Columns

એક રાજવી ક-મોતની 104 ષડયંત્ર-કથા…

બ્રિટિશ મહારાણીએ 96 વર્ષની પાકટ આયુએ મહાપ્રયાણ કર્યું. અનેક ઐતિહાસિક ઘટનાના સાક્ષી રહી ચૂકેલાં મહારાણી અગણિત સ્મૃતિઓ મૂકીને ઈતિહાસ-કાળમાં વિલીન થઈ ગયાં. એમની અંતિમયાત્રા પછી પણ બ્રિટિશ પ્રજા મહારાણીના અવસાનનો રાષ્ટ્રજોગ શોક પાળી રહી છે એ દરમિયાન, ફરી એક વાર રાજવી પરિવારની સૌથી સ્વરૂપવાન અને બધા બ્રિટિશરોની લાડકી એવી પ્રિન્સેસ ડાયનાના અપ-મૃત્યની વાત ચર્ચાના ચકડોળે ચઢી છે. પેરિસના સબ-વેમાં થયેલા કાર અકસ્નાતમાં ડાયના અને એના ઈજિપ્તના બૉયફ્રેન્ડ ફાયેદ ડોડીનાં કમોત થયાં.

ફોટોગ્રાફરોનું એક ઝુંડ એ બન્નેની તસવીરો ઝડપવા પાગલની જેમ એમની કાર પાછળ પડ્યું હતું એમાં આ અક્સ્માત સર્જાયો એવી એ વખતે પ્રાથમિક સમજ અને માન્યતા હતી પણ પાછળથી ડાયનાનાં ક-મોતનાં કારણોની લાંબી-પહોળી થિયરી-અનુમાન-માન્યતાની વાત જગતભરમાં ચર્ચાના ચકડોળે ચઢી હતી અને આજે પણ બ્રિટિશ પોલીસ- ત્યાંનો ગુપ્તચર વિભાગ – ખાનગી ડિટેક્ટિવ એજન્સીઓ, ઈત્યાદિ ડાયના ક-મોતનાં કારણનાં પગેરું પામવા સતત મથી રહ્યા છે…

આજે આ ક-મોતને 25 વર્ષ થઈ ગયા છે છતાં એ કેસમાં હમણાં એક નવી વાત એ બહાર આવી છે કે ડાયનાના આ અક્સ્માત મોત પાછળનાં કારણોની અત્યાર સુધીમાં ન કલ્પી-વિચારી હોય એવી ઓછામાં ઓછી 150થી વધુ થિયરી-માન્યતા બહાર આવી છે. આમાંથી અમુક તો સાવ વાહિયાત છે જેમ કે ડાયના છેલ્લે છેલ્લે જેની સાથે ઘણો જ હૂંફાળો સંબંધ ધરાવતી હતી એ ફયાદના અતિ શ્રીમંત પિતા લંડનના ફેમસ ડિપાર્ટમેન્ટ સ્ટોર ‘હેરૉડસ’ના માલિક હતા. અબજોપતિ પિતા અને પુત્ર ફ્યાદ એમના રંગીલા સ્વભાવ-વર્તન માટે કુખ્યાત હતા. થિયરી એ છે કે મુસ્લિમ અબ્બાજાનને પોતાના ચિરંજીવના ગોરી રાજ્કુંવારી ડાયના સાથે લગ્નેતર સંબંધ પસંદ ન હતા.

ડાયનાને લઈને પિતા-પુત્ર વચ્ચે ઘણી વાર અફડાતફડી પણ થઈ હતી. અંતે ડાયનાનું કાટલું કાઢવા ફયાદના પિતાએ કાર-અક્સ્માતની સુપારી આપેલી જેમાં ડાયનાની સાથે પુત્ર ફયાદ પણ માર્યો ગયો…! જો કે આવી તો વજૂદ વગરની અનેક અનેક ‘કન્સિપરસિ થિયરી’ફરતી રહી છે. આ બધા વચ્ચે હમણાં એક વ્યક્તિનું નામ બહુ ચર્ચામાં છે. એ છે ડેવ ડગ્ગલાસ. આજે તો આ અતિ અનુભવી બ્રિટિશ પોલીસમેન નિવૃત્ત છે પણ કાર- અકસ્માત વખતે ડાયનાના ક્મોતને લગતી જે જે કથનીઓ બહાર આવતી હતી એ બધી ડેવ ડગ્ગલાસને તપાસ માટે સોંપવામાં આવતી હતી.

