Entertainment

ભગવાનની જેમ આરાધના થઇ અને રાજેશ ખન્ના ઘમંડી બની ગયા

રાજેશ ખન્નાને યાદ કરનારા લોકો મુખ્યત્વે બે રીતે યાદ કરે છે. એક તો છે તેમની ફિલ્મો ને બીજું છે તેમનું સુપરસ્ટાર તરીકેનું વ્યકિતત્વ. જેઓ રાજેશ ખન્નાના સુપરસ્ટાર યુગમાં રહ્યા નથી તેમને ખ્યાલ ન આવી શકે કે હકીકતે લોકોમાં તેઓ કેવી રીતે છવાયા હતા. પાગલપણ એક અવસ્થા હોય છે ને રાજેશ ખન્નાએ લાખો લોકોને પાગલ કર્યા હતા. તમે તેને જાદુ પણ કહી શકો. લોકો તેમની ફિલ્મ જોવા બાબતે પોતાને રોકી શકતા નહતા. એ જમાનો થિયેટરોનો હતો અને જે સ્ટારની ફિલ્મોનાં સૌથી વધુ બ્લેક થયા હોય તે રાજેશ ખન્ના છે. કયારેક થાય કે ‘આખરી ખત’, ‘રાઝ’ ‘બહારોં કે સપને’માં પણ એજ રાજેશ ખન્ના છે જે ‘આરાધના’, ‘સચ્ચા જૂઠા’, ‘કટી પતંગ’, ‘અમરપ્રેમ’માં છે તો પછી જે જાદુ થયું તે પહેલા કેમ ન થયું?

પણ એવું હોય છે કે શરૂની ફિલ્મોમાં પ્રેક્ષકો શાંતિથી એકટરને જોતાં હોય છે અને જયારે તે ખાસ પ્રકારના પાત્રમાં આવે ત્યારે પેલું જે જોયેલું હોય તેનું મિક્સિંગ કરી ગ્લેમરનો ગ્લાસ ભરી દેતા હોય છે. ધર્મેન્દ્ર કે અમિતાભ કે શાહરૂખ પણ કાંઇ પહેલી ફિલ્મથી સ્ટાર નહોતા થયા. કોઇ વાનગી પણ યોગ્ય રીતે પાકે પછી જ તેમાં સ્વાદ, રંગ આવે છે. રાજેશ ખન્ના કોઇ ફિલ્મી કુટુંબના ન હતા પણ સફળ થયા ત્યારે અનેકને ભારે પડી ગયેલા. જો કે ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, સંજીવકુમાર, અમિતાભ બચ્ચન પણ કોઇ ફિલ્મી કુટુંબના ન હતા. એ સમયે પૃથ્વીરાજ કપૂરના ત્રણે દિકરા યા શશધર મુખરજીના દિકરા જોય મુખરજી યા જદ્દનબાઇની દિકરી નરગીસ કે નસીમબાનુની દિકરી સાયરાબાનુ ફિલ્મોમાં જરૂર આવેલા પણ તેમાં લાગવગ જેવું નહોતું. પ્રતિભા વિના કોઇ ટકતું નથી.

રાજેશ ખન્ના એક ખૂબ સારા અભિનેતા હતા અને તેમાં સ્ટાઇલનું કોમ્બિનેશન હતું. લાખો-કરોડો વચ્ચે લોકપ્રિય થવામાં આ સ્ટાઇલ મદદ કરતી હોય છે અને તે રાજ કપૂર, શમ્મી કપૂર, દેવ આનંદ સહિત બધામાં જ છે. બલરાજ સાહની એકટર મોટા પણ સ્ટાઇલ ઉમેરી શકયા નહોતા એટલે સ્ટાર બન્યા નહોતા. રાજેશ ખન્નામાં સ્ટાઇલ ‘આરાધના’થી ઉમેરાય હતી. શકિત સામંત જેવા દિગ્દર્શક હોય તો આ શકય હતું અને સચિન દેવ બર્મનના સંગીતને કારણે ઝૂમી ઉઠવું પણ જરૂરી હતું.

