Columns

બ્રિટનનાં વડાં પ્રધાન લિઝ ટ્રુસ્સની નોકરી કેમ જોખમમાં છે?

બ્રિટનનાં વડાં પ્રધાન લિઝ ટ્રુસ્સને હોદ્દા પર માંડ ૬ સપ્તાહ થયા છે, પણ તેમણે જે આર્થિક નીતિઓ અપનાવી તેને કારણે માર્કેટમાં જે પ્રતિક્રિયા આવી તેને કારણે તેમણે હોદ્દા પરથી રાજીનામું આપવાની નોબત આવી ગઈ છે. બ્રિટનના વડા પ્રધાનપદ માટે ઋષિ સુનાક અને લિઝ ટ્રુસ્સ વચ્ચે રસાકસી ચાલી રહી હતી ત્યારે લિઝ ટ્રુસ્સ કરવેરામાં ધરખમ ઘટાડા કરવાની તેમની નીતિને કારણે જીતી ગયાં હતાં. તેમની થિયરી એવી હતી કે જો શ્રીમંતોને કરવેરામાં છૂટછાટ આપવામાં આવશે તો તેની પારંપારિક અસર થશે, જેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગને પણ થશે. આ પારંપરિક અસરને અંગ્રેજીમાં ટ્રિકલ ડાઉન ઇફેક્ટ કહેવામાં આવે છે.

જે રીતે ઉપરનાં માટલાંમાં પાણી રેડવામાં આવે તે ઝમીને નીચેનાં માટલાંમાં પહોંચે તેને ટ્રિકલ ડાઉન ઇફેક્ટ કહેવામાં આવે છે. લિઝ ટ્રુસ્સે ઉપરનાં માટલાંમાં પાણી નાખ્યું તેનો લાભ નીચે સુધી પહોંચે તે પહેલાં જ માર્કેટમાં તેની નેગેટિવ પ્રતિક્રિયા આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ લિઝ ટ્રુસ્સના મિની બજેટની ટીકા કરી હતી. શાસક રૂઢિચુસ્ત પક્ષના સંસદસભ્યો પણ લિઝ ટ્રુસ્સની આર્થિક નીતિઓની ટીકા કરવા લાગ્યા હતા.

આ ટીકાથી બચવા લિઝ ટ્રુસ્સે પોતાના નાણાં પ્રધાન કવાસી ક્વાર્ટેન્ગને રાજીનામું આપવાની ફરજ પાડી હતી અને તેમના સ્થાને જેરેમી હન્ટને નાણાં પ્રધાન બનાવ્યા હતા. જેરેમી હન્ટે જાહેરાત કરી છે કે લિઝ ટ્રુસ્સે કરવેરાઓમાં જેટલી પણ છૂટછાટો આપી છે તે પાછી ખેંચી લેવામાં આવશે. તેમ છતાં શાસક પક્ષના સંસદસભ્યો લિઝ ટ્રુસ્સનાં રાજીનામાંની માગણી કરી રહ્યા છે. બ્રિટનના કાયદાઓ કહે છે કે જે ચૂંટણી જીતીને વડા પ્રધાન બન્યા હોય તેમને ૧૨ મહિના સુધી રાજીનામું આપવાની ફરજ પાડી શકાય નહીં. લિઝ ટ્રુસ્સ ચૂંટણી જીત્યાં વિના વડાં પ્રધાન બન્યાં હોવાથી કદાચ આ મહિનાને અંતે તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવશે. લિઝ ટ્રુસ્સના સ્થાન પર ઋષિ સુનાક કે બોરિસ જોનસન પણ વડા પ્રધાન બની શકે છે.

