Columns

બેન્કોનું ખાનગીકરણ થયા પછી ખાતેદારોનાં નાણાં સલામત રહેશે?

સરકારે પહેલાં સંસદમાં બેન્કો ઊઠી જાય તો ખાતેદારોને પાંચ લાખ રૂપિયાનો વીમો આપતો કાયદો પસાર કર્યો અને હવે પબ્લિક સેક્ટરની બેન્કોનું ખાનગીકરણ કરવાનો ખરડો સંસદ સમક્ષ લાવવામાં આવ્યો છે. સંદેશો બહુ સ્પષ્ટ છે કે જો બેન્કો ડૂબી જશે તો સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં; કારણ કે તેની માલિકી ખાનગી હાથોમાં ચાલી ગઈ હશે. પબ્લિક સેક્ટરની બેન્કોના નવ લાખ કર્મચારીઓ સરકારના નિર્ણયની વિરુદ્ધમાં બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઊતર્યા છે. કેટલાક યુનિયન લીડરો કહી રહ્યા છે કે કિસાનોના સફળ આંદોલનમાંથી તેમને પણ પ્રેરણા મળી છે. હડતાળ કરીને તેઓ દિલ્હી તરફ કૂચ લઈ જવાના છે. જો કે કિસાન આંદોલનમાં સરકારે નમતું જોખ્યું તેવી રીતે બેન્કરોના આંદોલન સામે સરકાર ઝૂકી જાય તેવી સંભાવના બહુ પાંખી જ છે.

બેન્કોનું ખાનગીકરણ કરવા માટે સરકાર તરફથી જે મુખ્ય કારણ આગળ ધરવામાં આવે છે તે પબ્લિક સેક્ટરની બેન્કોની વધી ગયેલી નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એન.પી.એ.) છે. બેન્કોની બેડ લોન વધી રહી છે તેનું કારણ સરકાર અને ઉદ્યોગપતિઓ વચ્ચેનું અપવિત્ર ગઠબંધન છે. સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા નેતાઓ દ્વારા બેન્કોના મેનેજરોને ફોન કરીને આદેશ કરવામાં આવે છે કે ફલાણા ઉદ્યોગપતિની લોન પાસ થઈ જવી જોઈએ. બાપડા મેનેજરને પોતાની નોકરી ટકાવવી હોય છે, માટે તે લોન ડૂબી જવાની ગેરન્ટી હોય તો પણ મત્તું મારી દે છે.

જ્યારે લોન ખોટી થઈ જાય ત્યારે પેલા નેતાના ઇશારા પર જ તેને માંડી વાળવામાં આવે છે. કોના બાપની દિવાળી? છેલ્લાં દસ વર્ષમાં પબ્લિક સેક્ટરની બેન્કો દ્વારા ઉદ્યોગપતિઓના કુલ ૧૧.૬૮ લાખ કરોડ રૂપિયા માંડી વાળવામાં આવ્યા છે. તેમાં પણ ૧૦.૭૨ લાખ કરોડ તો મોદીના રાજમાં માંડી વાળવામાં આવ્યા છે. તેમ છતાં આજની તારીખમાં બીજી ૬ લાખ કરોડ રૂપિયાની લોન માંડી વાળવી પડે તેમ છે. જો ખાનગીકરણ પછી બેન્કો ઊઠી જાય તો સરકારની નાણાં ચૂકવવાની નૈતિક જવાબદારી પણ રહેશે નહીં.

૧૯૬૯ માં ૧૪ મોટી બેન્કોનું નેશનલાઈઝેશન કરવામાં આવ્યું તે પછીનાં ૫૦ વર્ષમાં જાહેર જનતાને બેન્કોમાં વિશ્વાસ વધ્યો હોવાથી થાપણોમાં પણ જબરદસ્ત વૃદ્ધિ થઈ છે. તેમાં પણ છેલ્લા દસકામાં બેન્કોની થાપણોમાં ત્રણ ગણી વૃદ્ધિ જોવા મળી છે. ૨૦૧૧ માં ભારતની બેન્કોમાં ૫૦ લાખ કરોડ રૂપિયાની થાપણો હતી. તે ૨૦૧૬ માં ૧૦૦ લાખ કરોડ રૂપિયાનો અને ૨૦૨૧ ના માર્ચમાં ૧૫૦ લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ હતી. તેમાંની આશરે ૧૦૦ લાખ કરોડ રૂપિયાની થાપણો પબ્લિક સેક્ટર બેન્કોમાં છે.

