારો આપણને પડઘા રૂપે અચૂક પાછા મળે છે. મિત્રો, આપણે આશાવાદી, આનંદ, શક્તિ, ભલાઈ, ભગવન નામસ્મરણ, સદ્ પુસ્તકનું વાંચન, શ્રવણ, સેવાભાવ કેળવવાનો છે. પછી જૂઓ ભાગ્ય પલટાય છે કે નહીં.
જહાંગીર – ભગુભાઈ પ્રે. સોલંકી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top