Feature Stories

તમને ગુસ્સો કેમ આવે છે?

માણસમાં ભગવાને અલગ અલગ ફિલિંગ્સ આપી છે જેમાં પ્રેમ, દયા, માયા અને ગુસ્સાનો સમાવેશ થાય છે. માણસ એક એવું સામાજિક પ્રાણી છે કે આખી જિંદગી બીજા પાસે પ્રેમની આશા રાખે પરંતુ જ્યારે પોતાને અણગમતી વાત બને કે તરત જ તેને ગુસ્સો આવી જાય છે. આ ગુસ્સો પર્સનલ , વ્યાવસાયિક કે જાહેર બાબતો માટે હોય શકે છે પણ આ સમયે એ વ્યક્તિ એ પણ નથી વિચારતી કે સામેવાળા પર તેના ગુસ્સાની કેવી અસર થશે. કોઈક વ્યક્તિઓનો ગુસ્સો તો એવો પણ હોય છે કે, તે ગુસ્સામાં ક્યારેક તો પોતાની જાત સાથે કંઈક કરી બેસે છે તો ક્યારેક ઘરની કોઈ વ્યક્તિ કે કિંમતી સામાનને પણ નુકસાન પહોંચાડી બેસે છે. જો કે મોટાભાગના કિસ્સામાં હંમેશાં વ્યક્તિને પાછળથી પસ્તાવાનો જ વારો આવે છે પણ તેમ છતાં કેટલીક વ્યક્તિઓ પોતાનો ગુસ્સો ત્યજી નથી શકતા. તો આજે આપણે ‘સન્નારી’ના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું કે લોકોને ગુસ્સો ક્યાં કારણોથી આવે છે અને તેને શાંત કરવા માટે તેઓ શું કરે છે?

ગુસ્સો ડાયવર્ટ કરવા હું ટોપિક ચેન્જ કરી દઉં છું : હેમાલી જોષી
ઘોડદોડ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય હેમાલી જોષીને ગુસ્સો તો બહુ જલ્દી આવી જાય છે પણ એ વધુ સમય સુધી ગુસ્સાને સાચવી નથી શકતી અને જેથી તે જેના કારણે ગુસ્સો આવ્યો હોય એ ટોપિક જ ચેન્જ કરી દે છે. પ્રાઈવેટ સેકટરમાં કામ કરતી હેમાલી જોષી જણાવે છે કે, ‘‘સામેવાળી વ્યક્તિ આપણી સામે જુઠ્ઠું બોલતી હોય અને આપણને ખબર છે કે, એ વ્યક્તિ જુઠ્ઠી છે અને છતાં એ જ્યારે સ્વીકાર કરવા તૈયાર નહિ થાય ત્યારે વધુ ગુસ્સો આવે અને આ ગુસ્સો સતત મગજમાં ભરાઈ રહે તો તકલીફ તો મને જ થાય છે જેથી હું ટોપિક ચેન્જ કરીને વાતને ટાળી દઉં છું.’’

પ્રામાણિકતા પર આંગળી ઉઠાવે ત્યારે ગુસ્સો આવે છે : મિલન આંટાળા
શહેરના રીંગરોડ વિસ્તારમાં બેંકિંગ સેકટરમાં કામ કરતાં 32 વર્ષીય મિલન આંટાળા કહે છે કે,‘‘ગુસ્સાના ઘણાં કારણ હોય શકે પણ મને વધુ ગુસ્સો ત્યારે આવે જ્યારે કોઈ મારી પ્રામાણિકતા પર આંગળી ઉઠાવે, જે વસ્તુ મેં નથી કરી અથવા મારા દ્વારા નથી કરાવવામાં આવી એ વાત મારા પર ઢોળવામાં આવે, ફેમિલીમાં જ્યારે કોઈ મારી situation ના સમજે અને ખોટી જીદ કરે, સંબંધની સાબિતી માટે કોઈ વસ્તુની ડિમાન્ડ કરવામાં આવે, જાણી જોઈને કોઈ ફોન ના રિસીવ કરે, રસ્તા પર જતા હોય ત્યારે ચાલુ બસ, રિક્ષા અને બાઇક પરથી તમાકુની પિચકારી મારતા જોઉં, 4 વર્ષની ઉંમરથી નીચેનાં બાળકોને સ્કૂલ મોકલવા ઉત્સુક માતાપિતાને જોઉં ત્યારે ગુસ્સો આવે. જો કે આ બધી બાબતો તો આપણે બદલી ના શકીએ જેથી જે બાબતથી પોતાને નુકસાન ન થતું હોય એ બાબત ઇગ્નોર કરતાં શીખી લીધું છે.’