ખાનગી બેન્કોની સેવાઓ વધુ સારી હોવાથી તેઓ ખાતું ખાનગી બેન્કોમાં ખોલાવે છે, પણ થાપણો તો પબ્લિક સેક્ટરની બેન્કોમાં જ રાખે છે. તાજેતરમાં ભારતની સંસદ દ્વારા જે ખાતેદારોને પાંચ લાખ રૂપિયાનું વીમાકવચ આપતો કાયદો પસાર કરવામાં આવ્યો તેનો લાભ ૯૮ ટકા ખાતેદારોને મળશે, જેમની પાંચ લાખ રૂપિયાથી ઓછી થાપણ બેન્કમાં છે. તેનું મૂલ્ય આશરે ૭૬ લાખ કરોડ રૂપિયા જેટલું છે. બાકીના આશરે ૭૫ લાખ કરોડ રૂપિયાને વીમાનું કવચ મળશે નહીં, કારણ કે તેમાં ખાતાં દીઠ પાંચ લાખથી વધુ રકમ છે. જો આ બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવે અને પછી તે બેન્કો ઊઠી જાય તો મોટા ડિપોઝીટરો પાયમાલ થઈ જશે.

બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તે પછી તે બેન્કો ઉદ્યોગપતિઓ માટે સોનાનાં ઇંડાં આપતી મરઘી બની ગઈ હતી. સરકારના વહાલા ઉદ્યોગપતિઓને નેતાઓના ઇશારે સરકારી બેન્કોમાંથી અબજો રૂપિયાની લોન ચપટી વગાડતાં મળી જતી હતી. વીડિયોકોન, અનિલ અંબાણી જૂથ અને એસ્સાર કંપનીને મળેલી લોન તેનું જ્વલંત ઉદાહરણ છે. આ લોન સામે જે મિલકત ગિરવે મૂકવામાં આવી હતી તેની કિંમત લોનના પ્રમાણમાં અત્યંત અલ્પ હતી. તો પણ કોઈ પણ જાતની ચકાસણી વિના અબજો રૂપિયાની લોન આપી દેવામાં આવી હતી. આ લોન જ્યારે ખોટી થઈ ગઈ ત્યારે તેની માંડવાળ કરવામાં આવી હતી. દેશના ૧૩ મુખ્ય ઉદ્યોગપતિઓને આપવામાં આવેલી ૪.૪૬ લાખ કરોડ રૂપિયાની લોન ખોટી થઈ ગઈ હતી. તેમાંથી ૨.૮૫ લાખ કરોડ રૂપિયાની લોન માંડી વાળવામાં આવી હતી અને માત્ર ૧.૬૧ લાખ કરોડ રૂપિયામાં સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. વીડિયોકોન કંપનીને ૪૬,૦૦૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. તેનું સેટલમેન્ટ માત્ર ૨,૯૦૦ કરોડ રૂપિયામાં કરવામાં આવ્યું હતું. લાન્કો ઇન્ફ્રા નામની કંપનીને ૪૭,૦૦૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. તેનું સેટલમેન્ટ માત્ર ૫,૩૦૦ કરોડમાં કરવામાં આવ્યું હતું. આલોક ઇન્ડસ્ટ્રીઝની ૩૦,૦૦૦ કરોડની લોનની પતાવટ ૫,૦૦૦ કરોડમાં કરવામાં આવી હતી.

ઉદ્યોગપતિઓ જ્યારે લોન ચૂકવવામાં નિષ્ફળ ગયા ત્યારે તેમને છાવરવામાં આવ્યા હતા. તેમની સામે ફોજદારી કેસ કરવાને બદલે તેમને બેન્કરપ્સી કોડ લગાડવામાં આવ્યો હતો, જેને કારણે તેમને જલસા થઈ ગયા હતા. આ ઉદ્યોગપતિઓ સામે કાનૂની કાર્યવાહી કરીને રૂપિયા વસૂલ કરવાને બદલે સરકાર દ્વારા પબ્લિક સેક્ટર બેન્કોને અબજો રૂપિયાના પેકેજો આપીને તરતી રાખવામાં આવે છે. હવે સરકાર પેકેજો આપીને કંટાળી ગઈ હોવાથી બળતું ઘર કૃષ્ણાર્પણ કરવાની ચાલ રમી રહી છે. જો કે ખોટ ખાતી પબ્લિક સેક્ટર બેન્કોને ખરીદવા કોઈ તૈયાર થાય નહીં. સરકારને પણ તે વાતની ખબર છે માટે બેન્કને વેચતાં પહેલાં તેની બેલેન્સ શીટ ચોખ્ખી કરી નાખવામાં આવશે.  આ માટે બેડ બેન્કનો વિચાર વહેતો મૂકવામાં આવ્યો છે. આ બેડ બેન્ક બધી સરકારી બેન્કોની બેડ લોન ખરીદી લેશે. પછી પણ જો બેન્ક ખોટમાં ચાલતી હશે તો સરકાર તેને મૂડી આપશે. બેન્ક જેવી સદ્ધર થઈ જાય કે તરત પબ્લિક ભરણું બહાર પાડીને તેના ૫૦ ટકા કરતાં વધુ શેરો માર્કેટમાં વેચી દેવામાં આવશે.

જો સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે તો સૌથી મોટું સંકટ બેન્કમાં પોતાની મરણમૂડી મૂકનારા મધ્યમ વર્ગની થશે. વર્તમાન કાયદાઓ મુજબ બેન્કમાં જેટલા રૂપિયાની ડિપોઝિટ મૂકવામાં આવી હોય તેની સામે વધુમાં વધુ પાંચ લાખ રૂપિયાની રકમનો જ વીમો છે. જો બેન્ક ઊઠી જાય તો ગ્રાહકને ગમે તેટલી રકમ હોય તો પણ પાંચ લાખ રૂપિયાથી વધુ રૂપિયા પાછા મળતા નથી. તાજેતરમાં યસ બેન્ક જેવી ખાનગી બેન્ક ડૂબી ગઈ ત્યારે ગ્રાહકોનો અનુભવ તાજો છે. અત્યારે સરકાર બેન્કોની માલિક હોવાથી તે પોતાના બજેટમાંથી અબજો રૂપિયાની ફાળવણી કરીને બેન્કોને ટકાવી રાખે છે, કારણ કે બેન્ક ડૂબી જાય તો સરકારની શાખ બગડે તેમ છે.

બેન્કોનાં ખાનગીકરણ પછી સરકારની કોઈ નૈતિક જવાબદારી રહેશે નહીં. જો ખાનગી બેન્ક ડૂબી જશે તો સરકાર હાથ ઊંચા કરી દેશે અને બેન્કના લાખો ગ્રાહકોને રાતે પાણીએ રોવાનો વારો આવશે. ઉદ્યોગપતિઓને આડેધડ આપવામાં આવેલી લોનોને કારણે ભારતની બેન્કિંગ વ્યવસ્થા તૂટી પડવાની અણી પર છે. જનતા દ્વારા બેન્કોમાં જે રૂપિયા મૂકવામાં આવ્યા છે તેના ૨૦ ટકા રૂપિયા ડૂબી ગયા છે. બાકીના ૮૦ ટકા રૂપિયા પણ લોન તરીકે આપવામાં આવ્યા છે. જો બેન્કો દ્વારા આ લોન પાછી માગવામાં આવે તો ઉદ્યોગપતિઓ તે ચૂકવી શકે તેમ નથી. કોરોનાને કારણે બેન્કોને ૩૧ મી માર્ચ સુધી એનપીએ જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેને કારણે બેન્કોની વાસ્તવિક હાલત બહાર આવતી નથી. ૩૧ મી માર્ચ પછી ખરી હાલતની ખબર પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top