Trending

19 મહિના બેરોજગાર છતાં Gen Z યુવતીએ લાખોની નોકરી કેમ ઠુકરાવી?

આજના સમયમાં નોકરી મેળવવી ઘણા યુવાનો માટે મોટો પડકાર બની ગયો છે. ખાસ કરીને લાંબા સમય સુધી નોકરી ન મળ્યા બાદ કોઈ સારી કંપનીમાંથી સારો પગાર અને પોતાની પસંદનું કામ મળે તો સામાન્ય રીતે વ્યક્તિ તેને સ્વીકારવા તૈયાર થઈ જાય. જોકે, Gen Zની એક યુવતીએ 19 મહિના સુધી બેરોજગાર રહ્યા બાદ પણ આવી જ એક નોકરીનો ઓફર ઠુકરાવી દીધો. તેનું કારણ માત્ર પગાર કે કામ નહીં, પરંતુ વર્ક-લાઇફ બેલેન્સ સાથે જોડાયેલું હતું.

મીડિયા ના અહેવાલ અનુસાર, Rhoda નામની એક સોશિયલ મીડિયા યુઝરે પોતાની ભત્રીજી સાથે બનેલો અનુભવ શેર કર્યો હતો. તેમની ભત્રીજી છેલ્લા લગભગ 19 મહિનાથી નોકરી શોધી રહી હતી. આ સમયગાળા દરમિયાન તેણે અનેક જગ્યાએ અરજી કરી, પરંતુ તેને સતત નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. તેની પાસે કોઈ સ્પષ્ટ વિકલ્પ પણ નહોતો.લાંબા સમય બાદ આખરે તેને એક જાણીતી કંપનીમાં તેની પસંદગીનું કામ મળ્યું. નોકરીનો રોલ તેને ગમતો હતો અને પગાર પણ સારો હતો. એટલે શરૂઆતમાં આ ઓફર તેના માટે લાંબા સમયથી રાહ જોવાતી તક જેવી હતી.

પરંતુ નોકરીની શરતો અંગે વાતચીત દરમિયાન હાયરિંગ મેનેજરે એક મહત્વપૂર્ણ બાબત જણાવી. કંપનીમાં કર્મચારીઓ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે અઠવાડિયામાં કેટલાક દિવસ તેઓ રાત્રે 9 વાગ્યા પછી પણ Slack પર ઉપલબ્ધ રહે, જો કોઈ કામ આવી પડે તો.આ સાંભળ્યા બાદ યુવતીએ મેનેજરને પૂછ્યું કે આ વધારાના કામ માટે કોઈ અલગ ચુકવણી કરવામાં આવશે કે કેમ. મેનેજરે જવાબ આપ્યો કે તેના માટે અલગથી પૈસા આપવામાં આવતા નથી અને આ કંપનીની વર્ક કલ્ચરનો જ એક ભાગ છે. મેનેજરે એમ પણ કહ્યું કે કંપનીમાં અન્ય કર્મચારીઓ પણ આવું જ કરે છે.આ જવાબ બાદ યુવતીએ નોકરી સ્વીકારવાને બદલે તેને નકારવાનો નિર્ણય લીધો. તેણે સ્પષ્ટ કર્યું કે લાંબા સમયથી બેરોજગાર હોવા છતાં તે એવી નોકરી કરવા માંગતી નથી, જેમાં ઓફિસના કલાકો પૂરા થયા બાદ પણ સતત કામ માટે ઉપલબ્ધ રહેવું પડે.

યુવતીનું માનવું હતું કે તે પહેલાથી જ લાંબા સમયથી બેરોજગારીનો સામનો કરી ચૂકી છે, પરંતુ હવે તે આગામી કેટલાક વર્ષો એવી નોકરીમાં પસાર કરવા માંગતી નથી જે તેના અંગત સમય અને માનસિક શાંતિને અસર કરે.આ ઘટનાને Rhodaએ Gen Zની બદલાતી કાર્યશૈલી સાથે જોડીને રજૂ કરી. તેમના જણાવ્યા મુજબ, નવી પેઢીના ઘણા યુવાનો માટે માત્ર નોકરી અને પગાર મહત્વના નથી, પરંતુ કામ અને વ્યક્તિગત જીવન વચ્ચેની સીમા પણ મહત્વ ધરાવે છે.આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં પણ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી. કેટલાક લોકોએ યુવતીના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. તેમનું કહેવું હતું કે તે નોકરી સ્વીકારીને અનુભવ મેળવી શકતી હતી અને પછી વધુ સારી તક શોધી શકતી હતી.

બીજી તરફ કેટલાક લોકોએ યુવતીના નિર્ણયનું સમર્થન કર્યું અને કહ્યું કે નોકરીની જરૂરિયાત હોવા છતાં પોતાની વ્યક્તિગત મર્યાદા નક્કી કરવી પણ જરૂરી છે.આ સમગ્ર ઘટનાએ યુવાનો અને કોર્પોરેટ વર્ક કલ્ચર વચ્ચે બદલાતા સંબંધ અંગે ચર્ચા શરૂ કરી છે. Gen Zના ઘણા યુવાનો માટે હવે નોકરીનો અર્થ માત્ર પગાર મેળવવાનો નથી. તેઓ કામના કલાકો, વ્યક્તિગત સમય અને ઓફિસ પછીની ઉપલબ્ધતા જેવા મુદ્દાઓને પણ મહત્વ આપી રહ્યા છે.આ કિસ્સામાં યુવતીએ 19 મહિનાની બેરોજગારી બાદ મળેલી સારી નોકરીને માત્ર એટલા માટે નકારી દીધી કે તેમાં ઓફિસ સમય બાદ પણ કામ માટે ઉપલબ્ધ રહેવાની અપેક્ષા હતી. જોકે, આ નિર્ણય યોગ્ય કે અયોગ્ય છે કે નહીં તે વ્યક્તિની પોતાની પરિસ્થિતિ, જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ પર આધારિત છે.

Most Popular

To Top