Comments

નવી સરકાર નવું શિક્ષણ મોડેલ લાવી શકશે…?

સ્વામી વિવેકાનંદ શિક્ષણની વ્યાખ્યા આપતાં કહે છે: ‘માનવીની સંપૂર્ણ વ્યકિતમત્તાનું પ્રકટીકરણ એટલે શિક્ષણ.’ રવીન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ એટલે- ‘સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યકિત અને સત્યની સ્વીકૃતિ.’ ગાંધીજીના મતે શિક્ષણ એટલે- ‘બાળકના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ.’ શિક્ષણની કેટલી મૂલ્યવાન અને આદર્શ વ્યાખ્યાઓ છે આ! વાંચવી, સાંભળવી અને લખવી ગમે એવી છે ને? હવે આજના વાસ્તવિક શિક્ષણના સંદર્ભે ઉપરોકત વ્યાખ્યાઓ તપાસીએ.

આજના શિક્ષણ દ્વારા શું બાળકોનું વ્યકિતત્વ સોળે કળાએ ખીલી ઊઠે છે ખરું? શિક્ષણ દ્વારા સત્યની સનાતન ખોજ થાય છે ખરી? અરે… ખોજને તડકે મૂકો, સત્ય પણ અભિવ્યકત થાય છે ખરું? આટલાં વર્ષો પછી પણ શિક્ષણ દ્વારા બાળકના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશો બહાર લાવી શકયા છીએ ખરા? હવે જો ઉપરોકત પ્રશ્નોના ઉત્તર ‘ના’ માં મળતા હોય તો આવી ઉચ્ચ, આદર્શ વ્યાખ્યાઓ શા કામની? વ્યવહારુ જગતમાં ઉપયોગી સાબિત ન થાય તો તેનું પ્રયોજન શું? આજના સંદર્ભમાં શિક્ષણની વાસ્તવિકતા, દશા અને દિશા તપાસીશું તો ચિંતા ઉપજાવે એવું ચિત્ર ખડું થાય છે.

આ ચિંતા આમ જનતાની જ છે શું? સરકારની નથી? સરકારને શિક્ષણની કશી જ પડી નથી એવું તો નહિ કહી શકાય. સરકાર વિવિધ શિક્ષણ પંચો નીમે છે. શિક્ષણ શાસ્ત્રીઓ, શિક્ષકો અને વાલીઓ પાસેથી અભિપ્રાયો મેળવે છે અને એક સર્વમાન્ય, સર્વગ્રાહી શિક્ષણનીતિ લાગુ પાડે છે. NEP-2020 (National Education Policy-2022) આનું જ એક ઉદાહરણ છે તેથી સરકારનો સંપૂર્ણ વાંક કાઢી શકાય તેમ નથી. વિચારવાનું એ રહે છે કે આટઆટલાં પંચો, ભલામણો, આયોજનો અને અમલીકરણ છતાં શિક્ષણમાં ઠેરના ઠેર કેમ? આપણાં આયોજનો કેમ સફળ થતાં નથી? આપણાં ટૂંકા કે લાંબા ગાળાના શૈક્ષણિક પ્રોજેકટો કેમ અટવાય છે? કોઇ પણ પક્ષને દોષ દીધા વિના આપણે વિચારીશું તો તેનાં કારણો અને ઉપાયો જરૂર મળી જશે.

વર્ષોથી શિક્ષણનો આદર્શવાદી હેતુ સારો માણસ બનાવવાનો રહ્યો છે. આજે પણ છે. એવો માણસ જે સમાજના અને રાષ્ટ્રનાં માન્ય ધોરણો, નીતિ-નિયમો અને મૂલ્યો સાથે જીવતો હોય અને આદર્શો, મૂલ્યોનું સંવર્ધન કરતો હોય. આજે આપણે ડોકટર, એન્જીનિયર, એડવોકેટ, શિક્ષકમાં સારો માણસ શોધીએ છીએ. આપણને ડોકટરની જરૂર છે એ સાચું પરંતુ તે સાથે પોતાના ક્ષેત્રમાં સજ્જ ડોકટરની વિશેષ જરૂર છે. એવી જ જરૂર ઉમદા એન્જીનિયરની છે, આદર્શ એડવોકેટ કે શિક્ષકની છે. અહીં જે સારો, ઉમદા, આદર્શ જેવાં વિશેષણો પ્રયોજયાં છે તે સારા માણસનાં ગૃહિતો છે. આજકાલ સારો માણસ દીવા સ્વપ્ન જેવો છે! કેમકે સારાપણાની વ્યાખ્યા જ બદલાય ગઇ છે!

આ વાત બાજુએ મૂકીને વિચારીએ તો શિક્ષણનો એક બીજો, ટૂંકા ગાળાનો વ્યવહારુ હેતુ પણ છે અને તે છે, વ્યકિતને સક્ષમ, કુશળ અને સફળ વ્યાવસાયિક બનાવવો. જેથી તે પોતાનું જીવન સ્વાવલંબનથી સુખ રૂપે જીવી શકે અને રાષ્ટ્રનો ઉત્પાદક નાગરિક બની રહે. શિક્ષણનો આ હેતુ કેટલેક અંશે સફળ થતો લાગે છે.કેમકે સમાજને ડોકટર, એન્જીનિયર, એડવોકેટ, શિક્ષક મળે છે જે વ્યાવસાયિક રીતે સફળ પણ રહે છે. તેમનામાં જે ખૂટે છે તે માણસ નામનું તત્ત્વ ખૂટે છે. કોઇ ઉપાય ખરો? જે ડબલ એન્જીનની નવી સરકારને સૂચવી શકાય? ચાલો, થોડું ચિંતન કરીએ.