સત્ય સાબિત કરવા માટે પુરાવાઓ આપવા પડે ત્યારે ગુસ્સો આવે:રીંકુ કનેરિયા
શહેરના પાલ વિસ્તારમાં રહેતા અને 35 વર્ષીય બિઝનેસ વુમન રીંકુ કનેરિયા જણાવે છે કે, ‘‘જ્યારે આપણે સાચા હોઈએ અને તેમ છતાં સામેવાળી વ્યક્તિ આપણને ન સમજી શકે અને આપણે તેને સત્યના પુરાવા આપવા પડે ત્યારે મને બહુ ગુસ્સો આવે છે. મને પહેલાં તો મારી જાત પર જ ગુસ્સો આવે કે, મેં આ વ્યક્તિ પર ભરોસો કર્યો જ કેમ? જો કે વ્યવસાય સિવાય અંગત સંબંધોમાં આવું થાય ત્યારે સચ્ચાઈના પુરાવા આપી દઉં છું કારણ કે મારે સંબંધો સાચવવા હોય છે પણ તેમ છતાં એ ગુસ્સો તો રહે જ છે ત્યારે હું ગુસ્સો કંટ્રોલ કરવા માટે મેડિટેશન કરું છું અને લોકોને પણ એ જ સલાહ આપું છું કારણ કે ગુસ્સાના કારણે ક્યારેક આપણે ઘણું બધું ગુમાવી બેસતા હોઈએ છીએ.’’

મને નાની નાની વાત પર પણ બહુ જલ્દી ગુસ્સો આવી જાય છે: ચેતન જોષી
ડાયમંડના વ્યવસાયી 45 વર્ષીય ચેતન જોષીને તો ગુસ્સાનું નામ લેતા જ ગુસ્સો આવી જાય છે પણ તેમ છતાં ચેતનભાઈ હસતાં હસતાં કહે છે કે, ‘‘મને નાની નાની વાત પર પણ બહુ જલ્દી ગુસ્સો આવી જાય છે. જેમ કે મારી પસંદગીનું જમવાનું ન બન્યું હોય, કોઈએ મારી વાત ન માની હોય કે પછી મારી ધારેલી કોઈ વસ્તુ ન બને ત્યારે મને સખત ગુસ્સો આવે છે અને આ સમયે મને ખબર હોવા છતાં હું મારા ગુસ્સાને કંટ્રોલ નથી કરી શકતો અને જેના કારણે ઘણા લોકો સાથે મારા સંબંધોને પણ અસર થાય છે. જો કે ગુસ્સો ઉતર્યા બાદ મને એ વાતનો પસ્તાવો અને દુ:ખ પણ થાય છે પણ ઇચ્છવા છતાં હું કોઇની માફી નથી માંગી શકતો’’

