Feature Stories

ચૂંટણીના આ રમુજી વાયદા શું નેતાઓને કરાવે ફાયદા?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને હવે ગણતરીના જ દિવસો બાકી હોવાથી સુરતમાં પણ દરેક પાર્ટીઓ ઢોલ નગારા સાથે સભાઓ અને રેલીઓ યોજીને પોતાનો પક્ષ જીતે એ માટે મતદારોને રીઝવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે, ને મતદારો પોતાના પક્ષમાં જ મતદાન કરે એ માટે અવનવા વાયદાઓનો મારો ચલાવી રહ્યા છે. જો કે આપેલા વાયદાઓ કેટલા પૂરા થાય છે એ તો ઉમેદવારો અને મતદાતાઓ જાણતા જ હોય છે પણ તેમ છતાં ઉમેદવારો કોઈ પણ કચાસ બાકી રાખવા નથી માંગતા. જો કે આ માહોલ વચ્ચે શહેરીજનોને પણ જાણે ગોસિપનો એક નવો મુદ્દો મળ્યો હોય એમ તેઓ પણ પોતાના ગૃપ્સ કે મિત્રોમાં આ અંગે ચર્ચા કરતાં કે પછી કોઈપણ પાર્ટીની લાગણીને ઠેસ ન લાગે એમ પોતાની રીતે રમૂજી વાયદાઓ બનાવીને મજા લઈ રહ્યા છે. જો કે આ મસ્તી વચ્ચે પણ તેઓ લોકશાહીનો ઉપયોગ કરીને મતદાન કરવા મક્કમ છે. તો આવો આપણે પણ તેમના ફની વાયદાઓની મજા લઈએ.

15 ફૂટ ઉંચી ફૂટપાથ કેવી હોય ? : પિયુષ લશ્કરી
બિઝનેસમેન પિયુષભાઈ લશ્કરી જણાવે છે કે, ‘હાલમાં શહેરમાં જ્યાં જુઓ ત્યાં અલગ અલગ પાર્ટીના નેતાઓ પ્રચાર કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે મને એક નેતાનો વાયદો યાદ આવે છે કે ભૂતકાળમાં િરંગરોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાની નિવારવા ફૂટપાથની માંગણી કરવામાં આવી હતી. ત્યારે એક નેતાએ કહ્યું હતું કે, હું 15 ફૂટ ઊંચી ફૂટપાથ બનાવી આપીશ. તો એ વિચારીને આજે પણ હસવું આવે છે કે નેતાને ખબર નથી કે 15 ફૂટ ઊંચી ફૂટપાથ કેવી રીતે હોય શકે. અમે તો ભૂતકાળમાં કરવામાં આવેલા વાયદાઓ યાદ કરીને મજાકમાં એવું પણ કહી દઈએ છીએ કે હવે તો ટ્રાન્સપોર્ટ ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવે તો પણ નવાઈ નહીં. જો કે આ તો ફકત મજાકની વાત છે પણ પહેલાના પ્રમાણમાં આજે દેશનું નામ ખાસ્સું ઉપર આવ્યું છે અને વિદેશમાં પણ આપણાં દેશની એક ઓળખ બની છે,જેથી આવા વાયદાઓને હસી કાઢીને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કરતાં હોય છે અને હું પણ કરીશ જ.

મર્યા પછી પણ આધુનિક સગવડ: બંસરી દેવમુરારી
બંસરી દેવમુરારી જણાવે છે કે, ‘હું વર્કિંગ વુમનની સાથે એક હાઉસ વાઈફ પણ છું એટલે ઘર ચલાવવાની જવાબદારી મારા પર આવતી હોય છે ત્યારે હાલમાં જ જ્યારે ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે જેથી આ દરમિયાન તેમના વાયદાઓ સાંભળવા મળતા હોય છે ત્યારે અત્યારના વાયદાઓ તો ક્યારે પૂરા થશે એ તો એક સવાલ છે. પરંતુ અેક નેતાએ ભૂતકાળમાં આધુનિક સ્મશાન બનાવવાનો વાયદો કર્યો હતો. જે સાંભળીને હસવું કે રડવું એ જ સમજ નહીં પડતી હતી. શું મર્યા પછી પણ આધુનિક સગવડની જરૂર પડતી હશે? જેથી અમે સ્ટાફની મહિલા કર્મચારીઓમાં તો આ મુદ્દે અમે એવી મજાક પણ કરી લઈએ છીએ કે, હવે પછી તેઓ તમામના ઘરે પેટ્રોલ માટે મફત પાઇપ લાઇન નાંખવાની જાહેરાત કરી દે તો પણ નવાઈ નહીં.’