‘આરાધના’ વખતે રાજેશ ખન્ના કાંઇ નવા તો નહોતા પણ હા, તેઓ આ ફિલ્મથી રિલોન્ચ થયા એમ કહી શકાય. ‘આરાધના’ પહેલાં શકિત સામંતના ફેવરિટ તો શમ્મી કપૂર જ હતા પણ તેમની સાથેની ‘જાને અંજાને’ નિષ્ફળ ગઇ તેથી બીજા સ્ટાર વિશે વિચારવું જરૂરી હતું. ખોટમાં ગયેલી ફિલ્મ પછી નવી બનાવતી વેળા તેઓ મોટા સ્ટારને વિચારવા તૈયાર ન હતા અને તેમને ‘બહારોં કે સપને’માં રાજેશ ખન્ના હતા તે ગમી ગયા હતા. ‘આરાધના’ની વાર્તા સંભળાવવા રાજેશ ખન્નાને બોલાવ્યા ત્યારે તેઓ શેવરોલેટ કારમાં શકિતદાના ઘરે ગયા હતા. રાજેશ ખન્નાની શર્મિલા ટાગોર સાથેની પહેલી જ ફિલ્મ હતી ને શર્મિલા તો મોટી સ્ટાર હતી.

રાજેશ ખન્ના તેના પ્રેમી અને પુત્ર બનવા તૈયાર થઇ ગયા. આ એક સાહસ હતું પણ ત્યારે તેઓ સ્ટાર નહોતા એટલે વાંધો ન હતો. સ્ટોરીમાં ઘણા વળાંક હતા. એરફોર્સ ઓફિસર અરુણ સ્થાનિક ડોકટરની દિકરી વંદના સાથે છાના લગ્ન કરી લે છે અને જયારે વંદના ગર્ભવતી થઇ છે ત્યારે જ વિમાન તૂટી પડતાં અરુણ મૃત્યુ પામે છે. હવે વંદનાના બાળકને કોણ સ્વીકારે? અહીંથી વંદનાની આરાધના શરૂ થાય છે. આ ફિલ્મ હકીકતે શર્મિલા ટાગોરને કેન્દ્રમાં રાખીને જ બનાવાયેલી પણ રાજેશ ખન્ના કેન્દ્રમાં આવી ગયા. જો ડબલ રોલ ન હોત તો રાજેશ ખન્નાને ફાયદો થયો ન હતો.

શકિત સામંતે શર્મિલાના પુત્રની ભૂમિકા માટે બીજા અભિનેતા વિચારેલા પણ ખરા! પરંતુ આખર રાજેશ ખન્ના જ પુત્ર પણ બન્યા. સાહસ શર્મિલાનું પણ હતું કે તે એક યુવાન પુત્રની મા બનવા તૈયાર થઇ, જેના વાળ સફેદ હોય. શર્મિલા કદાચ ના પાડશે એ વિચારે અપર્ણા સેનને લેવા વિચાર પણ થયેલો પણ શકિતદા હોય તો શર્મિલા કદી ના ન પાડે અને આખર જે બનવાનું હતું તે બન્યું. શકિતદાને જો કે ‘આરાધના’ની સફળતા વિશે ભરોસો ન હતો એટલે તે રજૂ થાય તે પહેલાં નંદાને લઇ ‘કટિપતંગ’ બનાવવાનો પ્લાન પણ થયેલો. ‘આરાધના’ના સંગીત માટે શંકર-જયકિશન વિચારાયેલા ને રફી પાસે જ ગીતો ગવડાવવાના હતા.

રફી ત્યારે ત્રણ મહિનાની વિદેશ ટૂર પર ગયા અને શકિતદાએ સચિન દેવ બર્મનને લીધા એટલે આપોઆપ કિશોરકુમાર આવી ગયા. ‘મેરે સપનોં કી રાની કબ આયેગી તુ’, ‘કોરા કાગઝ થા યે મન મેરા’ અને ‘તેરા મસ્તાના’ ગીતોની એવી ધૂમ મચી કે રાજેશ ખન્ના સાથે કિશોરકુમારનો પણ યુગ શરૂ થયો. ‘આરાધના’ પાસે લોકોને ચમત્કારની આશા ન હતી એટલે જ ચમત્કાર સર્જાયો અને શકિત સામંત, રાજેશ ખન્ના, શર્મિલા ટાગોરની ટીમ બની ગઇ. જેમ ‘ઝંઝીર’ પછી પ્રકાશ મહેરા અચાનક મોટા નિર્માતા-દિગ્દર્શક બની ગયેલા તેવું ‘આરાધના’ સાથે શકિતદાનું બનેલું.

