Charchapatra

પ્રશાસનોના આદેશોનું આપણે છડેચોક ઉલ્લંઘન કેમ કરતા રહીએ છીએ?

સુરતમાં તાપી નદી ઉપર બાંધવામાં આવેલો કોઝ વે છલકાઈ ગયો છે. તેથી તેના ઉપરની લોકોની અવર-જવરને બંધ કરી દીધી છે. આમ છતાં કેટલાંક લોકો કોઝ વેની રેલીંગ ઠેકીને, વહેતા પાણીમાં જઇને સેલ્ફી લેવાની લાલચ રોકી શકયા નથી. આવા લોકોને પોલિસે ત્યાંથી ખદેડી મૂકયાં હતાં.આવી જોખમી જગ્યાએ સેલ્ફી લેવા માટે કે વહેતાં પાણીને જોવા માટે લોકો કેમ ગાંડા થઇ જતાં હશે, એ જ સમજાતું નથી. નદીમાં પાણી આવે એટલે લોકોમાં એ પૂર જોવાની તાલાવેલી હોય, એ સ્વાભાવિક ગણાય.

પરંતુ જોખમી સ્થિતિએ વગર વિચાર્યે છેક ધસમસતા પાણી સુધી પહોંચી જવાની લાલચ નહિ રોકીને પોતાનો જીવ જોખમમાં મૂકવા સુધી લોકો કેમ ગાંડા થઇ જતા હશે? હમણાં બીપોરજોય વાવાઝોડું ફુંકાયું હતું, પોલિસ ખાતા તરફથી જણાવવામાં આવેલું કે ડુમ્મસના દરિયા તરફ કોઇ પણ વ્યક્તિએ જવાનું નથી. છતાં કેટલાક કારવાલાઓ, વટને ખાતર, પોલિસની વાતનો અનાદર કરીને ડુમ્મસ તરફ જવા લાગેલા. પણ ત્યાં ઉભેલા પોલિસના જવાનોએ , એમને પાછા કાઢેલા. આમ શું બધી જ જગ્યાએ પોલિસ હોય તો જ આપણે સીધા રહેવાનું?

શું પ્રશાસનોની આવી જોખમી જગ્યાઓએ નહિ જવાની વિનંતીને આપણે લોકોએ નહિ માનવાની? અને આપણી બેદરકારી બે-જવાબદારી અને પ્રશાસનોના હુકમોને નહિ માનવાની નફફટાઈ ભરેલી જીદને કારણે, જયારે કશીક જાનહાનિ થાય છે ત્યારે આપણે લોકો પ્રશાસનોને પેટ ભરીને ભાંડવા લાગીએ છીએ. પ્રશાસનોની બેદરકારીને કારણે જયારે કશીક જાનહાનિ થાય છે ત્યારે આપણે લોકો પ્રશાસનોને પેટ ભરીને ભાંડવા લાગીએ છીએ. ‘પ્રશાસનોની બેદરકારીને કારણે આમ થયું ને તેમ થયું’ એવા દોષનાં પોટલાં પ્રશાસનો ઉપર ઠાલવીએ છીએ. પણ આપણે આપણો નાગરિકધર્મ સમજવા કે પાળવા જરાયે તૈયાર નથી. પ્રશાસનોના આદેશોને આપણે હંમેશા મજાક સમજીને ઘોળીને પી જઇએ છીએ અને કયારેક કેટલાંક જોખમમાંથી મોટું નુકસાન પણ વહોરી લેતાં હોઈએ છીએ.
સુરત     – બાબુભાઈ નાઇ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નેપાળ સાથેની નાગરિક આવ – જા પાસપોર્ટ નિયંત્રિત કરવો જરૂરી
હાલ ભારતમાં ગેરકાયદેસર ઘૂસી શકેલી પાકિસ્તાની મહિલા અને તેનાં ભારતીય આશ્રિતનો કિસ્સો તેના ગેરકાયદે ભારત પ્રવેશ બાદ થોડા લાંબા સમય બાદ તેમના વકીલ દ્વારા પોલીસ વિભાગને આપવામાં આવેલી માહિતીને કારણે પ્રકાશમાં આવ્યો. આ કિસ્સામાં તો આશ્રયદાતા યુવક જે સમાજમાંથી છે તેને માટે લગ્નની સરકારી નોંધણી ફરજિયાત હોવાથી પ્રકાશમાં આવી શક્યો. પણ જે સમાજમાં સરકારી નોંધણીને બદલે ધર્મગુરુ દ્વારા કે જ્ઞાતિના પંચ દ્વારા જ લગ્ન કે લગ્નવિચ્છેદની નોંધણી થતી હોય તો આવા કિસ્સા પ્રકાશમાં આવતે કે કેમ તે સવાલ રહે છે.

હાલની નેપાળની સરકારો પણ ભારતનાં હિતોને પૂરી અનુકૂળ નથી જ. માટે ભારત નેપાળની અવરજવર પણ પાસપોર્ટ આધારિત કરવી જરૂરી જણાય છે. અલબત્ત ફક્ત નેપાળી નાગરિકોને વિઝા ઓન એરાઈવલ જરૂર આપી શકાય પણ નેપાળને ગેરકાયદે ભારત પ્રવેશનું દ્વાર બનાવવાની ભારત વિરોધીઓની હરકત પર સંપૂર્ણ નહીં તો મહત્તમ અંકુશ તો આવશે જ.
સુરત     – પિયુષ મહેતા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top