ડેવ અને 12 સહયોગીની એની ટીમ આવી થિયરીને પ્રત્યેક દ્રષ્ટિકોણથી તપાસતી-ચકાસતી ને પછી એમાં કેટલું તથ્ય છે એનું પૃથક્કરણ કરીને પોતાનો રિપોર્ટ આપતી. નિવૃત્ત થયાનાં કેટલાંય વર્ષ પછી ડેવ ડગ્ગલાસે પહેલી વાર ડાયના-કેસની ફાઈલ્સ જાહેરમાં ખોલી છે. ડગ્ગલાસ કહે છે કે એની ડ્યુટીના સમયગાળા દરમિયાન એની પાસે ડાયનાના ક-મોતને લઈને 104 જેટલી કન્સિપરસિ થિયરી-ષડયંત્રની માન્યતાઓ આવી હતી. આમાંથી અમુક તો સાવ વાહિયાત- તર્કહીન ને ભેજાંગેપ પણ હતી તો કેટલીકમાં દમ પણ હતા.

‘અણમાનીતી વહુ ડાયનાનું મોત અક્સ્માતથી નહીં પણ એની હત્યા થઈ છે’ એવી એક થિયરીમાં રાજવી પરિવાર તરફ આંગળી ચિંધવામાં આવી હતી જેમાં આજના હવે કિંગ અને એ વખતના ભૂતપૂર્વ પતિ ચાર્લ્સ તથા એના પિતા અને ડાયનાના સસરા ફિલિપ્સનાં નામ પણ ઉછળ્યાં હતાં…! આમાં જાણવા જેવી વાત એ છે કે આ થિયરીના સંદર્ભે ડેવ ડગ્ગલાસ ખુદ એ સમયના પ્રિન્સ ચાર્લ્સની ઊલટતપાસ કરવા પણ ગયો હતો…! ‘આટલી 104 જેટલી વિભિન્ન થિયરીની તલસ્પર્શી તલાશ પછી તમે અંગત રીતે શું માનો છો?’ એવા પ્રશ્નના જવાબમાં ડેવ ડગ્ગલાસ શબ્દો ચોર્યા વગર કહે છે: ‘ડાયનાના મોત પાછળ કોઈ જ રહસ્ય નથી. …એ ખરેખર ભીષણ કાર-અકસ્માત હતો જેમાં આપણે અતિ રૂપાળી યુવા ડાયનાને ગુમાવી!’

પેટ બળ્યું…? તો લો, હવે ગામ બાળો!
‘પ્રેમી’ અને ‘વૈરી’ આમ તો એક ગૌત્રના શબ્દ ન કહેવાય પણ ઘણી વાર એ બન્ને વચ્ચે પ્રત્યક્ષ – પરોક્ષ રીતે સંબંધ નીકળી પણ આવે. કહે છે ને કે અતિ નિકટના બે પ્રેમી વચ્ચે ક્યારેક અંટશ પડે ત્યારે એ મીઠા સંબંધ ખારા-ખાટા-તૂરા ને કડવા પણ બની જાય. વાત વધુ વણશે તો બે આદર્શ પ્રેમીને કટ્ટર દુશ્મન થતાં વાર નથી લાગતી. આવા પહેલાં પ્રેમી હોય ને પછી વિફરે તો કેવા વેરી બની જાય છે એવા અનેક અવનવા કિસ્સા અવારનવાર બહાર આવતા રહે છે. આ તો પ્રેમીમાંથી વેરીમાં પલટાતાં યુગલની વાત થઈ. કેટલાક કિસ્સા એવા છે, જેમાં કોઈનો મિજાજ વિફરે તો એ કેવા કેવા વેર લેવા ઊતરી પડે એની વાત પણ કુતૂહલ જગાડે એવી છે.

