Vadodara

શહેરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો, તંત્રે રાહતનો શ્વાસ લીધો

વડોદરા: વડોદરા શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.જેના કારણે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ,મેડિકલ પેરામેડીકલ સ્ટાફ સહિત નગરજનોએ હાશકારો અનુભવ્યો છે.રાત્રી દરમિયાન સતત એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠતા રાજમાર્ગો પણ હવે સુમસામ બન્યા છે.ત્યારે શહેરની સમરસ કોવિડ હોસ્પિટલ આગામી સમયમાં બંધ કરવામાં આવશે હોવાની માહિતી સાંપડી હતી.

વડોદરા શહેરમાં કોરોનાની બીજી લહેર દરમિયાન કોવીડ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો. તેમાંય કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યામાં પણ પહેલાં લહેરની સરખામણીએ વધારો જોવા મળતા શહેરીજનોની ચિંતામાં વધારો થયો હતો.એપ્રિલ તથા મે મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન કોરોનાના દર્દીઓના કેસોમાં એકાએક ઉછાળો નોંધાયો હતો.પરંતુ ત્યારબાદ ક્રમશઃ સતત કેસોની સંખ્યામાં ઘટાડો થયો હતો.તેની પાછળનું કારણ લોકોમાં જાગૃતિ તથા તંત્ર દ્વારા આંશિક લોકડાઉન સાથે રાત્રિ કરફ્યુના અમલને કારણે કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો.એક તબક્કે શહેરની તાત્કાલિક ઉભી કરવામાં આવેલ સમરસ કોવીડ હોસ્પિટલ કે જે દર્દીઓ તથા તેઓના પરિવારજનોથી હાઉસ ફુલ થઈ હતી.આ ઉપરાંત રાતદિવસ સતત દોડતી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સનના સાયરનથી વાતવરણ ગુંજી ઉઠતા વિસ્તારના રહીશોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.જ્યારે પંડ્યાબ્રિજનો સમગ્ર રસ્તો તથા સમરસ હોસ્પિટલ સૂમસામ ભાસી રહ્યું  છે.

હોસ્પિટલમાં એકલ દોકલ લોકો તથા સુરક્ષાકર્મીઓ નજરે પડી રહ્યા છે. સમરસ હોસ્પિટલ પાસે દર્દીઓના સબંધીઓની ભીડ જ્યાં થતી હતી.ત્યાં પણ હવે એકાંત માહોલ સર્જાયો છે. ત્યારે કોવિડ સલાહકાર ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થતાં તંત્ર તથા જનતાએ હાશકારો અનુભવ્યો છે.સાથે જ બીજી લહેર વચ્ચે સતત રાતદિવસ ફરજ બજાવતા પ્રથમ હરોળના કોરોના યોધ્ધાઓ ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફને પણ હવે આરામ મળશે અને ટૂંકમાં જ સમરસ કોવીડ હોસ્પિટલ પણ બંધ કરાશે.

કોરોનાં પોઝિટિવના કુલ દર્દીઓની સંખ્યા 70,843

કોરોનાં પોઝિટિવના વધુ 152 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 70,843 ઉપર પહોંચ્યો છે.જ્યારે મંગળવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે 1 મરણ નોંધાતા મોંતની સંખ્યા 619 પર પહોંચી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 5,241 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 152 પોઝિટિવ અને 5,089 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 3,728 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

મ્યુકોરમાઈકોસિસના નવા 11 કેસ નોંધાયા

શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 6 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 5 દર્દીઓ સાથે કુલ આંક 330 પર પહોંચ્યો હતો.જ્યારે એસેસજીમાં 30 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.જ્યારે 14 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી.મંગળવારે સારવાર દરમિયાન 2 દર્દીઓના મોત થયા હતા.એસએસજીમાં મ્યુકરમાઈકોસિસના વધુ 6 દર્દીઓ નોંધાયા છે.જેથી અત્યાર સુધીનો કુલ આંક 230 પર પહોંચ્યો છે.દિવસ દરમિયાન 30 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલેકે દુરબીનથી નાકની અંદરની સર્જરી 10 જ્યારે 25 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી.જેમાં 2 દર્દીની આંખો કાઢવામાં આવી હતી.

Most Popular

To Top