World

સરહદ પર તણાવ ઘટાડવા પ્રયાસ કરતા રહીશું: ભારત-પાકિસ્તાન DGMO વચ્ચે સહમતિ

ભારતીય સેનાએ ગુરુવારે જણાવ્યું હતું કે 10 મેના રોજ ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે થયેલી વાતચીત બાદ બંને પક્ષો સરહદ પર તણાવ ઘટાડવા અને સતર્કતા ઓછી કરવા માટે સહમત થયા છે.

ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે આગળની વાતચીત 12 મેના રોજ થઈ હતી જેમાં તમામ સૈન્ય કાર્યવાહીઓ રોકવા માટે યુદ્ધવિરામ (સીઝફાયર) જાળવવા પર સહમતિ થઈ હતી. પાકિસ્તાને જણાવ્યું હતું કે તે સરહદ પારથી એકપણ ગોળી નહીં ચલાવે. વાતચીતમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષોએ એકપણ ગોળી ન ચલાવવી જોઈએ અને એકબીજા વિરુદ્ધ કોઈ આક્રમક કે શત્રુતાપૂર્ણ કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ.

સેનાના જણાવ્યા અનુસાર બંને પક્ષો એટલે કે ભારત અને પાકિસ્તાને સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યા ઘટાડવાની ખાતરી કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પર સહમતિ દર્શાવી છે. ગોળીબાર અને હવાઈ હુમલાઓ બંધ થયા બાદ થયેલી આ વાતચીત ખૂબ જ મહત્વની રહી હતી.

‘ઓપરેશન સિંદૂર’માં ભારતની સફળ જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનનું મનોબળ તૂટી ગયું હતું. આ લડાઈમાં ખરાબ રીતે પાછળ રહી ગયા બાદ પાકિસ્તાને 10 મે 2025ના રોજ ભારત સામે યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ભારતે પોતાની શરતો પર સ્વીકાર્યો હતો. ભારતના ડીજીએમઓ લેફ્ટિનન્ટ જનરલ રાજીવ ઘઈએ પાકિસ્તાન સાથેની આ સૈન્ય સ્તરની વાતચીતમાં ભાગ લીધો હતો. પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ તેમના ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાએ કર્યું હતું.

Most Popular

To Top