શ્રીમંતોને કરવેરામાં જંગી રાહતો આપીને તેનો લાભ ગરીબોને થાય તેવી આર્થિક ફિલોસોફીના પ્રણેતા અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રેગન અને બ્રિટનનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન માર્ગારેટ થેચર હતાં, જેને લિઝ ટ્રુસ્સ પોતાની પ્રેરણામૂર્તિ માને છે. લિઝ ટ્રુસ્સ જ્યારે વડાં પ્રધાન બનવાની રેસમાં હતાં ત્યારે તેમણે કરવેરામાં ધરખમ કાપ મૂકવાનું વચન આપ્યું હતું, જે તેમના મતદારોને બહુ ગમ્યું હતું. સાથે સાથે તેમણે સરકારના ખર્ચાઓમાં વધારો કરવાની પણ જાહેરાત કરી હતી. બ્રિટનમાં મોંઘવારી માઝા મૂકી રહી હોવાથી શાસક પક્ષના મતદારોને તે નીતિ પણ ગમી ગઈ હતી. આ નીતિને કારણે જ લિઝ ટ્રુસ્સ ચૂંટણી જીતી ગયાં હતાં અને વડાં પ્રધાન બન્યાં હતાં.

બ્રિટનનો આર્થિક વિકાસ ધીમો પડી ગયો હોવાથી લિઝ ટ્રુસ્સે અને તેમના ભૂતપૂર્વ નાણાં પ્રધાન કવાસી ક્વાર્ટેન્ગે કરવેરામાં આશરે ૪૫ અબજ પાઉન્ડની છૂટછાટ આપી હતી. તેને કારણે બોન્ડ માર્કેટમાં ભયંકર મંદી આવી હતી. પેન્શન ફંડના બોન્ડના ભાવોમાં તો કડાકો બોલી ગયો હતો. બજારમાં અફડાતફડી મચી ગઈ હતી. પેન્શન ફંડના બોન્ડને પડતા રોકવા માટે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ ચિત્રમાં આવી હતી અને તેણે મોટી સંખ્યામાં બોન્ડ ખરીદવા માંડ્યા હતા. કટોકટીને પારખી જઈને લિઝ ટ્રુસ્સે ઝડપથી યુ-ટર્ન લીધો હતો અને નાણાં પ્રધાન કવાસી ક્વાર્ટેન્ગને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. તેમના સ્થાને આવેલા જેરેમી હન્ટે બધી રાહતો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. હવે પરિસ્થિતિ એવી પેદા થઇ છે કે જો લિઝ ટ્રુસ્સે સત્તામાં ચાલુ રહેવું હોય તો તેમણે ચૂંટાવા માટે આપેલાં તમામ વચનો ફોક કરી નાંખવાં પડે તેમ છે. આ રીતે વચનો ફોક કર્યા પછી તેઓ સત્તા પર રહેવાની નૈતિક તાકાત ગુમાવી દેશે, જેને કારણે તેમને રાજીનામું આપવાની ફરજ પડશે.

વડાં પ્રધાન બન્યા પછી લિઝ ટ્રુસ્સે જે છબરડાઓ કર્યા તેના કારણે તેમની લોકપ્રિયતાનો ગ્રાફ એકદમ નીચે ઊતરી ગયો છે. તાજેતરમાં માર્કેટ રિસર્ચ ફર્મ ‘યુગવ’દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ બ્રિટનના માંડ ૧૦ ટકા જ મતદારો લિઝ ટ્રુસ્સ વડાં પ્રધાન તરીકે ચાલુ રહે તેમ ઇચ્છે છે. તેને કારણે શાસક રૂઢિચુસ્ત પક્ષની લોકપ્રિયતા પણ ઘટી ગઈ છે. જો કે સંસદમાં હજુ રૂઢિચુસ્ત પક્ષની બહુમતી હોવાથી બે વર્ષ પછી ચૂંટણી થાય ત્યાં સુધી તેમની જ સરકાર રહેવાની છે. જો લિઝ ટ્રુસ્સને રાજીનામું આપવાની ફરજ પડે તો ભારતીય મૂળના ઋષિ સુનાકનું નામ નવા વડા પ્રધાન તરીકે બોલાઈ રહ્યું છે. ઋષિ સુનાકનું ઉધાર પાસું એ છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોનસનના સમર્થકો તેમને ધિક્કારે છે. કદાચ બોરિસ જોનસન પોતે પણ ફરીથી વડા પ્રધાન બની શકે છે.

