Columns

સુરત આઝાદીની ક્રાન્તિનું દાવાનળ સર્જનારા કોણ?

સુરત જિલ્લો 19મી સદીના ઉત્તરાર્ધમાં સશસ્ત્ર ક્રાન્તિનું જવાળામુખીનું મુખ બની રહ્યું. સમય જતા શાંત, અહિંસક સત્યાગ્રહનું ગૌરવવંતુ કેન્દ્ર બન્યું. પ્રશ્ન એ થાય છે કે આ પ્રક્રિયાને સર્જનારા કોણ? કયા પરિબળો આ ઘટના પાછળ સક્રિય હતા? એ બાબત સત્ય છે કે સુરત બંદરનો ઇતિહાસ જાહોજલાલીવાળો હતો. ‘મકકાની બારી, દરવાજા’ તરીકે ઓળખાતું સુરત ગુજરાતના આર્થિક વિકાસનું પાયાનું કેન્દ્ર હતું. આ જાહોજલાલીને વાસ્તવિક સ્વરૂપ આપનારા, ‘સુરત સોનાની મૂરત’ નમૂનારૂપ નગર બનાવનારા અંગ્રેજી ભણેલા બુધ્ધિજીવીઓનો ફાળો નાનો સૂનો ના હતો.

નર્મદ, મહીપતરામ રૂપરામ, મોહનનાથ દીક્ષિત, ઇચ્છારામ સૂર્યરામ દેસાઇ તેમ જ 5 ‘દદાઓએ’ ગુજરાતમાં સુરતને સમાજ સુધારાનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું. સુરતના નાગરો, ઉપરાંત 12% વસ્તી ધરાવનારા પાટીદાર યુવકો, અનાવિલ બ્રાહ્મણો જેમની વસ્તી 7 % હતી. તેણે સુરતને આઝાદીની લડતનો દાવાનળ સળગાવ્યો. પાટીદારોમાં ખમીરવંતા યુવાનોમાં કુંવરજી – કલ્યાણજી મહેતા બે ભાઇઓ, કેશવજી ગણેશજી પટેલ, ખુશાલભાઇ મોરારજી પટેલ વગેરે હતા. અનાવિલોમાં મોખરે દયાળજી નાનુભાઇ દેસાઇ, કસનજી દેસાઇ, નાથાલાલ લલ્લુભાઇ વકીલ, પોપટલાલ વશી, મગનલાલ મહેતા, ખંડુભાઇ દેસાઇ વગેરે હતા. ત્રિભુવનદાસ ગજજર અને પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (Financial Vizard) સુરતના શિરોમણિ હતા.

સુરત બોમ્બ બનાવતું કેન્દ્ર
કુંવરજી, કલ્યાણજી દત્તુ-કલુની જોડી, પાટીદાર યુવક મંડળ, પાટીદાર આશ્રમ અને અનાવિલ આશ્રમના યુવકો. (1905-1912) કુંવરજી વિઠ્ઠલભાઇ મહેતાનો જન્મ 4 ડિસેમ્બર 1886 માં વાંઝ ગામે, સુરત જિલ્લામાં થયો હતો. પાટીદારોમાં ઉચ્ચ ગણાતી લેઉવા પાટીદાર કોમના હતા. 18 ફેબ્રુઆરી 1982 માં તેઓ 96 વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામ્યા. તેમણે તેમના જીવન દરમિયાન અનેક ઘટનાઓને રંગ આપ્યો. એમનું જીવનચરિત્ર જાણવા, માણવા જેવું છે. તેઓ રમૂજી, યુકિતપ્રયુકિતથી ભરપૂર અને કોઇથી ગાંજયા ના જાય તેવા ખૂબ સફળ કારર્કિદીવાળા હતા. તેમનું પાત્ર નાટક કે નવલકથા વાંચતા આનંદ આવે તેવું હતું.