ફ્રીમાં ફિલ્મો બતાવવાની કરી હતી જાહેરાત: સુનિલ શાહ
નિવૃત્ત આચાર્ય રહી ચૂકેલા સુનિલભાઈ શાહ જણાવે છે કે, ‘અત્યાર સુધીમાં મેં તો દરેક ચૂંટણીમાં ભ્રષ્ટાચાર દૂર કરવાના, વેરો ઘટાડવાના, પ્રદૂષણ મુક્તિના વગેરેના એવા એવા વાયદાઓ સાંભળ્યા છે કે હસવું ખાળી શકાય નહીં. AIADMK ના નેતા જયલલીતાએ પોતાના મેનીફેસ્ટોમાં જાહેર કર્યું હતું કે, જો તે જીતશે તો NT રામારાવની દરેક ફિલ્મો ફ્રીમાં બતાવશે. ત્યારે આજે જ્યારે ચૂંટણીનું વાયદા બજાર ફૂલ્યું ફાલ્યુ છે ત્યારે અમે સિનિયર સિટીઝનો પણ આ વાયદાઓને લઈને હળવી મજાક કરી લઈએ છીએ કે, વખતે સિનિયર સિટીઝનને આકર્ષવાના ચક્કરમાં એવું તો નહીં કહી બેસે ને કે, જો અમે જીતીશું તો સિનિયર સિટીઝનોને ફ્રીમાં ફરવા માટે લઈ જઈશું અને સાથે જો બહેનો પણ હશે તો તેમને શોપિંગ કરવાની છૂટ આપવામાં આવશે.’

ચૂંટણી વાયદા…
સાવ ખોટું બોલવાના ક્લાસ ખોલો ચૂંટણી છે,
વાયદાઓ આપવાના ક્લાસ ખોલો ચૂંટણી છે.
રાત દાડો બ્હાર પડતા જાય છે કૌભાંડ મોટા,
કાંડ સૌના ઢાંકવાના ક્લાસ ખોલો ચૂંટણી છે.
આપણા માટે છે સરખા સૌ કમળ પંજો કે ઝાડું,
ફાયદાઓ શોધવાના ક્લાસ ખોલો ચૂંટણી છે.
ભાષણો તો આપશે એવા કે જાણે એ જ ઈશ્વર,
દિવસે તારા દોરવાના ક્લાસ ખોલો ચૂંટણી છે.
સ્વચ્છતા અભિયાન ના નામે ચરી ખાતા ભલે પણ,
ગંદવાડો રોકવાના ક્લાસ ખોલો ચૂંટણી છે.
કાયદો, GST નાટો, નોટબંધી ને અનામત,
આ બધું સમજાવવાના ક્લાસ ખોલો ચૂંટણી છે.
જીતવા માટે તમારે નેક કામો કરવા પડશે,
ટોઈલેટો બાંધવાના ક્લાસ ખોલો ચૂંટણી છે.
એ ભલે બાંયો ચડાવી ને લડે છે સીટ માટે,
આપ તળિયા ચાટવાના ક્લાસ ખોલો ચૂંટણી છે.
પ્રશાંત સોમાણી

કેદીઓને વળી આધુનિક સગવડ? : હેતલ રાઠોડ
હેતલ રાઠોડ જણાવે છે કે નેતાઓના વાયદાઓ પણ કોઈ જોકથી કમ નથી લગતા કારણ કે ભૂતકાળના અનુભવો છે કે મફત ઘર અને વીજળી તથા મોંઘવારી દૂર કરવાના વાયદાઓ આપવામાં આવ્યા હતા. જ્યારે આ વખતે વળી બીજા નવા લોભામણા વાયદાઓ સાંભળી રહ્યા છીએ. ત્યારે એક વાયદો યાદ કરીને આજે પણ નવાઇ લાગે છે. જેમાં એક નેતા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, જો તે જીતશે તો કેદીઓને જેલમાં આધુનિક સગવડો ઊભી કરી આપશે તો જે પોતાના ગુના માટે સજા કાપી રહ્યાં છે, એના માટે વળી આધુનિક સગવડ કેવી? ત્યારે અમારા લેડીસ ગ્રૂપમાં પણ આજકાલ તો ફેશનની વાતો સાથે સાથે તો અમને આ વાયદાઓનો નવો મુદ્દો મળ્યો છે જેથી અમે તો હસવામાં હવે એવું પણ કહેતા થઈ ગયા છે કે, હવે આ લોકો એવું તો નહીં કહો ને કે, જો અમે જીતીશું તો રાંધણગેસ અને સાથે શાકભાજી ફ્રી આપીશું.’ જો કે મતદાન કરવું એ આપણો હક અને ફરજ છે એટલે મતદાન તો કરીશ જ.

Most Popular

To Top