Madhya Gujarat

વિશ્વ પર્યાવરણ દિને કલેક્ટરે કચેરી પ્રાંગણની સફાઇ કરી

દાહોદ: વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે શ્રમદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અવસરે કલેક્ટર શ્રી વિજય ખરાડીની રાહબરી હેઠળ અહીંની વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ જિલ્લા સેવા સદનને ચોખ્ખુંચણાક કરી નાખ્યું હતું. અત્રેના પ્રાંગણમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃકતા આવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે અત્રેની જિલ્લા સેવા સદન ખાતેની વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓએ જિલ્લા સેવા સદનના પરિસરને ચોખ્ખું કરીને સ્વચ્છતાનો સંદેશો આપવા માટે વહેલી સવારે ૮ વાગે અહીં એકઠા થયા હતા અને વિવિધ ટીમ બનાવીને જિલ્લા સેવા સદનનો ખૂણેખૂણો સાફ કરી નાખ્યો હતો. કલેક્ટર શ્રી વિજય ખરાડી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ આ સેવાયજ્ઞમાં ઉત્સાહપૂર્વક જોતરાયા હતા.

જિલ્લા સેવા સદન ખાતેના પરીસર ખાતે કર્મયોગીઓએ પર્યાવરણ દિન નિમિત્તે રોપાઓ વાવીને વધુને વધુ વૃક્ષો વાવવા માટેનો સંદેશો આપ્યો હતો. આ ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે પણ પર્યાવરણ દિન નિમિત્તે પ૦૦ જેટલા રોપાઓ વાવમાં આવ્યા છે. તેમજ તુલસી જેવા ઔષધિય રોપાઓ પણ લોકોમાં વહેચવામાં આવ્યા હતા.

Most Popular

To Top