‘આરાધના’, ‘ઇત્તેફાક’, ‘બંધન’, ‘દો રાસ્તે’, ‘સચ્ચા જૂઠા’, ‘કટિ પતંગ’ ‘સફર’ ફિલ્મો રાજેશ ખન્નાના સુપર સ્ટારડમ તબક્કાની આરંભીક ફિલ્મો છે અને તેમાં ‘આનંદ’, ‘ખામોશી’ ઉમેરો તો સમજાશે કે રાજેશ ખન્ના માત્ર સ્ટાર નથી મોટા એકટર પણ છે. વિષય અને પાત્રોમાં વૈવિધ્ય સાથે તેમણે સફળતા મેળવી છે. પોતાની જબરદસ્ત લોકપ્રિયતા છતાં ‘સફર’ અને ‘આનંદ’માં આખરે મૃત્યુ પામતા હીરોની ભૂમિકા કરી. તેમને મહિલા કેન્દ્રી ફિલ્મો કરવામાં ય વાંધો નહોતો. ‘ખામોશી’માં વહીદા રહેમાન તો ‘કટિ પતંગ’માં આશા પારેખ કેન્દ્રમાં છે. ‘દુશ્મન’માં તેઓ અપરાધી છે પણ કુટુંબની લાગણી મેળવી શકે એ રીતે પાત્ર રચાયું છે. રાજેશ ખન્નાની ફિલ્મોની ખૂબ એ જ હતી કે તે કુટુંબના બધા જ લોકોને ગમે તેવી હતી. ‘હાથી મેરે સાથી’ પણ એવી જ હતી. અમિતાભ બચ્ચન ‘ઝંઝીર’, ‘દિવાર’થી એન્ગ્રીયંગમેન બન્યા પણ એ ફિલ્મો આખો પ્રેક્ષક વર્ગ બદલનારી હતી. અમિતાભે એ વખતે ‘અભિમાન’, ‘કભી કભી’, ‘ત્રિશુલ’ ફિલ્મો વડે બેલેન્સ કર્યું એટલે જ રાજેશ ખન્નાથી જૂદા પડી ગયા.

રાજેશ ખન્ના રાજકપૂર જેવાના પણ ફેવરિટ બની ગયા હતા તે વાત અહીં યાદ કરવી જોઇએ. આર.કે. ફિલ્મ્સનો હીરો રાજેશ ખન્ના હોય તેવું તેમણે પોતાના વિકલ્પે વિચારેલું. રાજેશ ખન્ના એક જી.પી. સીપ્પી અને બીજા રાજ કપૂર સિવાય કોઇનો ચરણસ્પર્શ નહોતા કરતા. રાજેશ ખન્ના તુંડમિજાજી થઇ ગયા તેના કારણમાં સફળતા હતી. નિર્માતાઓ તેમની પાછળ પડવા માંડેલા તે હતું. આખો દેશ તો પાગલ હતો જ. આવું બને તો રાજેશ ખન્નાને ધમંડ કેમ ન આવી શકે? તે માણસ હતા. તેઓ પરદા પર પણ ‘રાજેશ ખન્ના’ તરીકે જ વર્તતા હતા. એ બધી મર્યાદા છતાં તેમના શ્રેષ્ઠ વર્ષોને યાદ કરવા જોઇએ.

તેમના ડાયલોગ બોલવાની સ્ટાઇલ, તેમાં લાગણી અને પ્રેમની કુમાશ કોઇને ય અડી જાય તેવી હતી. તેમણે કેટલીક વાહિયાત ફિલ્મો કરી અને તેને પોતાના દમ પર સફળ પણ બનાવી એ અત્યારે યાદ ન કરવાનું હોય. ‘દિલ દૌલત દૂનિયા’, ‘જોરુ કા ગુલામ’, ‘રાજા રાની’, યાદ ન રાખો તો ચાલે પણ એ દરમ્યાન ‘અમરપ્રેમ’, ‘આપ કી કસમ’, ‘બાવર્ચી’, ‘મેરે જીવનસાથી’, ‘પ્રેમ નગર’, ‘પ્રેમ કહાની’, ‘દાગ’ જેવી ફિલ્મો પણ છે. તમે ‘અજનબી’, ‘શહેજાદા’, ‘મહાચોર’ ભુલો પણ ‘આવિષ્કાર’, ‘રોટી’ છે રાજેશ ખન્ના-શર્મિલા ટાગોર અને રાજેશ ખન્ના-મુમતાઝની જોડી બેસ્ટ હતી ને પછી હેમામાલિની પણ યાદ કરી શકો. ટીના મુનીમ સાથેની ફિલ્મો ભુલો તો ય વાંધો નથી. શિખર પરથી નીચે સરકતા સુપરસ્ટારની એ ફિલ્મો છે. પરંતુ રાજેશ ખન્નાએ જે શિખર સર કરેલું તે યાદગાર છે. હિન્દી સિનેમાનો ઇતિહાસ તેમને ભુલી ન શકે.

Most Popular

To Top