બહુ ગુસ્સો આવે ત્યારે હું એ માહોલથી દૂરી બનાવી લઉં છું: પ્રાચી રાણા
બારડોલીમાં રહેતી પ્રાચી રાણા કહે છે કે, ‘‘ગુસ્સાના ઘણાં કારણો હોઈ શકે છે અને ગુસ્સો એ માણસના સ્વભાવનો એક ભાગ હોઈ શકે છે પણ મૂળભૂત સ્વભાવ નહીં. મારી વાત કરું તો, મને ગુસ્સો ત્યારે આવે જ્યારે કોઈ વાતને લઈને હું મનમાં ને મનમાં મુંઝાતી હોઉં અને એ વાત પ્રસ્તુત કરવાનો મોકો ના મળે. ગુસ્સો આવવાનું એક કારણ અપેક્ષા પણ છે. જ્યારે હું કોઈ સ્વજન પાસેથી કોઈક અપેક્ષા રાખતી હોઉં અને એ પરિપૂર્ણ ન થાય ત્યારે ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે પણ પછી સમય જતાં મારી રીતે ગુસ્સાને શાંત કરતાં શીખી લીધું છે. જ્યારે બહુ ગુસ્સો આવે ત્યારે હું એ માહોલથી દૂરી બનાવી લઉં છું જેથી ગુસ્સો વધે નહીં કારણ કે ગુસ્સાના કારણે હું મારા રિલેશન ખરાબ કરવા નથી ઇચ્છતી.”

કોઈ જુઠ્ઠું બોલે ત્યારે ગુસ્સો આવે: વૈશાલી ચૌધરી
વ્યારા ખાતે રહેતી 29 વર્ષીય વૈશાલી ચૌધરી કહે છે કે, ‘‘મને કોઈ જુઠ્ઠું બોલે ત્યારે ઘણો જ ગુસ્સો આવે છે. હું હાલમાં જોબ પણ કરું છુ અને સાથે બીજી સારી જોબ માટે પ્રયત્ન પણ કરતી રહું છું જેથી મારે ઘણા બધા લોકોને મળવાનું પણ થાય છે અને મિત્રો પણ ઘણા છે પણ ક્યારેક એવું થાય કે, કોઈકને મારી પાસે કોઈ કામ કરાવવું હોય તો સામેવાળી વ્યક્તિ જૂઠનો સહારો લે છે જેના કારણે મને સખત ગુસ્સો આવે છે. પણ જો એ વ્યક્તિ અંગત નહીં હોય તો હું થોડી વારમાં એ ગુસ્સો ભૂલી જાઉં છું પણ જ્યારે કોઈ અંગત વ્યક્તિ આવું કરે ત્યારે હું ગુસ્સો કંટ્રોલ નથી કરી શકતી અને મારી સાથે જે પણ હોય એના પર ગુસ્સો ઉતારી બેસું છુ. જો કે મારી આ આદતને જાણતા હોવાના કારણે મારા મિત્રો કે સંબંધીઓ મારી વાતનું ખોટું નથી લગાડતા, અને એટલે જ મારા સંબંધો દરેક સાથે જળવાઈ રહ્યા છે.’’

આજકાલ તો નાના બાળકથી માંડીને તમામને બહુ જલ્દી ગુસ્સો આવી જાય છે ત્યારે કેટલાક લોકો ગુસ્સામાં આવીને જિંદગીભર સંબંધો બગાડી બેસે છે તો કેટલાક વળી સંબંધો સાચવવા ગુસ્સો ભૂલી જાય છે અને પોતાના મનમાંથી ગુસ્સાને બહાર કાઢવા માટે કોઈ રસ્તો અપનાવી લેતા હોય છે. જો કે જે લોકો ગુસ્સો બિલકુલ કંટ્રોલ નથી કરી શકતા તેઓને સંબંધો સાચવવામાં મુશ્કેલી તો પડે જ છે કારણ કે તેઓને પોતાની ભૂલ ખબર હોવા છતાં તેઓ માફી પણ નથી માંગી શકતા. ગુસ્સો એક એવો આવેગ છે જે એક ક્ષણમાં હતું ન હતું કરવા સક્ષમ છે ત્યારે તમામે ગુસ્સો કંટ્રોલ કરવા માટે પોતાને ગમતા ઉપાયો શોધી લેવા એ જ શ્રેષ્ઠ રસ્તો છે. ગુસ્સામાં બોલાયેલા શબ્દો સામી વ્યકિતના હૃદયને વીંધી જાય છે અને ભલે એ તમને માફ કરે પણ કયારેય એ વાત ભૂલી શકતા નથી. A person may forgive but he can never forget

Most Popular

To Top