આ તાજો કિસ્સો જાણો. વાત મહારાષ્ટ્રના સોલાપુરની છે. થોડા દિવસોથી અહીંના અમુક વિસ્તારમાંથી મોટરબાઈકની ચોરીની ફરિયાદો વધવા લાગી. પોલીસ પણ મુંઝવણમાં હતી. શહેરમાંથી અવારનવાર કાર-બાઈક કે સાઈકલ સુદ્ધાં ચોરાતી રહે અને એની ફરિયાદ પોલીસ સુધી પહોંચે એ સમજી શકાય પણ છેલ્લા એકાદ મહિનાથી મોટરબાઈકની ચોરીમાં જે એકધારો ઉછાળો આવી રહ્યો હતો અને બાઈક-ચોર હાથ પણ નહોતા આવતા એ વાત પોલીસને મુંઝવતી હતી. પોલીસે પોતાના બાતમીદારોનું-ક્લોઝડ TV ઈત્યાદિનું નેટવર્ક વધુ સઘન ને સાબદું કર્યું.

બાઈકની ચોરી તો અટકી પણ ચોર હાથ ન આવ્યા. અચાનક એક રાતે પાર્કિંગ લૉટમાંથી બાઈક ચોરતો એક શખ્સ અનાયાસ પકડાયો પછી તો બાઈકચોરોની ગેંગની સાથે એનો બોસ પણ ઝડપાયો.… ઊલટતપાસમાં જણવા મળ્યું કે થોડા મહિના પહેલાં ખુદ ગેંગના બૉસની કિંમતી બાઈક કોઈ ચોરી ગયું હતું. ફરિયાદ કર્યા પછી પોલીસ એની બાઈક શોધી ન શકી. પછી રોષે ભરાયેલા બોસે પોતાના ત્રણ સાથીની એક ગેંગ બનાવીને બીજાની મોટરબાઈક તફડાવવાની શરૂ કરી અને ગેંગ આખરે પકડાઈ ત્યાં સુધીમાં એ લોકોએ 29 કિંમતી બાઈક ચોરીને પછી મહારાષ્ટ્રથી બારોબાર વેચીને તગડી રોકડી કરી લીધી હતી.…
આને કહેવાય : ‘પેટનો બળ્યો ગામ બાળે’!

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
‘આજકાલના યુવા વર્ગમાં સિગારેટ- દારૂ-નશીલા પદાર્થ અર્થાત ડ્રગ્સ સેવનની કુટેવ વધી ગઈ છે…’ એવી ફરિયાદ વાર-તહેવારે થતી રહે છે. અગાઉ ધૂમ્રપાનને લઈને વધુ કકળાટ થતો હતો. પછી નશીલાં પીણાંની વધુ લાગતી જતી લત વિશે ફરિયાદો વધી ને હવે ડ્રગ્સનું દૂષણ બધાની નજરે વધુ ચઢે છે…. જો કે જાપાનમાં હમણાં યુવાનો વિશે એક બીજા જ પ્રકારની ફરિયાદ વધી રહી છે. એક સર્વે કર્યા પછી જાણવા મળ્યું કે જાપાની યુવાવર્ગમાં દારૂનું વ્યસન બહુ ઝડપથી ઘટી રહ્યું છે. આમ તો આ ‘અચ્છે દિન’ આવ્યાનો શુભ સંકેત ગણાય પરંતુ ત્યાંની આલ્કોહોલ કંપનીઓને બડી ચિંતા થઈ ગઈ એમની ઘટતી જતી આવક્ની!

દારૂ ઉદ્યોગની સાથે ત્યાં સરકારની પણ ચિંતા વધી ગઈ છે રાષ્ટ્રીય આવક ઓછી થતી જવાની! હવે દારૂની કંપનીઓ અને સત્તાવાળા સાથે મળીને યુવાનો વધુ ને વધુ દારૂ ઢીંચે એ માટેની જાતભાતની તગડી ઈનામી સ્પર્ધાઓ યોજી રહ્યા છે…! નશીલાં પીણાંને લઈને આપણે ત્યાં કેવોક સિનારિયો છે? વેલ, એક તાજા સર્વેક્ષણ અનુસાર છેલ્લાં 3 દાયકા દરમિયાન ભારતમાં પુરુષ-સ્ત્રીઓ વધુ પ્રમાણમાં દારૂ પીતાં થયાં છે. આ સાથે ગુડ ન્યૂઝ એ છે કે પહેલાંની સરખામણીએ દારૂ ગટગટાવનારાઓની એટલે કે ‘દારૂડિયા’ની સંખ્યા ઝડપથી ઘટી રહી છે…!
ઈશિતાની એલચી *
કોઈની ભૂલ હોય તો એને મિત્રભાવે કાનમાં કહેજો-
આખા ગામમાં નહીં…!!

Most Popular

To Top