પિતા ખેતીવાડી વાંઝ ગામે કરતા. વાંઝ ગામની સરકારી વર્નાકયુલર શાળામાં અભ્યાસ કર્યો. તે સમયના 7 ધોરણ આજના S.S.C પાસ ગણાય. 1906માં વાંઝ ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી 20 વર્ષની વયે શરૂ કરી. શાળામાં યુનિફોર્મ દાખલ કર્યા, દેશના મહાન ક્રાન્તિવીરોના ફોટા લટકાવ્યા. ‘વંદેમાતરમ્‌’ ગવડાવતા. વિદ્યાર્થીઓમાં દેશદાઝની આગ પ્રગટાવી. તેનું સુ-પરિણામ સરકાર દ્વારા આવ્યું. તે આપણે પાછળથી જોઇશું.

કુંવરજી કયા વિચારોથી રંગાયા? તેઓ ‘હિંદુ સ્વરાજ’ ‘વંદે માતરમ’, ‘ચંદ્રિકા’, ‘કેસરી’ વગેરે છાપાઓ, સામાયિકો વાંચતા. બ્રિટિશ રાજયની શોષણખોર, આર્થિક નીતિ, જોહુકમી, જુલમ અને અત્યાચાર સામે વિદ્રોહ પેદા થયો. 1904-05 માં રશિયા – જાપાન યુદ્ધ થયું. જાપાન જેવા વેંતિયા દેશે રશિયા જેવા રાક્ષસી દેશને હરાવ્યું. ‘Dwarf won against giant’ નો ખૂબ પ્રચાર થયો. લોકોમાં, એશિયા રાષ્ટ્રોમાં, ગુલામી ભોગવતા પૂર્વાત્ય દેશોમાં પશ્ચિમી સગાંઓ સામે ખૂબ વિદ્રોહ જાગ્યો. બળતામાં ઘી હોમાય તેમ બરાબર 10-5-1905-06 માં ગર્વનર – જનરલ લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડયા. દેશવ્યાપી આક્રોશ, તોફાનો, ભાંગફોડિયા પ્રવૃત્તિઓ અનેક વધી, બંગાળની ‘અનુશીલન સમિતિ’ના નવલોહિયા યુવાનોએ ‘મુકિત કોન પાથેર’ નામની બોમ્બ બનાવવાની ફોર્મ્યુલા રજૂ કરતી પુસ્તિકા બહાર પાડી. દેશની અનેક ભાષાઓમાં તેનું ભાષાન્તર થયું.

ગુજરાત કેવી રીતે બાકાત રહી શકે? બંગ-ભંગના આંદોલનનું કેન્દ્ર સુરત, વડોદરા, અમદાવાદ મુખ્યત્વે બન્યા. બંગાળી પુસ્તિકાનું ભાષાન્તર ‘સાબુ બનાવવાની રીત’ ‘વનસ્પતિની દવા’ મથાળા હેઠળ ગુજરાતીમાં પેમ્ફલેટો તૈયાર થયા. વહેંચાવા માંડયા. બરાબર આ જ સમયે ગુજરાતના ટંકરા ગામમાં જન્મેલા દયાનંદ સરસ્વતીએ 1875 થી શરૂ કરેલું ‘આર્યસમાજ આંદોલન’ પંજાબ અને ગુજરાતમાં 20મી સદીની શરૂઆતમાં ખૂબ ફેલાવા માંડયું. વેદ, ઉપનિષદ, સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ઉદ્દાત મૂલ્યોનો ખૂબ પ્રચાર થયો. આમ બ્રિટિશ સલ્તનત સામેનો વિદ્રોહ અને આર્યસમાજે પ્રગટાવેલી દેશદાઝથી યુવાપેઢી પૂરેપૂરી રંગાઈ. વડોદરાના સર સયાજીરાવ ત્રીજાએ આર્યસમાજ આંદોલનને ખૂબ પ્રોત્સાહન આપેલું. પંજાબમાંથી આત્મારામ પંડિત અને પ્રખર આર્યસમાજીસ્ટને  વડોદરા બોલાવી આદિવાસી અને દલિતોમાં ખ્રિસ્તીધર્મે ધર્મ પરિવર્તન કરેલું તેની સામે હિન્દુઓમાં ફરીથી દાખલ થવા ‘શુદ્ધિ’ આંદોલન ઉપાડેલું.

