Entertainment

એકટર તો લાલચુ જ હોવાના : નેત્રી

ગુજરાતી ફિલ્મોમાં ઘણું બદલાઇ રહ્યું છે. નિર્માતા નવા, દિગ્દર્શક નવા, લેખક નવા, સંગીતકાર નવા, પ્રેક્ષકો પણ નવા અને અભિનેતા – અભિનેત્રી પણ નવા. ગુજરાતી ફિલ્મોનો આ પરિવર્તક સમય જો વ્યાપક સ્તરે પ્રેક્ષકો પામશે તો હજુ નવી શકયતાઓ ઉઘડી શકે.  નેત્રી ત્રિવેદી આ બદલાતી ગુજરાતી ફિલ્મો સાથે આવેલી અભિનેત્રી છે. નાટક તો તે નાનપણથી કરતી હતી કારણકે તેના પપ્પા-મમ્મી નાટકમાં પ્રવૃત્ત હતા પણ ૨૦૧૫ માં ‘છેલ્લો દિવસ’ ફિલ્મમાં નેત્રી આવી. આ ફિલ્મ ખૂબ સફળ રહી અને તેમાં ઇશા તરીકે તે પણ એક કોમન છોકરીના પાત્રમાં પર્ફેકટ રહી. પછી તો ‘શું થયું’, ‘પાઘડી’, ‘ધૂઆંધાર’, ‘અરમાન’ જેવી ફિલ્મો અને ‘હેપીલી નેવર આફટર’ જેવી વેબ સિરીઝમાં તે આવી. હમણાં ‘૨૧મું ટિફીન’ માં તે નિતલની ભૂમિકામાં પ્રેક્ષકોને ઇમોશનલ બનાવી રહી છે. અમદાવાદમાં જન્મેલી નેત્રી ત્રિવેદી અભિનેત્રી તરીકે શું કરવું તે તો જાણે છે પણ સાથે જ ગુજરાતી ફિલ્મના અત્યારના સમયને પણ સમજે છે. આ કારણે જ તેની વાત તમને ગમશે.

અત્યારે ‘૨૧મું ટિફીન’ ફિલ્મે પ્રેક્ષકોમાં ખાસ્સી ઉત્તેજના જગાવી છો. અત્યાર સુધી આ ફિલ્મ સાથે રહેવાનો અનુભવ કેવો છે?
નેત્રી: એ જયારે ગોવાના ફિલ્મોત્સવમાં રજૂ થઇ ત્યારે ૯૫ ટકા પ્રેક્ષકો ગુજરાતી નહોતા. જે હતા તે ફિલ્મનાં માધ્યમને સમજનારા હતા. જેમની પાસે બીજી ભાષાની ફિલ્મો જોયાનો અનુભવ હતો. તેમણે ‘૨૧મું ટિફીન’ જોઇને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું એ અમારા માટે રોમ હર્ષક પળો હતી. જયારે આ ફિલ્મ નિયમિત પ્રેક્ષકો માટે રજૂ થઇ છે ત્યારે અમે જુદા જુદા શહેરોમાં ફરી પ્રેક્ષકોના પ્રતિભાવ જાણી રહ્યા છે જે આનંદ આપે છે. બહેનો આ ફિલ્મ સાથે એકદમ ઇન્વોલ્વ થઇ જાય છે તો પુરુષ પ્રેક્ષકો પણ ફિલ્મ જોતાં વિચારે છે કે અમેય પત્ની સાથેના સંબંધમાં કયાં ખોટા હતા. સગપણોને જુદા સંજોગમાં જોવાની આ ફિલ્મ છે.

અભિનેત્રી તરીકેનો સમય આગલા સમયની ફિલ્મોથી જુદો છે તો તેને કઇ રીતે જુઓ છે? ને પ્રેક્ષકો પાસે શી અપેક્ષા છે?
નેત્રી: મેં પણ ‘જિગર અને અમી’થી માંડી ઘણી ગુજરાતી ફિલ્મો જોઇ છે. ત્યારે જે પ્રકારના પ્રેક્ષકો હતા તે મુજબ ફિલ્મો બનતી હતી. ‘બે યાર’, ‘શું થયું’, ‘છેલ્લો દિવસ’ થી વિષયો અને તેની ટ્રીટમેન્ટ બદલાવા માંડી. અલબત્ત, હજુ આ આરંભ જ છે. અને એટલે જ તેમાં ખૂબ પ્રયોગો પણ થઇ રહ્યા છે. મારી ‘ધૂઆંધાર’ ફિલ્મ સસ્પેન્સ હતી. ગુજરાતીમાં સસ્પેન્સ ફિલ્મ સામાન્ય પ્રમાણે નથી બનતી. ‘ગોળકેરી’ કે ‘હેલ્લારો’ યા ‘રેવા’ પણ નવા નવા વિષય પર બની છે. પ્રેક્ષકો આ પરિવર્તક સમયને કેવો પ્રતિસાદ આપે તેના પર જ આગળની ફિલ્મો બનશે.

