National

દિલ્હીમાં પહેલવાનોનું દંગલ: ખેલાડીઓએ નેશનલ ચેમ્પિયનશીપનો બોયકોટ કર્યો

નવી દિલ્હી: સતત ત્રીજા દિવસે આજે કુસ્તીબાજોના ધરણાં પ્રદર્શન (Wrestlers Protest) યથાવત ચાલુ રહેવા પામ્યા છે. મહિલા કુસ્તીબાજોના યૌન શોષણ સહિત ફેડરેશન દ્વારા થતા અન્યાયોના મામલે કુસ્તીબાજો છેલ્લાં ત્રણ દિવસથી દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. WFIના ચેરમેન બ્રિજભૂષણ શરણ સિંહના રાજીનામાની માંગણી કુસ્તીબાજો કરી રહ્યાં છે.

ટુર્નામેન્ટ છોડીને ખેલાડીઓ ધરણાંમાં ભાગ લેવા નીકળ્યા
ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે હવે ઘણા ખેલાડીઓએ મોરચો ખોલ્યો છે. તેમાં એવા ખેલાડીઓ પણ છે જેઓ ગોંડાના નંદિની નગરમાં રેસલિંગ સ્ટેડિયમમાં નેશનલ ચેમ્પિયનશિપ રમવા ગયા હતા. હરિયાણા અને હિમાચલ પ્રદેશના ઘણા ખેલાડીઓ મેચ રમ્યા વિના દિલ્હીના જંતર મંતર તરફ જવા માંડ્યા છે. આ ખેલાડીઓનું કહેવું છે કે ધરણાં પર બેઠેલા ખેલાડીઓના સમર્થનમાં રમ્યા વિના પાછા જઈ રહ્યા છીએ. ખેલાડીઓએ જણાવ્યું હતું કે આ મીટમાં હરિયાણામાંથી સૌથી વધુ ખેલાડીઓ આવે છે, પરંતુ જે રીતે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તે જોતા ખેલાડીઓ આ મીટમાં ભાગ લેવા માંગતા નથી, અગાઉ હરિયાણા-પંજાબના લગભગ 5000 ખેલાડીઓ આવ્યા હતા. હિમાચલ આવતા હતા, પરંતુ આ વખતે માત્ર 1200 ખેલાડીઓ જ આવ્યા છે, તેઓ પણ હવે પાછા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શનિવારથી નંદિની નગરમાં નેશનલ ચેમ્પિયનશિપ સ્પર્ધા છે. આ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્ર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોના ખેલાડીઓ આવ્યા છે.

ખાપ પંચાયતો ધરણામાં જોડાવાનો નિર્ણય લીધો
કુસ્તીબાજોમાં મોટા ભાગના ખેલાડીઓ હરિયાણાના છે, ત્યારે ધરણાં પ્રદર્શન મામલે હરિયાણામાં રાજકારણ ગરમાયું છે. ગુરુવારે ફોગટ ખાપ પંચાયતની અપીલ પર તમામ જ્ઞાતિની ખાપ પંચાયત યોજાઈ હતી, જેમાં જો કુસ્તીબાજ ખેલાડીઓની માંગણી નહીં સંતોષાય તો બે દિવસમાં તમામ ખાપ પંચાયતો ધરણાં પર જોડાશે તેવો નિર્ણય લેવાયો હતો.

અમિત શાહ દરમિયાનગીરી કરે તેવી શક્યતા
દરમિયાન આ મામલે ગૃહમંત્રી અમિત શાહ સક્રિય થયાની વિગતો સાંપડી છે. બ્રિજભૂષણ સાથે અમિત શાહે ફોન પર વાત કરી છે. બ્રિજભૂષણ સિંહ આજે સાંજે 4 વાગ્યે પ્રેસકોન્ફરન્સ સંબોધશે. પોતાના પર લાગેલા આરોપો મામલે તે ખુલાસા કરી શકે છે. દરમિયાન રમતમંત્રી અનુરાગ ઠાકુર આજે ફરી એકવાર કુસ્તીબાજો સાથે વાતચીત કરી શકે છે.

શું છે સમગ્ર મામલો?
છેલ્લાં ત્રણ દિવસથી દેશના જાણીતા કુસ્તીબાજો જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) સામે સતત વિરોધ કરી રહ્યા છે. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત લગભગ 30 રેસલર્સે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણ સહિતના અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. ખેલ મંત્રાલયે આ મામલાને ગંભીરતાથી લીધો છે. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર આજે શુક્રવારે કુસ્તીબાજોને મળવાના છે.

આ અગાઉ કુસ્તીબાજો ગુરુવારે અનુરાગ ઠાકુરને મળ્યા હતા અને તેમની સાથે ડિનર લીધું હતું. કુસ્તીબાજો અને રમત મંત્રી વચ્ચેની આ બેઠક સવારે 10 વાગ્યાથી લગભગ પોણા બે વાગ્યા સુધી ચાલી હતી. બીજી તરફ બ્રિજભૂષણ શરણ સિંહના રાજીનામા પર સસ્પેન્સ યથાવત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને બોલાવીને 24 કલાકમાં રાજીનામું આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે બ્રિજભૂષણ શરણનું કહેવું છે કે હું રાજીનામું આપીશ નહીં. હું દરેક પ્રકારની તપાસ માટે તૈયાર છું.

Most Popular

To Top