વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કૃષિ કાનૂનો બાબતમાં પીછેહઠ કરવાની ફરજ કેમ પડી?

ભાજપના મોરચાની સરકારે ત્રણ કૃષિ કાનૂન પાછા ખેંચવાની જાહેરાત કરી તે પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક કટાક્ષબાણો છોડવામાં આવી રહ્યા છે. કેટલાક અંધ મોદીભક્તો તમાચો મારીને ગાલ લાલ રાખી કહી રહ્યા છે કે ‘‘જેમ સંસદમાં કૃષિ કાનૂન મંજૂર કરાવવા તે મોદીનો માસ્ટરસ્ટ્રોક હતો, તેમ તે કાનૂનો પાછા ખેંચવાનો નિર્ણય પણ મોદીનો માસ્ટરસ્ટ્રોક છે.’’ મોદીના ટીકાકારો કટાક્ષમાં તેમની સરખામણી ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મન મોહન સિંહ સાથે કરતાં કહે છે, ‘‘ડો. મન મોહન સિંહ ખૂબ નબળા વડા પ્રધાન હતા, માટે તેઓ અણુકરાર ફોક કરવા બાબતમાં વિપક્ષના દબાણ સમક્ષ ઝૂક્યા નહોતા; પણ નરેન્દ્ર મોદી બહુ લોખંડી મનોબળ ધરાવે છે, માટે તેમણે કિસાનો સામે ઘૂંટણિયે પડીને ત્રણ કૃષિ કાનૂનો પાછા ખેંચી લીધા છે.’’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સરમુખત્યાર ગણાવતા તેમના ટીકાકરો કહે છે કે ‘‘ત્રણ કૃષિ કાનૂનો સંસદમાં પસાર થયા હતા. તેને રદ્દ કરવાનો નિર્ણય સંસદને કરવા દેવાને બદલે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યો હતો. આ રીતે મોદીએ ભારતની ૧૩૮ કરોડની જનતાનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસદનું અપમાન કર્યું છે અને સાબિત કર્યું છે કે તેઓ સંસદથી પણ સર્વોપરી છે. વળી તેમણે ત્રણ કૃષિ કાનૂનો રદ્દ કરવા માટે કેબિનેટની મંજૂરી પણ લીધી નથી. આ રીતે તેમણે સાબિત કર્યું છે કે સંસદ અને કેબિનેટ તેમની મરજી મુજબ નાચનારી કઠપૂતળીઓ છે.’’

ટીવી પર આવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન કર્યું હતું કે ‘‘ત્રણ કૃષિ કાનૂનો કિસાનો માટે ફાયદાકારક છે, એવું હું તેમને સમજાવી ન શક્યો, તે માટે કિસાનોની માફી માગું છું. ’’ જો નરેન્દ્ર મોદી ઇમાનદારીથી કિસાનોની માફી માગવા માગતા હોય તો તેમણે જાહેર કરવું જોઈએ કે ‘‘કેટલાક મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના ઇશારા પર, કરોડો કિસાનોના અને આખા દેશનાં હિતોની અવગણના કરીને, ત્રણ કૃષિ કાનૂનો પસાર કરવા બદલ હું કિસાનોની અને આખા દેશની માફી માગું છું.’’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જેઓ પણ ઓળખે છે તેઓ કહે છે કે મોદી બહુ જિદ્દી અને જક્કી છે.