ગુજરાતી ફિલ્મ જગત તો હજુ નાનુ છે. ત્યાં ખૂબ બધી રેન્જમાં કામ કરવા ન મળે. એવામાં તમને કેવી ભૂમિકાઓ કરવી ગમે?
નેત્રી: જે મને પડકારે અને નવું કશુંક કરવા પ્રોત્સાહિત કરે. મારા પાત્રો સંકુલ હોય તો અભિનમાં કશુંક વધુ કરી શકું. મને દરેક પ્રકારના ઇમોશન્સમાં જાતને જોવી છે. અલગ અલગ પ્રકારના પાત્રો જ અભિનેત્રીને ઘડી શકે.
તો કંઇ અભિનેત્રીઓ તમને ગમે?
નેત્રી: મારી ગમતી અભિનેત્રી મેરિલ સ્ટ્રીપ છે, સ્કારલેટ જહોન્સન છે. ઋષિકેશ મુખરજીની ફિલ્મોની અભિનેત્રી ગમે છે. સ્મિતા પાટિલે રસપ્રદ કામ કર્યું છે. અત્યારે આલિયા ભટ્ટ, કંગના રણૌત યા પુરુષ અભિનેતામાં આયુષ્યમાન ખુરાના દરેક વખતે અલગ ભૂમિકાઓ કરે છે.

તમે ત્રણેક વેબસિરીઝમાં પણ કામ કર્યું છે. ફિલ્મોથી કેવો જુદો અનુભવ રહ્યો?
નેત્રી: ‘હેપિલી નેવર આફટર’ ના દિગ્દર્શક તો ‘લવની ભવાઇ’ ના સંદીપ પટેલ જ હતા. તેઓ પોતાના કામ બાબતે બહુ સ્પષ્ટ છે. ફિલ્મ હોય કે વેબસિરીઝ, જો પાત્ર સારી રીતે લખાયા હોય તો કામ કરવાની મઝા આવે. ગુજરાતમાં હજુ ગુજરાતી વેબસિરીઝ જોનારા ઓછા છે. નેટફલિકસ કે એમેઝોન માટે તેઓ ૫૦૦ કે ૧૦૦૦ રૂા. આપશે પણ ગુજરાતી સિરિઝ કે ચેનલ માટે આપતાં ખચકાય છે. આ મેન્ટાલિટી અમારે સહન કરવી પડે છે. સારા વિષયો સાથે ફિલ્મોની જેમ વેબસિરીઝ બની રહી છે તો પ્રેક્ષકો મળશે જ. હજુ આપણી ભાષાની ફિલ્મ અને વેબસિરીઝ માટે ઝઝૂમવું પડશે. હમણાં ‘સ્પાઇડરમેન’ ફિલ્મ આવી તો લોકો તે જોશે. આ બધું વેઠવું પડે છે. પણ સારી વાત એ છે કે વિત્યા બે વર્ષમાં આપણી ફિલ્મો રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ પામી રહી છે. ગુજરાતી ફિલ્મો હવે નવી પેઢીના પ્રેક્ષકોની પણ બની રહી છે.

તમે હિન્દી ફિલ્મો, વેબસિરીઝ કરવા તૈયાર છો?
નેત્રી: એકટર તો લાલચુ જ હોવાના. ભાષા કોઇપણ હોય સારી ભૂમિકા મળે તો હું કરવા તૈયાર છું. ચાહે તે મરાઠી હોય, સાઉથની કે હિન્દી ભાષામાં હોય.
તમે તમારી અભિનય પ્રતિભા નિખારવા શું કરો છો?
નેત્રી: નાટક તો ઉંમરના પાંચ વર્ષથી કરું છું જે મને ઉચ્ચારણ કેળવવામાં મદદ કરે છે. ભાષાના કેટલા સ્તર હોય તે સમજુ છું. મેં મધુરાયનું ‘ઝેરવું’ નાટક કરેલું. એવા નાટક કરો તો આપોઆપ ભાષા સુધરે. થિયેટરે મને શીખવ્યું છે કે, પાત્ર કેવી કેવી રીતે ઘડવું. ‘૨૧મું ટિફીન’ વખતે વર્કશોપ કર્યો ત્યારે મને મારા પાત્ર વિશે નિબંધ લખવા કહેવાયેલું ને આ રીત પાત્રની નજીક આવી. એક જ પટકથા ૧૦ વાર વાંચો તો તેમાં નવું નવું મળશે. અભિનયના રિયાઝ માટે તો થિયેટર જ છે. હું વાર્તા, નવલકથા પણ વાંચુ છું ને જોરથી વાંચુ જેથી ભાષા ઉચ્ચારણ પણ કેળવાતા રહે. ફિલ્મો સતત જુઓ તો પણ સમજાય કે આ માધ્યમ શું અપેક્ષા રાખે છે.
તમને જે કામ કરવા મળ્યું તેનાથી સંતોષ છે?
નેત્રી: હજુ તો આરંભ છે અને લેખક – દિગ્દર્શક, સહ કળાકારો સાથેની અમારી આ સહયાત્રા છે. પ્રેક્ષકો અમારી પાસે નવી અપેક્ષા રાખી રહ્યા છે એ સૌથી સારી ઉત્તેજક બાબત છે. અમે અમારા કામથી હજુ નવી ઉત્તેજના ઉમેરીશું તો આનંદ થશે.

Most Popular

To Top