લિઝ ટ્રુસ્સ બ્રિટનનાં વડાં પ્રધાન બન્યાં તે પછી તેમના નાણાં પ્રધાન કવાસી ક્વાર્ટેન્ગે પોતાના આર્થિક એજન્ડાનો અમલ કરવા તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ મિની બજેટ પેશ કર્યું હતું. તેમાં ધનિકો માટે કરવેરામાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી., બેન્કરોના બોનસ પરની ટોચમર્યાદા નાબૂદ કરવામાં આવી હતી અને કોર્પોરેટ ટેક્સમાં વધારો કરવાની યોજના અભરાઈ પર ચડાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પેકેજમાં રાહતના પૈસા ક્યાંથી આવશે? તેની ચોખવટ પણ કરવામાં આવી હતી. બ્રિટનની કોઈ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું આ મોટામાં મોટું પેકેજ હતું, જેનો ઇરાદો અર્થતંત્રમાં તેજી લાવવાનો હતો. આ સુધારાની ઊંધી અસર નાણાં બજારો પર થઈ હતી. તેમણે સરકારી બોન્ડ વેચવા માંડ્યા હતા. સરકારી બોન્ડના ભાવો ગગડી જતાં બ્રિટનની સરકારની આબરૂ પણ દાવ પર લાગી ગઈ હતી. સતત પાંચ દિવસ બજાર ગબડતું રહ્યું તે પછી બેન્ક ઓફ ઇંગ્લેન્ડ મેદાનમાં આવી હતી. તેણે સરકારી બોન્ડની મોટા પાયે ખરીદી કરીને તેને સ્થિરતા આપી હતી. દરમિયાન લિઝ ટ્રુસ્સની આબરૂ ઘટી ગઈ હતી.

આ મહિનાના પ્રારંભમાં શાસક રૂઢિચુસ્ત પક્ષની વાર્ષિક બેઠક મળી હતી. તેમાં શાસક પક્ષના સંસદસભ્યો દ્વારા લિઝ ટ્રુસ્સની આર્થિક નીતિઓની સખત આલોચના કરવામાં આવી હતી. તેની પરવા કર્યા વિના લિઝ ટ્રુસ્સે આલોચના કરનારાને વિકાસના વિરોધી ગણાવ્યા હતા. લિઝ ટ્રુસ્સની આર્થિક નીતિને કારણે કદાચ બ્રિટનના અર્થતંત્રમાં મંદી દૂર થાય અને તેજી આવે તેવી સંભાવના હતી, પણ તેમના વિરોધીઓ બિલકુલ રાહ જોવા તૈયાર નહોતા. દેશની અને વિદેશની કેટલીક નાણાં સંસ્થાઓને જાહેર ખર્ચાઓ વધારવાની યોજના પસંદ નહોતી, કારણ કે તેથી ખાનગી કંપનીઓનો ગરાસ લૂંટાઈ જતો હતો. આ નાણાં સંસ્થાઓ દ્વારા બ્રિટીશ સરકારના બોન્ડ વેચીને કટોકટી પેદા કરવામાં આવી હતી અને સરકારને પીછેહઠ કરવાની ફરજ પાડવામાં આવી હતી.

બ્રિટનની ઘટના પરથી ખ્યાલ આવે છે કે દુનિયાના ધનિક બેન્કરો, તેમની માલિકીની નાણાં સંસ્થાઓ અને તેમની માલિકીની મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા ખાનગીકરણનો એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં સરકાર દ્વારા પ્રજાના કલ્યાણની યોજનાઓ પાછળના ખર્ચા ઘટાડવા જરૂરી બની જાય છે. જો સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ પાછળ ખર્ચાઓ કરવામાં આવતા હોય તો મલ્ટિનેશનલ કંપનીઓનો ધંધો ઘટી જાય છે અને તેમનો નફો પણ ઘટી જાય છે. જો કોઈ રાજકારણી તેમની આજ્ઞા માનવાનો ઇનકાર કરે તો માર્કેટમાં કટોકટી પેદા કરવામાં આવે છે.

Most Popular

To Top