સયાજીરાવના ટેકાથી વડોદરામાં ગંગાનાથ મહાદેવના રમણીય સ્થળે ‘ગંગાનાથ મહાદેવનો અખાડો’ સ્થાપવામાં આવ્યો. ભાસ્કરનંદ સ્વામી મુખ્ય કર્તા હતા. અંગ્રેજો સામે લાઠી, ડમ્બેલ્સના દાવોની તાલીમ આપી સશકત યુવાનો તૈયાર કરવાનું ધ્યેય. અંબાભાઇ અને છોટુભાઇ પુરાણી બે ભાઇઓએ અખાડા સ્થાપના આંદોલન શરૂ કર્યું. ‘ડુંગળીચોર’ (ખેડા સત્યાગ્રહ) સમયે ઓળખાતા મોહનલાલ પંડયા જોડાયા. કાકાસાહેબ કાલેલકર અને પૂનાના મામા ફડકે ગુજરાતમાં ક્રાન્તિ ફેલાવવા ઊતરી આવ્યા. આ સમયે 1891માં શ્રી અરવિંદ ઘોષ ફિલોસોફીના પ્રાધ્યાપક તરીકે વડોદરા કોલેજમાં જોડાયા. બંગાળમાં ક્રાન્તિકારી ‘અનુશીલન સમિતિ’ના મુખ્યકર્તા અરવિંદ ઘોષના નાના ભાઇ બરીન્દ્રનાથ ઘોષ ગુજરાતમાં ક્રાન્તિનો સંદેશો ફેલાવતા રહ્યા. ખાડીયાની ધોબીની પોળમાં અમદાવાદમાં 60 જેટલા બંગાળીઓએ ‘યુનાઇટેડ બાંગલા હોમ’ની સ્થાપના કરેલી.

દેશ, વિદેશમાં શ્યામક્રિશ્ન વર્મા, વિનાયક દામોદર સાવરકર, મેડમ ભિખાઈજી કામા ખૂબ સક્રિય હતા. 1809 માં મદનલાલ ધીંગરા, સેનાપતિ બાપટે જેઓ પંજાબની ‘ભારત નવસમાજ’ નામના ક્રાન્તિ જૂથના સભ્ય હતા. તેઓએ ઇંગ્લેંડની પાર્લામેન્ટમાં કર્ઝન વિલી પર બોમ્બ ફેંકયો. પંજાબની વિધાનસભામાં આ જ અરસામાં સરદાર ભગતસિંહ, સુખદેવે બોમ્બ ફેંકયા. અમદાવાદમાં ૧૯૦૯ માં રાયપુર કબાડીવાડમાં લોર્ડ મિન્ટો ઉપર બોમ્બ ફેંકાયો.

સુરત આ વાતાવરણથી કઇ રીતે બાકાત રહી શકે? કુંવરજી મહેતાએ સાધુવેશે વાંઝ ગામમાં બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ શરૂ કરી. નરસિંહ પટેલ, કૃપાશંકર પંડિત, મોહનલાલ પંડયા, પાટીદાર યુવક મંડળ, અનાવિલ આશ્રમના યુવાનો ઘેર ઘેર બોમ્બ બનાવવાના પેમ્ફલેટો ચોરીછૂપીથી વહેંચતા. કુંવરજી, તેમના મિત્રો તેમ જ કુંવરજીના પત્ની સૂકા નાળિયેર શોધી લાવતા. તેમાં કાણું પાડી સળગી ઊઠે તેવા કાર્બન, નાઇટ્રોજન જેવા પદાર્થો ભરતા. આ પ્રવૃત્તિ સુરતમાં 1942 સુધી ચાલેલી. મકનજી સોલા શિક્ષક પણ મુખ્ય હતા. જો કે સુરતમાં 1910, 12 માં બોમ્બ ફૂટયા ના હતા.
ક્રમશ:

Most Popular

To Top