તેઓ ક્યારેય પીછેહઠ કરવામાં, નમતું જોખવામાં કે બોલેલું પાછું ખેંચી લેવામાં માનતા નથી. કૃષિ કાનૂનો બાબતમાં તેમણે પીછેહઠ કરવી પડી તે તેમની રાજકીય કારકિર્દીનો બહુ મોટો ફટકો છે. કૃષિ કાનૂનો બાબતમાં એક બાજુ અભણ કિસાનો હતા તો બીજી બાજુ સરકારની પ્રચંડ યંત્રણા હતી, જેમાં પોલિસ, લશ્કર, નોકરશાહી, અદાલત અને મીડિયા પણ મોદીના પક્ષે હતી. ભાજપને અબજો રૂપિયાનું ભંડોળ આપનારા ઉદ્યોગપતિઓની લોબીનું પ્રચંડ દબાણ હતું કે કોઈ પણ સંયોગોમાં ત્રણ કૃષિ કાનૂનો રદ્દ થવા ન જોઈએ.

આ કારણે જ કિસાનોના દેશવ્યાપી વિરાટ આંદોલન છતાં મોદી કોઈ સંયોગોમાં કાનૂનો પાછા ખેંચવા તૈયાર નહોતા. ભારતના કિસાનોને ગુલામ બનાવીને ભારતની પ્રજાને ભૂખે મારવા તત્પર કેટલીક વિદેશી એજન્સીઓ પણ મોદીની પડખે હતી. તેમનું પણ પ્રચંડ દબાણ કૃષિ કાનૂનો રદ્દ ન કરવા બાબતમાં હતું. જ્યારે મોદીને લાગ્યું કે કૃષિ કાનૂનોનો બચાવ કરવા જતાં તેમની રાજકીય કારકિર્દી જ ખતમ થઈ જશે, ત્યારે તેમણે પરાણે પીછેહઠ કરી હતી. આ બાબતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થાપિત હિતો સામે અભણ કિસાનોનો વિજય થયો છે.

કિસાનોનું આંદોલન કોઈ સામાન્ય આંદોલન નથી પણ ભારતના રાજકીય ઇતિહાસનું પાસું પલટનારું ત્રીજું સ્વતંત્રતા આંદોલન છે. પહેલું સ્વતંત્રતા આંદોલન ૧૮૫૭માં થયું હતું, જેને બ્રિટીશરોએ અત્યંત ક્રૂરતાપૂર્વક કચડી નાખ્યું હતું. બીજું સ્વતંત્રતા આંદોલન ગાંધીજીના નેતૃત્વ હેઠળ લડવામાં આવ્યું હતું, જેના પરિપાકરૂપે આપણને ૧૯૪૭માં આઝાદી મળી હતી. આ આઝાદી ભ્રામક છે, તેનો ખ્યાલ થોડાંક વર્ષોમાં આવી ગયો હતો. ભારતને કોમનવેલ્થ, વર્લ્ડ બેન્ક, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, યુનો, યુનેસ્કો, યુનિસેફ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન વગેરે કુટિલ સંસ્થાઓની ગુલામીમાં જકડી લેવામાં આવ્યો છે. તેમના જ ઇશારે દેશનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

