IPL 2026માં નિરાશાજનક પ્રદર્શન બાદ લખનૌ સુપર જાયન્ટ્સમાં મોટા ફેરફારના સંકેત, ઋષભ પંતની કેપ્ટન્સી પર ઊભા થયા સવાલ : IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના ખરાબ પ્રદર્શન બાદ ટીમમાં મોટા બદલાવની અટકળો તેજ બની ગઈ છે. ખાસ કરીને ટીમના કેપ્ટન ઋષભ પંતની આગેવાનીને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. એટલુજ નહી LSGના ડિરેક્ટર ઓફ ક્રિકેટ ટોમ મૂડીએ આપેલા તાજેતરના નિવેદન બાદ ચર્ચા શરૂ થઈ છે ટીમના માલિક સંજીવ ગોયન્કા આગામી સિઝન પહેલા કેપ્ટન્સીમાં ફેરફાર કરી શકે છે.
ટોમ મૂડીના નિવેદનથી વધી અટકળો
LSGના ડિરેક્ટર ઓફ ક્રિકેટ ટોમ મૂડીએ ટીમના પ્રદર્શન અંગે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે આખી સિઝનનું શાંતિપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવશે અને ટીમની લીડરશિપ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. તેમણે “રીસેટ” શબ્દનો ઉપયોગ કરતા સ્પષ્ટ સંકેત આપ્યો કે ફ્રેન્ચાઇઝી હવે મોટા ફેરફારોના મૂડમાં છે.ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે આ નિવેદન સીધો ઈશારો ઋષભ પંતની કેપ્ટન્સી તરફ કરે છે.
IPL 2026માં ઋષભ પંતનું પ્રદર્શન રહ્યું નિરાશાજનક
IPL 2026માં LSG પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ટીમે ઋષભ પંતને રેકોર્ડ ₹27 કરોડમાં ખરીદીને કેપ્ટન બનાવ્યા હતા. પરંતુ ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહીં.બેટિંગમાં પણ પંત ખાસ અસર છોડી શક્યા નહીં અને ટીમ સતત દબાણમાં જોવા મળી. પરિણામે LSG પોઈન્ટ્સ ટેબલમાં પાછળ રહી ગઈ અને પ્લેઓફની રેસમાં પણ મુશ્કેલીમાં આવી ગઈ.
સંજીવ ગોયન્કા અને પંત વચ્ચેની ચર્ચા ફરી બની ચર્ચાનો વિષય
આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ સામે મળેલી હાર બાદ મેદાન પર સંજીવ ગોયન્કા, ઋષભ પંત અને કોચ જસ્ટિન લેંગર વચ્ચે થયેલી ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે બાદ ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે શું ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન વચ્ચે બધું બરાબર નથી? અગાઉ KL રાહુલ સાથે પણ સંજીવ ગોયન્કાની મેદાન પર થયેલી ચર્ચા ભારે ચર્ચામાં રહી હતી.
શું આગામી સિઝનમાં બદલાશે કેપ્ટન?
હાલ સુધી LSG તરફથી ઋષભ પંતને હટાવવાનો કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ ટોમ મૂડીના નિવેદન બાદ અટકળો વધી ગઈ છે કે ટીમ નવા કેપ્ટન અંગે વિચાર કરી શકે છે.કેટલાક પૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતોએ પણ સૂચન આપ્યું છે કે LSGને નવા લીડરશિપ મોડલ પર વિચારવું જોઈએ.
ઋષભ પંત પર હજુ પણ મેનેજમેન્ટનો વિશ્વાસ?
રસપ્રદ વાત એ છે કે થોડા મહિના પહેલા જ સંજીવ ગોયન્કાએ જાહેરમાં ઋષભ પંતને સપોર્ટ કર્યો હતો અને તેમની નેતાગીરી તથા ક્ષમતાની પ્રશંસા કરી હતી.પરંતુ IPL 2026ની નિષ્ફળતા બાદ હવે ટીમ મેનેજમેન્ટ આગામી સિઝન માટે નવી રણનીતિ ઘડવા તૈયાર દેખાઈ રહ્યું છે.
LSG માટે આગામી સિઝન અત્યંત મહત્વપૂર્ણ
લખનૌ સુપર જાયન્ટ્સ IPLમાં 2022થી રમે છે અને શરૂઆતની સિઝનમાં ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ હાલની સિઝનમાં ટીમનું સંતુલન બગડેલું જોવા મળ્યું. હવે જો ટીમ આગામી સિઝનમાં મોટો ફેરફાર કરે છે તો તેમાં કેપ્ટન્સી, ટીમ કોમ્બિનેશન અને સપોર્ટ સ્ટાફ સુધીના નિર્ણયો સામેલ હોઈ શકે છે.
ફેન્સમાં મિશ્ર પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર કેટલાક ફેન્સ ઋષભ પંતને વધુ સમય આપવાની માંગ કરી રહ્યા છે, તો કેટલાકનું માનવું છે કે ટીમને હવે નવા કેપ્ટનની જરૂર છે. આગામી દિવસોમાં LSG મેનેજમેન્ટ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે. હાલમાં તો IPL જગતમાં સૌથી મોટો સવાલ એ જ છે કે શું આગામી સિઝનમાં પણ ઋષભ પંત LSGના કેપ્ટન રહેશે કે પછી સંજીવ ગોયન્કા મોટો નિર્ણય લેશે?