Charchapatra

વિલ-વસિયતનામું સાંપ્રત સમયમાં જરૂરી

આમ જોવા જઈએ તો ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગને વિલ’ બનાવવાની જરૂરીયાત હોતી નથી. કોઈપણ વ્યકિતના જીવનકાળ દરમ્યાન પોતે ઊભી કરેલી આર્થિક મૂડી અને આ સ્થાવર અને જંગમ મિલકત નો કબજો પણ પોતાનો હોય છે. જીવન કાળ દરમ્યાન ઉપભોક્તા પોતે હોય જ, પણ પછી શું? આ ઈચ્છા ના લેખિત રૂપ નાં દસ્તાવેજ ને આપણે વિલ – will ‘તરીકે ઓળખીએ છીએ. જેનું નિયમન ઈન્ડિયન સકસેસન એકટ – ભારતીય વારસાધારો સેકશન-5 હેઠળ થાય છે. સમાજ માં ઘણાં એવાં કિસ્સા જોવા મળે છે કે વ્યકિત એ પોતાના જીવન કાળ દરમ્યાન જે મિલકત એકત્ર કરી હોય અને એની યોગ્ય ગોઠવણ કરી ન હોય ત્યારે તેનાં મૃત્યુ પછી વારસદારો માં તકરાર થાય છે, તેથી દરેકે વિલ બનાવવું જોઈએ. આ લખાણ પર વ્યકિત ની પોતાની સહી અને બે સાક્ષીની સહી અનિવાર્ય છે. વિલ જો રજીસ્ટરર્ડ કરાવેલું હોય તો વધુ સારું. વિલ માં વ્યકિત ની હયાતી દરમ્યાન ફેરફાર પણ શકય છે. આ અંગેની સમજ આપતાં પુસ્તકો પણ ઉપલબ્ધ છે. દરેક વ્યકિત એ આ દિશામાં વિચારી સંબંધિત માહિતી મેળવવી જોઈએ.
સુરત     – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પ્રિન્સિપાલ કે સી મહેતાની અનોખી સેવા

પ્રિન્સિપાલ કે સી મહેતાની જન્મ શતાબ્દીના વર્ષ ની ઉજવણી થઈ રહી છે. તેમની જુદી જુદી સિદ્ધિઓ અને સેવાઓની નોંધ લેવાઈ રહી છે પણ કેટલીક અનોખી સેવાઓની ભાગ્યે જ કશે નોંધ લેવાય છે. આજથી લગભગ 30 -35 વર્ષ પહેલા સુરત ખાસ કરીને વાહનોની સગવડ માટે રાંક હતું વિમાની મથકની વાતો હજી હવામાં ઉડતી હતી અને સુરત તબીબી સેવાને ક્ષેત્રે હજી ઘણું પાછળ હતું. તે સમયે વાહન અકસ્માતમાં કોઈને માથામાં ઇજા થાય તો સારવાર માટે મુંબઈ કે અમદાવાદ જવું પડતું અને ત્યાં જવામાં મુસાફરીનો જે સમય લાગે તેમાં દર્દી માટે ઘણો કિંમતી સમય વેડફાઈ જતો હતો. આચાર્યશ્રી મહેતાએ ગુજરાતમિત્રની તેમની કોલમ શિક્ષણ અને સંસ્કારને સમસ્યાઓમાં લખ્યું હતું કે સુરતને ન્યુરોસર્જરીની સારવાર ની સગવડ ઘર આંગણે મળે તો ઘણી કીમતી જિંદગીઓ બચી શકે. તેમના આ લખાણને પગલે સુરતમાં ન્યુરોસર્જન ડો પ્રદીપ પેઠેની સેવાઓનો પ્રારંભ થયેલો એમ જાણવા મળ્યું અને ત્યાર પછી સુરતમાં ન્યુરોરોસર્જનોની સેવાઓ સુલભ બની છે. અઠવા ગેટ થી પીપળોદ સુધી ક્યાંય પણ સિનેમા થિયેટર બને તો શાળા કોલેજોના વિદ્યાર્થીઓ અભ્યાસના ભોગે સિનેમા જોવા જાય એવો વાજબી વાંધો રજુ કરી તેવો કહેતા કે આખો વિસ્તાર અનેક શાળા કોલેજો ધરાવે છે માટે એમણે પોતે જીવ્યા ત્યાં સુધી આ બાબતમાં ઝનૂનપૂર્વક ભાવનાત્મક લડત આપી. તેઓ આ શહેરના સાંસ્કૃતિક રખેવાળ હતા પણ આપણા સમાજના સંસ્કાર પર ક્યાંય પણ હુમલો થાય તો તેની સામે લડત તેઓ હંમેશા તૈયાર રહેતા. આજે આપણી પાસે છે કોઈ આવી વ્યક્તિ?
સુરત     – ડો. રિધ્ધીશ જોશી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top