પ્રત્યેક શાળામાં શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન કેન્દ્રો ઊભાં કરી શકાય. આવાં કેન્દ્રોમાં વિદ્યાર્થીઓની અભિયોગ્યતા, વલણ, રસ, કૌશલ્યો જાણવા માટેની મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરી તેમનામાં છૂપાયેલી વિવિધ ક્ષમતાઓનું માપન કરી શકાય. તેની સાથે બોર્ડનાં પરિણામોનું વિશ્લેષણ કરી તેમને વ્યકિતગત ધોરણે શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન પૂરું પાડી શકાય. આવું કેટલીક શાળામાં થતું પણ હોય છે પરંતુ તે વ્યાપક ધોરણે તમામ શાળામાં થવું જોઇએ.

વિદ્યાર્થીઓનું આ પ્રમાણે વિશ્લેષણ કરી તેઓ કઇ વિદ્યાશાખામાં શ્રેષ્ઠ દેખાવ કરી શકે તેનું અનુમાન કરી તેમને તેમની ક્ષમતા અને કૌશલ મુજબ, સરકારી રાહે ચાલતી શ્રેષ્ઠ વ્યવસાયલક્ષી કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે અને વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેનો તમામ ખર્ચ સરકાર ભોગવે. આવા ઉચ્ચ ગુણવત્તાવાળા વિદ્યાર્થીઓને રાષ્ટ્રની સંપત્તિ ગણવામાં આવે અને તે માટે કરવામાં આવતો ખર્ચ રાષ્ટ્રનું ઇન્વેસ્ટમેન્ટ છે એમ માનવામાં આવે. તેમને વિશ્વ કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવામાં આવે અને અભ્યાસને અંતે જોબની ગેરંટી પણ સરકાર જ આપે. જેથી આપણું શ્રેષ્ઠ યુવાધન આપણાં રાષ્ટ્રમાં જ રહેશે અને દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે મૂલ્યવાન સાબિત થશે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પાંચ વર્ષ એમને રાજયના વિવિધ ગ્રામવિસ્તારોમાં ઇન્ટર્નશીપ માટે મોકલવામાં આવે અને તેને સ્ટાયફંડ આપવામાં આવે. તબીબ ક્ષેત્રે આ થઇ રહ્યું છે.

ટૂંકમાં શિક્ષણના શરૂઆતના તબક્કાથી જ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની પસંદગી, શ્રેષ્ઠ શિક્ષણ, શ્રેષ્ઠ તાલીમનું આયોજન જડબેસલાક રીતે જો સરકાર દ્વારા થાય તો, શ્રેષ્ઠ વ્યાવસાયિકો રાષ્ટ્રને મળી શકે. આવું જ વૈજ્ઞાનિકો માટે પણ વિચારી શકાય. સંશોધન ક્ષેત્રે, અન્ય વિકસિત રાષ્ટ્રોની તુલનામાં આપણે ઘણાં પાછળ છીએ. તેથી ભાવિ વૈજ્ઞાનિકો માટે એક અદ્યતન, અલાયદી યુનિવર્સિટી ઊભી કરી તેમાં તમામ પ્રકારના પ્રયોગો અને સંશોધનોની સુવિધા ઊભી કરી શકાય. આ વાત ચુનંદા, ગુણવત્તાયુકત, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ માટે થઇ. તે સિવાયના મધ્યમ અને નિમ્ન ગુણવત્તા અને ક્ષમતાવાળા વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન, બુધ્ધિમત્તા, ક્ષમતા અને રસનાં ક્ષેત્રો મુજબ તેમને માટે વ્યવસાયલક્ષી વૈકલ્પિક શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી શકાય.

ખેતીનું ક્ષેત્ર, આઇ.ટી.નું ક્ષેત્ર, મત્સ્ય ઉદ્યોગનું ક્ષેત્ર, ડેરી અને ટેકનોલોજીનું ક્ષેત્ર, સંરક્ષણનું ક્ષેત્ર, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું ક્ષેત્ર, હોટલ મેનેજમેન્ટનું ક્ષેત્ર, તબીબી ક્ષેત્ર આવા વિવિધ પ્રકારનાં ક્ષેત્રોમાંથી વિદ્યાર્થીઓને કયા ક્ષેત્રમાં સવિશેષ રુચિ છે તે મનોવૈજ્ઞાનિક અને વ્યવસાયલક્ષી પ્રમાણિત કસોટીઓ દ્વારા જાણી તેમને પ્રવેશ ફાળવી જે તે ક્ષેત્રનું શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવાનું વિચારી શકાય.

રાજયની કેટલીક યુનિવર્સિટીઓમાં આવું થઇ રહ્યું છે તેની ના નહિ, પરંતુ તેને હજુ સઘન અને વ્યાપક બનાવવાની આવશ્યકતા છે. હાલમાં રચાયેલ નવી ડબલ એન્જીન સરકાર આ દિશામાં નવેસરથી આયોજન કરશે તો- ‘ગુજરાતનું શિક્ષણ મોડેલ’- સર્વશ્રેષ્ઠ શિક્ષણ મોડેલ સાબિત થશે એમાં કોઇ શંકા નથી. જે અન્ય રાજયો માટે પણ દિશાસૂચક સાબિત થશે. જરૂર છે આપણી પ્રતિબદ્ધતાની, આપણા સંકલ્પની અને શિક્ષણ પ્રત્યેની દાનતની! આશા રાખીએ આપણે ઇચ્છીએ એવા શૈક્ષણિક વિકાસનું કમળ સોળે કળાએ ખીલી ઊઠશે.
– વિનોદ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top