Business

ઇન્ડિયન નેવીના વેસલ ‘નિસ્ટાર અને ‘નિપુણ’ના મહત્ત્વના પાર્ટ્સ મરોલીની કંપનીએ બનાવ્યા

સુરત: ઇન્ડિયન નેવીના (Indian Navy) દરિયાઈ પેટાળના ઓપરેશન અને મરજીવાઓ માટે મહત્વના ગણાતા બે ડાઇવિંગ સપોર્ટ વેસલ ‘નિસ્ટાર (Nistar)’ અને ‘નિપુણ’નું (Nipun) 22 સપ્ટેમ્બરે વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડે (Hindustan Ship Yard) સફળ લોન્ચિંગ કર્યું હતું. આ સફળતામાં એક મોટો ફાળો નવસારી જિલ્લાના નાનકડા નગર મરોલીમાં (Maroli) આવેલી HLE ગ્લાસકોટ લિમિટેડનો હતો. આ કંપનીએ ‘નિસ્ટાર’ અને ‘નિપુન’ માટે ‘ડેક ડીકોમ્પ્રેસન ચેમ્બર (Deck Decompaction ) બનાવ્યાં’ હતાં.

આ પ્રકારના ચેમ્બર અત્યાર સુધી ડિફેન્સ (Defence) કંપનીઓ વિદેશથી ઇમ્પોર્ટ કરી મંગાવતી હતી. જેની પાછળ ઇન્ડિયન નેવી અને સરકારી શિપયાર્ડ કંપનીઓને 5થી 6 ગણું વિદેશી હૂંડિયામણ વધુ ચુકવવુ પડતું હતું.આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) દ્વારા આ પ્રોજેકટને આત્મનિર્ભર ભારત યોજના હેઠળ સ્થાનિક સ્વદેશી કંપનીઓ પાસે કરાવવાનો નિર્ણય લેતા ઇન્ડિયન નેવીના બે ડાઇવિંગ સપોર્ટ વેસલ INS ‘નિસ્ટાર’ અને INS ‘નિપુણ’ માટે બનાવવાં ભારતની ટોચની એન્જીનિયરિંગ કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલી હતી. આ સ્પર્ધામાં દેશની મોટી ટોચની એન્જીનિયરિંગ કંપનીઓ પાછળ છોડી મરોલીની કંપનીને ડેક ડીકોમ્પ્રેસન ચેમ્બર બનાવવામાં સફળતા મેળવી હતી.

લોઇડ સર્ટીફિકેટ અને લોઇડ્સ મરીન સર્ટીફિકેટ હ્યુમન વેસલ માટે મેળવ્યાં પછી વડાપ્રધાન કાર્યાલયમાં સૌરક્ષણને લાગતો હવાલો સંભાળનાર અધિકારીઓએ મરોલીની HLE ગ્લાસકોટ લિ. પર પસંદગી ઉતારી હતી. ડેક ડીકોમ્પ્રેશન ચેમ્બર 24 ફૂટની લંબાઈ,8.5 મીટરની પહોળાઈ વાલા એક ચેમ્બરનું વજન 54 ટન છે. પ્રત્યેક ચેમ્બરમાં 6 સૈનિકો કે ગોતાખોર સમુદ્રના તળમાં આરામ કરી શકે છે.આ ચેમ્બર સ્પેશિયલાઈઝ સ્ટીલમાંથી બનાવવામાં આવી છે.એમાં પ્રિસિઝનયુક્ત ફેબ્રિકેશન વર્ક કરવામાં આવ્યું છે. HLE ગ્લાસકોટ લિમિટેડે તાજેતરમાં જર્મનીની Thaletec – GMBH નામની કંપની પણ ટેકઓવર કરી છે તેવી માહિતી કંપનીના સંચાલક મંડળના અગ્રણી યતિષ પારેખે આપી હતું.

આપણાં વાતાવરણ કરતાં 35 ગણા વધુ દબાણવાળા દરિયાઈ પેટાળમાંથી સપાટીએ આવતા મરજીવાઓને કેટલાક સમય માટે ડેક ડીકોમ્પ્રેશન ચેમ્બરમાં રાખવા પડે છે
HLE ગ્લાસકોટ લિમિટેડનાં મેનેજીંગ ડિરેક્ટર હિમાંશુ પટેલ કહે છે કે, ડાઇવિંગ સપોર્ટ વેસલમાં ડેક ડીકોમ્પ્રેશન ચેમ્બરની ભૂમિકા મહત્વની હોય છે. ઉદાહરણ સાથે તેઓ સમજાવે છે કે નોર્મલ સ્થિતિમાં વાતાવરણમાં એક કિલો/ચો.સેમી. જેટલું પ્રેશર (દબાણ) હોય છે. સામાન્ય વ્યક્તી 0.5થી 1.5 કિલો/ચો.સેમી. સુધીનું દબાણ સહન કરી શકે છે. રસોઈ કૂકરમાં આ પ્રેશર બે થી અઢી કિલો જેટલું હોય છે.એથી વધુ થાય તો કુકર ફાટી જાય. એવી જ રીતે સબમરીનમાં નેવીના જે સૈનિકો દરિયાના પેટાળમાં સર્વેલન્સ માટે જાય છે જ્યાં તેઓએ ઘણો સમય પસાર કરવો પડે છે. જ્યાં 35 કિલો/ચો.સેમી. જેટલું પ્રેશર હોય છે. આ પછી તેઓ જ્યારે સરફેસ પર આવે છે. ત્યારે શરીરને વાતાવરણને અનુકુળ થતાં સમય લાગે છે. જો સૈનિકોને આ ‘ડેક ડીકોમ્પ્રેસન ચેમ્બર’નાં પ્રેશર કંટ્રોલ્ડ વાતાવરણમાં રાખવામાં ન આવે તો શરીરના સ્નાયુઓ ફાટી જવા, લોહી ગંઠાઈ જવા સાથે હેમરેજ કે હૃદય બંધ પડી જતાં મૃત્યુ થવાની ભીતિ રહે છે. આ સૈનિકો ધીરે-ધીરે સામાન્ય વાતાવરણને અનુકૂળ થાય તે માટે આ ચેમ્બરમાં રાખી વાતાવરણને અનુકૂળ મૂળ સ્થિતિમાં તેમનું શરીર લાવવામાં મદદરૂપ થાય છે.

‘ડેક ડીકોમ્પ્રેશન ચેમ્બર’ કયા હેતુઓ માટે ઉપયોગી થાય છે?
HLE ગ્લાસકોટ લિ.નાં ચેરમેન હિમાંશુ પટેલ કહે છે કે, ‘ડેક ડીકોમ્પ્રેસન ચેમ્બર’નો મલ્ટી પર્પઝ ઉપયોગ થઈ શકે છે. જટિલ ડાઇવિંગ સપોર્ટ સિસ્ટમ્સ અને ડીપ સબમર્જન્સ રેસ્ક્યુ વેસેલ (DSRV) સાથે સજ્જ DSV ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ અને સબમરીન બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવે છે. જહાજો શોધવા અને બચાવ કામગીરી હાથ ધરવા તથા સમુદ્રમાં હેલિકોપ્ટર ઓપરેશન હાથ ધરવા સક્ષમ બને છે.એ ઉપરાંત દરિયામાં ઓઇલ એન્ડ એક્સપ્લોરેશનમાં, મિનરલ, થોરિયમની શોધમાં ગોતાખોર 100 મીટર ઊંડે સુધી જાય છે ત્યાં આ ચેમ્બર સિસ્ટમ વ્યક્તિને સર્વાઇવલ માટે મદદરૂપ બને છે.

પ્રેશર કંટ્રોલ્ડ વાતાવરણવાળી ચેમ્બરમાં આરામ માટે આવી સુવિધાઑ છે: હર્ષ પટેલ
કંપનીના ડિરેક્ટર હર્ષ હિમાંશુ પટેલ કહે છે કે, દરિયામાંથી કેપસુલમાં બેસી વાહણમાં સૈનિકને કે મરજીવાને સીધા ‘ડેક ડીકોમ્પ્રેશન ચેમ્બર’માં મૂકવામાં આવે છે. આ ચેમ્બરમાં 6 સૈનિકો આરામ કરી શકે એ માટે બેડ, ટોયલેટ બાથરૂમની સુવિધા રાખવામાં આવી છે. એમાં ભોજન પહોંચાડવા માટેના ઇનલેટ,70 પ્રોવિઝનલ કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ, સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ચેમ્બરમાં પેઇન્ટ કલર માટે એક્સપર્ટ માણસો શોધવામાં આવ્યાં હતાં. ચેમ્બરની ફિનિશીંગ સરફેસ પર પેઇન્ટ લાગે ,ફ્યુમ્સ કે બદબૂ ન આવે ટેમ્પરેચરમાં કલરને લીધે કોઈ બદલાવ ન આવે એ રીતે કામ કરવામાં આવ્યું હતું. ચેમ્બરના ગ્લાસ યુકેથી મંગાવવામાં આવ્યાં હતાં જે 35 કિલો પ્રેશર સહન કરી શકે.

ભારતના એક ખૂણામાં આવેલી આ કંપનીએ મોટું કામ કર્યું:પંકજ કુમાર,વડાપ્રધાન કાર્યાલયના અધિકારી
મરોલીમાં HLE ગ્લાસકોટ લિ.માં તૈયાર થઈ રહેલા ‘ડેક ડીકોમ્પ્રેસન ચેમ્બર’ બનાવવાના પ્રોજેક્ટનો પ્રોગ્રેસ રિપોર્ટ લેવાં આવેલા વડાપ્રધાન કાર્યાલયનાં અધિકારી પંકજ કુમારે ચેમ્બર બનાવવાનું કામ કરનાર કર્મચારીઓનો ઉત્સાહ વધારતાં કહ્યું હતું કે ‘તમે કોઈ સામાન્ય વેસલ માટે નહીં પણ દેશ માટે મહત્વના સ્પેશિયલ પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યાં છો. ભારતના એક ખૂણામાં આવેલી આ કંપનીએ મોટું કામ કર્યું છે. પ્રથમવાર ભારતમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ સ્પેશિયલાઈઝ્ડ ચેમ્બર બન્યું છે. એની ક્વોલિટી ખૂબ સારી છે. આ સંપૂર્ણપણે સ્વદેશી ડિઝાઇન અને સ્વદેશી બનાવટવાળું ડાઇવિંગ સપોર્ટ વેસલ બનવવામાં આવ્યું છે જેમાં ડેક ડીકોમ્પ્રેસન ચેમ્બર પણ નવસારીની મરોલીની કંપનીએ મેક ઇન ઇન્ડિયાના પાર્ટ તરીકે તૈયાર કર્યું હતું. જેનું લોન્ચિંગ ઇન્ડિયાન નેવીના ચીફ હરિકુમારે કર્યું હતું.’

….બોક્સ-5/ ભારતીય કંપનીઓની ક્ષમતા છતાં અત્યાર સુધી ડેક ડીકોમ્પ્રેસન ચેમ્બર વિદેશથી ઇમ્પોર્ટ થતાં: હિમાંશુ પટેલ…….
HLE ગ્લાસકોટ લિ.નાં મેનેજિંગ ડિરેક્ટર હિમાંશુ પટેલ કહે છે કે, ‘ડેક ડીકોમ્પ્રેસન ચેમ્બર’ 1960થી ભારત ઇમ્પોર્ટ કરી રહ્યું છે. જેમાં ટ્રાન્સપોર્ટેશન સહિત ચેમ્બરનું કોસ્ટિંગ મારોલીમાં અમારા યુનિટમાં તૈયાર થયેલી ચેમ્બર સામે 6 ગણું વધુ ઊંચું રહે છે. ભારતીય કંપનીઓની ક્ષમતા છતાં અત્યાર સુધી ડેક ડીકોમ્પ્રેસન ચેમ્બર વિદેશથી ઇમ્પોર્ટ થતાં હતાં. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન નેવીના બંને ડાઇવિંગ સપોર્ટ વેસલ ‘નિસ્ટાર’ અને ‘નિપુણ’ સંપૂર્ણપણે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ દેશમાં જ તૈયાર કરવાનું નક્કી કરતાં ડેક ડીકોમ્પ્રેસન ચેમ્બર બનાવવા પણ ભારતીય એન્જીનિયરિંગ કંપનીઓને આમંત્રિત કરાઈ હતી. જેમાં અમારી કંપનીની પસંદગી અનેક કસોટી પછી થઈ હતી.

Most Popular

To Top