Columns

ભગવાનને પ્રેમ કરવો છે

એક દિવસ આશ્રમમાં એક મુલાકાતી આવ્યો તેણે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, મારા મનમાં એક પ્રશ્ન છે જે મને બહુ મૂંઝવે છે.’ગુરુજીએ કહ્યું, ‘કયો પ્રશ્ન છે?’ મુલાકાતીએ કહ્યું, ‘ગુરુજી, તમારા પ્રવચન હોય કે અન્ય કોઈ પંડિતના,કથાકારની કથા હોય કે પછી શાસ્ત્રોની વાતો કે પછી કોઈ પણ ધર્મની સમજ …બધામાં જ એમ સમજાવવામાં આવે છે કે ભગવાન જ સત્ય છે …તે જ દૈવી તત્ત્વ છે …અને ભગવાનની ભક્તિ કરો અને ભગવાનને ભજો ..ભગવાનને પ્રેમ કરો…’ગુરુજી બોલ્યા, ‘હા, બરાબર છે. બધા એમ જ સમજાવે છે કે ભગવાનને ચાહો, તેની ભક્તિ કરો, તેના ચરણમાં મન સમર્પિત કરો એમ જ કરવું જોઈએ.’ મુલાકાતી બોલ્યો, ‘પણ ગુરુજી, મને મૂંઝવતી વાત એ છે કે ભગવાન અદૃશ્ય શક્તિ છે.

પરબ્રહ્મ દેખાતા નથી અને તેમને સમજવા અઘરા છે.તો પછી મને જે દેખાતા નથી ..જે મને સમજતા નથી…જેને કોઈ જાણી શકતું નથી …તેમને હું કઈ રીતે પ્રેમ કરી શકું અને મનમાં જો સાચો પ્રેમ ન જાગે તો પછી ભાવથી બધું તેમનાં ચરણોમાં કઈ રીતે મૂકી શકું?” ગુરુજી બોલ્યા, ‘તમે નવજાત બાળક જોયું છે?’મુલાકાતીએ કહ્યું, ‘હા, મારાં પોતાનાં બે સંતાન છે.’ગુરુજીએ કહ્યું, ‘તો તમારાં સંતાન કે કોઈ પણ નવજાત બાળક જયારે જન્મ લે છે અને માતાના ખોળામાં સ્થાન મેળવે છે …આંખો ખોલે છે …અને માતાની છાતીનું દૂધ પીતાં જ તેની આંખોમાં જોઇને તરત પોતાની માતાને પ્રેમ કરવા લાગે છે…થોડા દિવસમાં માતાનો સ્પર્શ અને અવાજ પણ ઓળખી જાય છે.પણ શું તે બાળક પોતાની માતા વિષે કંઈ પણ જાણે છે?

તેને નથી ખબર પોતાની માતાનું નામ કે નથી ખબર તેનું ગામ કે કામ કે તેનું ભણતર કે તેની આવડત…પણ બાળકને આ વિષે કંઈ ખબર નથી હોતી અને તે કંઈ જંતુ નથી, પણ હા, પહેલી ઘડીથી માતાને પ્રેમ કરવા લાગે છે…એટલે કોઈને ચાહવા માટે ..સાચો પ્રેમ કરવા માટે તેને જાણવાની જરૂર હોતી જ નથી …જરૂર હોય છે માત્ર હૈયાના સાચા ભાવની….એટલે જ હું કહું છું ભગવાનને પ્રેમ કરવો સહેલો છે, પણ જાણવો બહુ અઘરું કામ છે.એક ભોળા બાળક જેવા નિર્દોષ ભાવ સાથે ભગવાનને પ્રેમ કરો તો તમે તેનો પ્રેમ કોઈક ને કોઈક રીતે અનુભવી શકશો .પણ જો જાણવાનો પ્રયત્ન કરશો તો જાણી નહિ શકો.’ગુરુજીએ મુલાકાતીના મનનું સમાધાન કર્યું.
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top