Sports

સાઉથ આફ્રિકાની શર્મનાક હાર: 327ના ટાર્ગેટ સામે 83 રન પર જ ધરાશાયી, રવિન્દ્ર જાડેજાએ લીધી 5 વિકેટ

વર્લ્ડકપ 2023ની દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતે 243 રને જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર રહેશે. ભારતની જીતમાં વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત 8મી જીત છે. રવિન્દ્ર જાડેજાએ સાઉથ આફ્રિકા માટે તેની વર્લ્ડ કપ કારકિર્દીની પ્રથમ પાંચ વિકેટ ઝડપી હતી. તેણે રબાડાને આઉટ કરતાની સાથે જ આ મેચમાં તેની પાંચમી વિકેટ લીધી હતી.

ભારતે એકતરફી મેચમાં દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવીને વન-ડે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત નોંધાવી છે. આ સાથે જ ભારતે પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર રહેવાનો જાણે નિર્ધાર કર્યો છે. હવે જ્યારે ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે ત્યારે સેમિફાઈનલમાં ભારતનો સામનો પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવનાર ટીમ સાથે થશે. જણાવી દઈએ કે ભારતે 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં સતત આઠ મેચ જીતી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2003 વર્લ્ડ કપમાં સતત 8 મેચ જીતી હતી.

વિરાટ કોહલીના 49મી સદીના રેકોર્ડ બાદ ભારતના બોલરોએ પણ સાઉથ આફ્રિકાના બેટ્સમેનો પર દબાવ બનાવ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ટોસ જીત્યા બાદ ભારતે ટોસ જીતીને 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. કોહલીએ અણનમ 101 રન બનાવી સચિન તેંડુલકરના 49 ODI સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી.

જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 100 રન પણ બનાવી શકી ન હતી. સાઉથ આફ્રિકા 27.1 ઓવરમાં 83 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી અને કુલદીપને 2-2 વિકેટ મળી હતી જ્યારે મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી.

Most Popular

To Top