ભારતના ઉદ્યોગો તેમ જ નાણાં સંસ્થાઓ વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓના હવાલે કર્યા પછી ભારતને સંપૂર્ણ ગુલામ બનાવવા કૃષિક્ષેત્રને ગુલામ બનાવવું અત્યંત જરૂરી હતું. જ્યાં સુધી દેશનો અન્નદાતા ગુલામ ન બને અને પ્રજાનું પેટ ભર્યા કરે ત્યાં સુધી પ્રજાને પણ ગુલામ બનાવવી શક્ય નહોતી. સરકારની આ ચાલ પારખીને કિસાન નેતાઓ દ્વારા કડકડતી ઠંડી, બળબળતો ઉનાળો અને વરસાદની પણ પરવા કર્યા વિના સરકારના ઇરાદાઓ પર પાણી ફેરવી દેવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોઈને પણ પૂછ્યા વિના દેશના કરોડો લોકોને બેહાલ કરે તેવા નિર્ણયો લઈને પણ હેમખેમ બહાર અવાય તેવા નિર્ણયો લેવા માટે જાણીતા છે. ૨૦૧૬ના નવેમ્બરમાં તેમણે કોઈ પણ જાતની નોટિસ વગર, સંસદની કે કેબિનેટની મંજૂરી વગર, તત્કાલીન નાણાં પ્રધાન અરુણ જેટલીને પણ વિશ્વાસમાં લીધા વગર દેશની ૮૬ ટકા કરન્સી નાબુદ કરવાનો બહાદુરીભર્યો નિર્ણય કર્યો હતો અને તેનો મક્કમતાથી અમલ કરાવ્યો હતો. તેનાથી દેશના અર્થતંત્રને મરણતોલ ફટકો પડ્યો, લાખો લોકો પાયમાલ થઈ ગયા, તો પણ પ્રજા મોદીની પડખે ઊભી રહી હતી. તેનો પુરાવો એ હતો કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં લોકોએ ભાજપને પ્રચંડ બહુમતી આપી હતી. નોટબંધીનો જુગાર સફળતાથી રમ્યા પછી મોદી લોકડાઉનનો જુગાર ખેલ્યા હતા.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ઇશારે તેમણે ચાર કલાકની નોટિસ આપીને કોરોનાને નામે આખા દેશને મહિનાઓ સુધી તાળામાં બંધ કરીને અર્થતંત્રને મરણતોલ ફટકો માર્યો હતો. લોકડાઉનને કારણે કરોડો દાડિયા મજૂરો બેકાર બની ગયા હતા અને તેમની હિજરત ચાલુ થઈ હતી. તેમને તેમનાં વતન સુધી પહોંચાડવા માટે પરિવહનની સવલત આપવામાં પણ સરકાર નિષ્ફળ ગઈ હતી. તેમ છતાં ભોળી પ્રજાએ મોદીમાં વિશ્વાસ રાખ્યો હતો કે તેઓ દેશના હિતમાં આ કરી રહ્યા છે. કૃષિ કાનૂનો બાબતમાં પણ મોદી જુગાર રમ્યા હતા; પણ હારી ગયા હતા. પંજાબ તો ભાજપના હાથમાં આવે તેમ જ નહોતું; પણ હાથમાં રહેલું ઉત્તર પ્રદેશ પણ ગૂમાવવું પડે તેવો ભય પેદા થયો હતો. આ કારણે કડવો ઘૂંટડો ગળીને પણ મોદીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પીછેહઠ કરવી પડી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અનેક નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા છે, જેને કારણે કરોડો લોકો બેહાલ થઈ ગયા હતા. તેમના નોટબંધીના નિર્ણયથી શહેરી મધ્યમ વર્ગ બેહાલ થઈ ગયો હતો. તેમના જીએસટીના નિર્ણયથી કરોડો વેપારીઓ પરેશાન થઈ ગયા હતા. તેમના લોકડાઉનના નિર્ણયથી શહેરોમાં કામ કરતા કરોડો મજૂરો બેકાર થઈ ગયા હતા. પરંતુ કૃષિ કાનૂનો  પસાર કરાવીને તેમણે દેશના કરોડો કિસાનોને લલકાર્યા હતા. સરકારના અત્યાચારનો જે પ્રતિકાર શહેરી મધ્યમ વર્ગ, વેપારી વર્ગ કે શહેરી મજૂરો ન કરી શક્યા તે કોઠાસૂઝ ધરાવતા કિસાનો કરી શક્યા હતા. તેનું કારણ એ છે કે તેમનાં મૂળિયાં પોતાની જમીન પર હોવાથી મજબૂત છે.  ભારત સરકાર કે વિદેશી મહાસત્તાઓ આ મૂળિયાં ઉખેડવા જતાં પોતે હચમચી ગઈ છે. કિસાનોએ પણ ગફલતમાં ન રહેવું જોઈએ. જો ભાજપ ચૂંટણીમાં જીતી જશે તો કેન્દ્ર સરકાર વળતો પ્રહાર પણ કરી શકે છે.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts