Feature Stories

સુરતી બોયઝ અને મેનમાં દાઢી-મૂછ સ્ટાઈલ આ રીતે બન્યા લાઈફ સ્ટાઈલનો એક ભાગ

એ સમય ગયો જ્યારે માત્ર મહિલાઓ બ્યુટીપાર્લરમાં જઈને પોતાના લુકને આકર્ષક બનાવવા માટે હજારો રૂપિયા ખર્ચ કરતી હતી જોકે આજે પણ યુવતીઓ અને મહિલાઓ પોતાના રૂપને નિખારવા માટે બ્યુટીપાર્લરમાં ખર્ચો કરે જ છે. લેડીઝ હેર સટાઈલ અને પિયરસિંગ પણ કરાવી લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. પણ હવે તો સુરતી બોયઝ એન્ડ મેન પણ પોતાના લુકને એટ્રેકટિવ બનાવવા માટે પાછળ નથી રહ્યા તે પણ પોતાના લુકને લઈને કોન્શ્યસ થયા છે. સારા દેખાવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી પુરુષોમાં લોકોનું ધ્યાન ખેંચે એવી દાઢી-મૂછ રાખવાનો ટ્રેન્ડ વધી ગયો છે. આ કારણે જ માત્ર બિયર્ડ કેર પ્રોડક્ટ્સ બનાવવાનો વેપાર 100 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. બોલીવુડના સ્ટાર અને ક્રિકેટર્સ દ્વારા શરૂ કરાયેલો આ ટ્રેન્ડ સ્ટાઈલ સ્ટેટમેન્ટ તો બન્યો જ છે સાથે-સાથે લાઈફ સ્ટાઇલ પણ બન્યો છે. 90ના દાયકાની વાત કરીએ તો ત્યારે ક્લીન શેવને સ્ટાઈલ સ્ટેટમેન્ટ માનવામાં આવતું હતું. તો ચાલો આજે જાણીએ આ ટ્રેન્ડ વિશુ…

સ્કિનને ટાઈટ રાખતી હોવાથી જલ્દી વૃદ્ધ નથી દેખાતા
દાઢીના વાળ ચેહરાને ખેંચીને રાખતા હોવાથી સ્કિન ટાઈટ રહે છે અને યુવકો જલ્દી ઘરડા નથી દેખાતા. વળી, દાઢી રાખવાથી ખીલથી અને ધૂળ-માટીથી બચી શકાય છે, સ્કિન ઇન્ફેક્શન અને તડકાથી બચી શકાય છે.

ફિલ્મ સ્ટાર અને ક્રિકેટર્સ ને ફોલો કરે છે
બોલીવુડમાં ટ્રેન્ડ બદલાય તેમ લોકોની માનસિકતા બદલાય છે. 1990ના દશકની વાત કરીએ તો સિનેમાના પડદા પર આવનાર દરેક હીરો ક્લીન શેવ રહેતા પણ હવે લગભગ દરેક સ્ટાર બિયર્ડ લૂક મેન્ટેન કરતા દેખાય છે. દાઢી-મૂછ મર્દાનગીની નિશાની ગણાતી હોવાથી ફિલ્મ સ્ટાર અને ક્રિકેટર દાઢી રાખતા દેખાય છે અને તેમના ફેન તેમને ફોલો કરતા હોય છે. ફિલ્મ સ્ટાર રણવીર સિંહ, શાહિદ કપૂર, રણબીર કપૂર, KGF ફિલ્મના યશ, પુષ્પાના અલ્લુ અર્જુન, આયુષ્યમાન ખુરાના, કાર્તિક આર્યન, ક્રિકેટરમાં વિરાટ કોહલી, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા,વેબ સિરીઝમાં પંકજ ત્રિપાઠી, નવાઝુદ્દીન સિદ્દીકી તો ગુજરાતી ફિલ્મોના એકટર મલ્હાર ઠાકર, યશ સોનીની બિયર્ડ સ્ટાઇલને સુરતી બોયઝ અને પુરૂષો ફોલો કરે છે.

મૂછોને મર્દાનગીની નિશાની માનનાર મૂછોને વળ ચઢાવે છે
યંગ બોયઝ લાઈટ મૂછો રાખે છે અને જેઓ મૂછોને શાન અને મર્દાગીની નિશાની માને છે તેઓ મૂછો લાંબી અને વળ ચઢાવેલી રાખે છે. ફેશન પ્રિય પુરુષો દાઢી-મૂછ રાખે છે તો કોર્પોરેટ ક્ષેત્રની વ્યક્તિ લાંબી દાઢી-મૂછ નથી રાખતા. હવે તો દાઢીમાં આલ્ફાબેટ કે પસંદની વ્યક્તિના નામનો ફર્સ્ટ લેટર રાખવાનો ટ્રેન્ડ પણ જોવા મળે છે.

35થી વધુ ઉંમરની વ્યક્તિઓ દાઢીને ગ્લોબલ કલર કરાવે છે: મહેબૂબ ખાન
અડાજણ વિસ્તારના એક મેન્સ સલૂનના સંચાલક મહેબૂબ ખાને જણાવ્યું કે, 35થી વધુ ઉંમરની વ્યક્તિઓમાં સફેદ વાળ દેખાવા લાગે છે તેઓ દાઢીને કલર કરાવે છે ગ્લોબલ કલર પણ કરાવે છે. 20-25 વર્ષના યુવકો દર 15 દિવસે બિયર્ડને ટ્રિમ કરાવે છે. તો 25થી વધુ ઉંમરના દર મહિને ટ્રિમ કરાવે છે અને 35થી વધુ ઉંમરના દર અઠવાડિયે કલર ટચઅપ કરાવે છે અને ટ્રીમિંગ કરાવે છે.

દાઢીની ત્વચાને સોફ્ટ રાખવા રોજ બિયર્ડ ઓઇલ લગાવું છું: પાર્થ રાશિવાલા
સિંગર પાર્થ રાશિવાલાએ જણાવ્યું કે હું છેલ્લાં 8 વર્ષથી બિયર્ડ રાખવાનું પસંદ કરું છું. રોજ આફ્ટર શાવર દાઢી પર બિયર્ડ ઓઇલ લગાવું છું જેનાથી દાઢીની ત્વચા સોફ્ટ રહે છે અને વાળને નરમ રાખે છે. વળી ત્વચાને હાઈડ્રેટ કરે છે. ત્વચાને પ્રાકૃતિક રીતે મોશ્ચરાઇઝ કરે છે. પાર્થનું કહેવું છે કે તેની દાઢી થોડીક વિરાટ કોહલી જેવી છે.

Most Popular

To Top